પરણ્યા ૧૯૪૪ માં. ૨૫મી નવેમ્બર. પપ્પા મુંબઈ આવ્યા ત્યારે જયદેવ કાકા ની સાથે આશરે ૬ મહિના રહેલા. ક્યારે ઘર ભાડે લીધું એ ખબર નથી પણ ગ્રાન્ટ રોડ પાસે ચુનામ લેન નામની ગલી હતી. બાજુમાં કોંગ્રેસ હાઊસ. મુંબઈ માં ચાલી સિસ્ટમ પ્રચલિત હતી, અને એવી એક ચાલ માં ભાડેની જગ્યા હતી. મેટ્રો માં નોકરી. સાથે મોટીબેન – હિરાલક્ષ્મી - અને ભાણી જયકિશોરી (સવિતાફોઈ ની દીકરી). બધા ભોળા, સીધા માણસો નું નાનું કુટુંબ. એ જમાનામાં ચુનામ લેન મુજરા ઇત્યાદિ નો અડ્ડો ગણાતું, અને આ ચાલી માં પાડોશ થોડો એવો ખરો. જેકીબેન (ઉર્ફે જયકિશોરી) ગાય ઘણું સરસ, અને સિતાર પણ વગાડે, અને ઘરે રિયાઝ કરે. એક વાર એક પડોશી સ્ત્રી એ આવી ને પપ્પાને કહ્યું, “તમે કોઈ સારા કુટુંબ ના માણસો લાગો છો, એટલે કહું છું. અમે બધા આડોશ પાડોશ માં ધંધા વાળી ઑ છીએ, અને તમારી દીકરી સંગીત ની પ્રેક્ટિસ કરશે તો અમારા માં ગણાઈ જશે!” બધા હેબતાઈ ગયા, અને જેકીબેન ની ઘરમાં પ્રેક્ટિસ બંધ થઈ. ચુનામ લેન નો લત્તો આ ધંધા માટે જાણીતી હતી.
એવું સાંભળ્યું છે કે લગન થયા એજ રાતે સી પી ટેન્ક ના ચાર રસ્તા પર આવેલી એક (હિરાબાગ?) ધર્મશાળામાં રહ્યા હતા! દશાપોરવાડ વણિક, પણ જંબુસર ભરૂચ ના, એટલે સુરત મુંબઈ ની નાતબાહર! પણ મમ્મી નું પિયર સુરત મુંબઈ ની નાત નું, એટલે નાત ની વાડી – મોરાર બાગ માં લગન થયા હશે એવું માનું છું. અંજુ ને હું પણ ત્યાં જ પરણ્યા. કેટલા વર્ષ ચુનામ લેન માં કાઢ્યા એ ખબર નથી, પણ નસીબ જોગે સામે ચાલીને મોટું સરસ ઘર – પાઘડી વિના – મળ્યું. રોહિત દવે (એવું નામ મને યાદ છે) એ ઘરમાં રહેતા હતા એવું યાદ છે. એકલા માણસ, અને બીજે ઘરે જવાનું નક્કી થયું. કોઈ લાયક માણસ ને ઘર આપવું એવું નક્કી કરેલું. માનું છું કે પામતા પોંહચતા હતા, અને સિદ્ધાંત વાદી હતા, એટલે પાઘડી લીધા વિના જગ્યા સોંપવી હતી. કોણે પપ્પા નું નામ ચીંધ્યું એ ખબર નથી, પણ ૨૫ વિલ્સન સ્ટ્રીટ નું ઘર મળ્યું. બાજુમાં વિલ્સન સ્કૂલ – મરાઠી શાળા. જૂનું વિલાયતી ઢબ નું મકાન, અને આજુ બાજુ ખુલ્લું મેદાન. ગલી ના છોકરાઓ રમવા જઈએ, પણ કોઈક વાર માળી અમને ભગાડે. અમારું ઘર તે મકાન નો ત્રીજો આખો માળ, અને ચોથા માળ વાળા પેટા ભાડૂત. ભાડું મહિને ૪૩ રૂપિયા! ત્રણ મોટા ૨૦’ x ૨૫’ ઓરડા, બે બાથરૂમ એમાં થી એક સાથે શૌચાલય (ચાલી માં તો રૂમ માં ચોકડી અને એક નળ હોય, શૌચાલય ચાલી ને એક નાકે ચાર પાંચ રૂમ વચ્ચે સાર્વજનિક!) બે બારણાં અને રસોડા અને ઓરડા ઓ વચ્ચે એક નાની ગેલેરી! જગ્યા તો એવી લેહ-લૂમ કે વાત ના પૂછો. થોડો મોટો થયો પછી નીચે (રસ્તા પર) રમવા ના જવાય તો બંને બારણાં ખોલી ઘરમાં જ બે રૂમ ની પિચ પર ક્રિકેટ રમ્યા છીએ. એટલી જગ્યા!
આજના હિસાબે બે મોકાણ: એક તો ત્રણ માળ ના દાદર ચઢવાના, અને પાણી નળ માં ફક્ત સવારે ૪ થી ૮ ચાર કલાક જ આવે! એટલે બન્ને બાથરૂમ માં પિપો ભરી રાખવાના. અનુમાન કરું છું કે ૧૯૪૬ ની આસપાસ આ ઘર મળ્યું, અને ૧૯૬૨ સુધી ત્યાં રહ્યા. ત્યાંથી કેમ નીકળ્યા એ વાત બીજે કશે!
