Up સિંગાપુર માં 
પહેલું પાનું The Beginning
Mummy Pappa

અમે પાંચે સાથે જ સિંગાપૂર આવ્યા – મુંબઈ થી આઝાદી લઈ ને – ૧૫ મી ઓગસ્ટ ’૯૩! અને નવી ઘોડી નવો દાન શરૂ થયો. ત્રણ ઓળખીતા ના ફોન નંબર લઈ ને આવેલા. બે ને મૂંબઈમાં મળેલા, પણ ત્રીજા ભાઈ ને મળ્યા પણ નો’તા. એક જાનકી ના જ ક્લાસ ના એક પોરિયા નું કુટુંબ જે મુંબઈ થી સિંગાપુર ગયેલું, બીજા પપ્પા ની સિંધ્યા કંપનીમાં સાથી હતા તે, અને ત્રીજા જેને અમે મળ્યાં નો’તા એ અંજુ ના અમદાવાદ વાળા કાકા ના મિત્ર ના ભાઈ!   ત્રણે જણાએ અમને પ્રેમ અને સહાય થી લપેટી લીધા અને અમારી સિંગાપૂર સફર શરૂ થઈ – ત્રીસ વર્ષ પહેલાં!

  અમારા ફ્લેટ ની સોસાયટી દરિયા પાસે હતી. એક રસ્તો ઓળંગવાનો, પછી એક પગદંડી અને હાયવે નીચેથી ભૂમાર્ગ, અને દરિયા કિનારે પહોંચી જવાય. સિંગાપૂર ના આ પૂર્વ ભાગમાં દરિયાને કિનારે ૧૫ કી.મી. લાંબો સુંદર લીલોતરી ભરેલો પાર્ક બનાવેલો છે. પપ્પાએ પ્રથમ તો અંધ વિદ્યાર્થી ઓ ને વાંચી આપવાનું કામ શોધયું પણ એવું વાતાવરણ જ નથી. જાહેરમાં અંધ વ્યક્તિઓ દેખાય જ નહીં, જ્યારે ભારતમાં તો બધ્ધે આરામથી આવજા કરતાં હોય છે. સવાર સાંજ દરિયા કિનારે સ્થિત પાર્ક માં ચાલવા જાય. માણ બે મહિના થયા હશે અને એક દિવસ સવારે ઘરે પાછા પહોંચ્યા પછી કહે કે આજે બચી ગયો! મને દેખાતું સાવ ઓછું થઈ ગયું છે. મૂંબઈમાં આ પ્રોબ્લેમ નો આભાસ થયેલો, અને ડૉ. એ કહેલું કે મેકયુલા જશે ત્યારે અચાનક જ જશે. બસ એજ થયું.

 પપ્પા ની આખો ઝાંખી પડી – મેકયુલા ભ્રષ્ટ થઈ એટલે –આંખ નું ઓઝળ એવું કે સામેનું દ્રષ્ય સફેદ ધાબું દેખાય, પણ પરિઘ માં સાફ દેખાય. એટલે વ્યક્તિ સાવ પાસે આવે ત્યારે થોડા ઓળખી શકે, પણ રસ્તો અને આજુ બાજુ ની વનરાઈ સાફ દેખાય ચાલી શકે, પડ્યા કે અથડાયા વિના, પણ ટ્રાફિક કે વ્યક્તિ સામેથી આવે તો ધાબું જ. પણ પપ્પા ની મનોવૃત્તિ એવી કે “જેનો ઉપાય નથી, એને માણવા ની જ રહી”. સવાર સાંજ બબ્બે કલાક ચાલવા જાય, હું ૬ વાગે પેલો રસ્તો ક્રોસ કરાવું અને ૮ વાગે ઓફિસ જતાં પહેલાં પાછો લેવા જાઉં . ભારત ના સંસ્કાર માં ઉછરેલા, એટલે રસ્તાને પેલે પાર ઊભા હોય, અને હું પહોંચ્યો ના હોંઉ તો કોઈ પણ વ્યક્તિ ને જુએ તો રસ્તો ક્રોસ કરવો એમ વિનંતી કરે. પણ આ દેશ માં વર્તન જુદું હોય, અને કોઈ ખુશી થી ક્રોસ કરાવે, તો કોઈ પપ્પા થી ગોળ ફરી ભાગી જાય. પાર્ક માં જે મળે એને “હરી ૐ તત્સત” બોલી ને સત્કાર કરે. ઘરે પોતાની ચાહ બનાવી લે, કોક વાર ઊભરાય કે ઢોળાય પણ પોતાનું કરાય છે એ વિશ્વાસ કાયમ રહે એ અમને વધારે રૂડું લાગ્યું.

સિંગાપૂર નો સમાજ નિર્ભય ખરો. અમારા પ્રેસિડન્ટ એ વખતે એક તામિલ ભાઈ હતા, અને એ પણ દરરોજ સવારે, આજ પાર્ક પર ચાલવા આવે – બસ એકજ સંરક્ષક સાથે હોય – અને પપ્પા મળે તો એક બીજા ને નમસ્કાર કરે, સત્કાર કરે. કોઈક વાર અંજુ અને હું પણ સાંજના સાથે ફરવા નિકળીએ. એક વાર એક ચિના ભાઈ એ અમને રોક્યા અને પૂછ્યું, “આ તમારા પિતા છે?” ‘હા’, “એ મને કઈક ‘હરી...’ એવું કઈક કહી સત્કાર કરે છે તે શું છે?” એટલે અમે એને સમજાવ્યું, અને ત્યાર બાદ અમે જોયું કે પપ્પાને ભારતી વ્યક્તિ છે કે નહીં તે બરાબર ઓળખે નહીં એટલે બધાને :હરી ૐ તતસત” બોલી ને સત્કાર કરે, અને ઘણા ચિના, ગોરા અને એક બે બીજી જાતિ ના વ્યક્તિઓ પણ એજ બોલી ને જવાબ આપતા થઈ ગયેલા.     

આંખો ની નબળાઈ ને લીધે, પપ્પા સંગીતમાં ઘણા રચ્યા પચ્યા રહેતા. પણ એમને સંભળાતું પણ જરા ઓછું જ. (સુરત ની વાતોમાં એમના કારસ્તાનો ની વાત વાંચી ને?) અમે એક કેસેટ પ્લેયર લઈ આવેલા, અને સંગીતના કેસેટ ઘણા ભેગા કરેલા. સિંગાપુર થી પહેલી વાર મુંબઈ પાછા રજા માણવા ગયા ત્યારે રિધમ હાઉસમાં ગયો, અને થોડો વખત ભાન ભૂલીને કેસેટ ખરીદેલા. અને અમારી પાસે નીનુભાઈના ઘણા કેસેટ હતા. ખાસ સીતાયાન આકાશવાણી પર પ્રસારિત થયેલું, ત્યારે અમે અશ્વિનભાઈ ને ત્યાં પહોંચેલા, અને રેડિયો પરથી કેસેટમાં રેકોર્ડ કરેલું! અશ્વિનભાઈ ની નીનુભાઈ સાથે સારી એવી સંગત હતી, અને ચાર પાંચ અંગત સંગીત મહેફિલ ના કેસેટ હતા, અને એની નકલ અમને આપેલી. પછી સ્મરણાંજલિ ના કેસેટ, નરસૈંયો ભકત હરિનો, મીરા ના ભજનો ના કેસેટ બહાર પડેલા, અને અમે ત્વરિત લીધેલા. પરિખ પરિવાર અંજુના પિયર ની સોસાયટી માં જ રહે, એટલે તરત મળી જતાં. મને એમ કે પપ્પાને શાસ્ત્રીય સંગીત ગમશે, એટલે સારો એવો ખજાનો એકઠો કરેલો. પણ પપ્પાને નીનુભાઈના કેસેટ વગાડવાના જ ગમે. એક ખાસ તો કવિ નાન્હાલાલ ની યાદ માં નીનુભાઈ ની મંડળી એ પ્રોગ્રામ કરેલો, અને એના અંગત કેસેટ ની નકલ કોઈ મિત્રે પપ્પા માટે આપી. બસ પપ્પાને આજ ગીતો સંગીતનો જલસો મળી ગયો. જરા પણ અતિશયોક્તિ કર્યા વિના કહી શકું કે આ છ સાત નીનુભાઈ ના કેસેટો સિંગાપૂરમાં પપ્પાએ હજારેક વાર વગાડ્યા હશે, અને મોટે થી વગાડે. બે કારણ: એક તો સંભળાય ઓછું અને બીજું કે એ ગીતોનું વાતાવરણ એમને લપેટીલે, અને એજ એમની દુનિયા થઈ જાય. કેસેટ ઘસાઈ જાય એટલે મેં પહેલેથી જ નકલ કરી ને એમને આપેલી. મૂળ કેસેટ સાચવી રાખી. આશરે ત્રણ વાર આ ઘસાઈ ગયેલી કેસેટો બદલી! આટલી વાર અમે બધાએ સાંભળેલી અને અમને પણ કંઠસ્થ થઈ ગઈ!