જગ્યા મોકળી, એટલે સગા સંબંધી મુંબઈ આવે કે આ ઘરે જ ધામા. કુટુંબ માં કે કુટુંબી ઓ ના બીજા સગા માં મુંબઈ લગન હોય, તો ઘણી વાર મુરતિયો કે કન્યા આ ઘરે થી મંડપે જાય. પપ્પા એ એક વાર એવું કહેલું કે એ ઘરે થી ૧૭ લગન થયેલા. હું ૧૯૫૧ માં પધાર્યો. વચલા ઓરડા નું પાર્ટીશન કરેલું. પહેલા તો પપ્પા ના નાના ભાઈ ઇંદુકાકા નું કુટુંબ સાથે રહ્યું. પછી ફોઇબા વનિતા વિશ્રામ થી નિવૃત્ત થયા અને લતૂબેન એમની સાથે વનિતા વિશ્રામ ની હોસ્ટેલ માં રહેતી હતી, એ બંને અમારી સાથે રહેવા આવ્યા, અને ઇંદુકાકા, જ્યોતિકાકી, યોગેશ રૂપા કાંદિવલી રહેવા ગયા. ગલી ને નાકે મંજુમાસી રહે, પણ એમનું ઘર ચાલીમાં હતું, બે દીકરી અને ત્રણ દીકરા, બધા મોટા થઈ ગયેલા, પણ અમારે ત્યાં વચલા ઓરડામાં પાર્ટીશન ની એક બાજુ જગ્યા હતી, એટલે એક ભાઈ અમારે ત્યાં સુવા આવે. અને બાકી ભાઈ બેનો માં થી કોઈ ને કોઈ પપ્પા પાસે ભણવા આવે. બીજી ખૂબી એવી કે મમ્મી નું પિયર પાસે જ. ૪ -૫ મિનિટ માં પહોંચી જવાય!
પરણ્યા પછી મમ્મી એ કયાં સુધી મોર્ડન સ્કૂલ માં નોકરી કરી એ ખ્યાલ નથી. મંજુમાસી વાળા ભાઈ બહેનો એ મને ખૂબ રમાડયો છે. બાળમંદિર મારું જરા દૂર હતું. ઘણી વાર રમેશભાઈ મને સાઇકલ પર બાળમંદિર મૂકવા આવે, અને મમ્મી લેવા આવે. પહેલી ચોપડી માં આવ્યો ત્યારે મોટીબા ના ઘર વાળી વાડી ને નાકે પોસ્ટ ઓફિસ, અને એને બીજે માળે મારી સ્કૂલ. સ્કૂલ છૂટે અને ઘણી વાર સિદ્ધો બાને ઘરે જ પહોંચું, મમ્મી ત્યાં જ હોય. બા એ મારે માટે પ્રસાદ ની મગજ ની લાડુડી રાખી હોય, એ મળે! આ અમારું જીવન.
હું પધાર્યો પહેલા, પપ્પા મમ્મી ખૂબ ફરતાં પણ મુંબઈ ની આસપાસ કે દક્ષિણ ભારતમાં. ઉટી, કોડિકેનાલ બેત્રણ અઠવાડીયા રહે, કોડિકેનાલ ના સરોવર માં પોત પોતાની હોડી ભાડે લઈ હલ્લેસા મારી લેક માં ફરે! માથેરાન અને સૈહ્યાદ્રી માં શનિ રવિ તો ફરતાં જ હોય. હું આવ્યો પછી મહાબળેશ્વર (જો કે મને એ જગ્યા ની જરા પણ યાદો નથી) અને માથેરાન – જે ઘણું યાદ છે: માથેરાન મ્યુનિસિપાલિટી ની ધરમશાળા હતી. મોટું ખુલ્લું ચોગાન, મકાન પાછળ એક કૂવો, મકાન ના બે ભાગ ભાડે આપે અને અમે એક આખ્ખો મહિનો લઈએ. અમે ત્રણ ત્યાં અઠે દ્વારકા, ને મામા માસી વગેરે આવ જા કરે. માળી નો દીકરો મારો મિત્ર, જંગલ માં ભૂરા જાંબુ વીણવા લઈ જતો. ગિલ્લી દાંડું રમતા શીખવેલું. પપ્પા ની ડાયરીઓ વાંચી એમાં ક્યારે રજાઓ લીધી એ લખ્યું છે, ઘણી વાર! શ્રીનાથજી અને આબુ પણ પ્રવાસ કરેલો. માથેરાન માં મહિનો કાઢીએ એજ વેકેશન.
– ૧૯૫૬ સુધી! પછી હિમાલય જડયો!
એક બે મુંબઈ ની આસપાસ શનિ રવિ ફરવા જતાં એની વાત યાદ આવે છે. સવારે બોરીવલી પહોંચ્યા, અને ભાડે થી સાઇકલ લીધી. પાકો રસ્તો ગાંધી સ્મૃતિ મંદિર સુધી જ હતો. પણ આગળ કેન્હેરી કેવ્સ સુધી રસ્તો ખરો પણ કાચો. એ જમાના માં બસ નો’તી જતી. વચ્ચે તુલસી લેક જવાની પાયવાટ જેવો રસ્તો, સાયકલ જઇ શકે. બોરીવલી થી નીકળ્યા, આગળ હાથા પર હું, અને પાછળ કેરિયર પર મમ્મી. પાછા આવતાં જંગલ માં એક આંબો લચી પડેલો, કેરી કાચી હતી, એટલે ઉતરી ને પાડી, અને થેલી માં ભરી, અને સાયકલ ના હૅન્ડલ પર લટકાડી. ભાર એટલો વધી ગયો કે પપ્પાથી કાચા રસ્તા પર સાયકલ કાબુમાં રખાય નહીં, એટલે બધી કેરી ફેંકાવી દીધી, અને મમ્મી પાછળ બેઠી બેઠી બડબડતી રહી!