કોઈ વાર એમને લખવાની ઇચ્છા થાય, અને હું ઓફિસ થી વપરાયેલા કોમ્પુટર ના પ્રિન્ટ આઉટ લાવી રાખતો, એના પર મોટા અક્ષરે ફેલ્ટ પેન થી પત્ર કે કોઈ કવિતા ના શબ્દો લખે.

સિંગપૂરમાં ૨૦૦૩-૪ ની આસપાસ એક દિવસ પપ્પાએ અમને બન્નેને એકદમ ઉત્સાહ થી બોલાવ્યા અને કહે “મને અચાનક નળાખ્યાન યાદ આવ્યું” અને ગાવા માંડ્યુ... ‘નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી,

સુણી ને પ્રસંશા હંસ થી નળરાયને મનથી વરી.’…

મે પૂછ્યું “આ વળી ક્યારે સાંભળ્યુ કે તમને યાદ રહી ગયું?” બોલ્યા ‘ બા આદીત (એમના ફોઇ જે સાથે રહેતા) એ દર રોજ આ નળાખ્યાન ગાતા. હું ૧૦-૧૨ વર્ષનો હોઇશ ત્યારે.’ અને આ ૯૨-૯૩ વર્ષે “એકદમ” યાદ આવ્યું, અને ૩-૪ કડી ગાઈ નાખ્યું!! મે આ બ્લોગ લખવા માટે એ ગીત શોધવા ના ખૂબ પ્રયાસ કર્યા, પણ અસફળ! આ મૂળ નળાખ્યાન માં નથી. ત્રણે રચયિતા ના નળાખ્યાન વાંચી ગયો. ફક્ત ગુજરાતી ૧૦મી ચોપડી ના વ્યાકરણ વિષય ની પરીક્ષામાં છંદ ઓળખવાના પ્રશ્નોમાં આ કડી મળી આવી, પણ કશે થી આખું ગીત મળ્યું નથી!

૧૯૯૭ દિવાળીને એક અઠવાડિયું બાકી, પપ્પાને એંજાઈના ના બે એટેક આવેલા. ડો. બલદેવ સિંહે angiogram કરલો અને ૩ જગ્યાએ by-pass જરૂરી છે એવું કહેલું. માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલના ICU માં પપ્પા હતા. ડો. બલદેવે cardiac surgeon ને બોલાવ્યા, પણ એ surgeon કહે કે ૮૫ વર્ષના માણસને by-pass ઓપરેશન કરવું બહુ જોખમી છે. “તમે દર્દી ને જોઈ તો લો, પછી નિર્ણય લો” એવી વિનંતી કરી, ડો. બલદેવે! ડો. શિવદાસન ICU માં આવ્યા અને પપ્પા ને તપાસતાં હતા. પપ્પાનું શરીર આમ તો કસેલું એટલે ડો. શિવદાસન ને લાગ્યું કે ઓપરેશન કરાશે! પપ્પા સાથે વાતો કરવાનું ચાલુ કર્યું, “મિસ્ટર સુમંત, don’t worry!” અને પપ્પા તરતજ ગાવા માંડ્યા – ICU માં આજુ બાજુ 3-4 ડોક્ટરો અને નર્સ વગેરે ભરેલા રુમ માં, “I don’t worry, worrying don’t agree,  winter fall and spring …” મોરિસ શેવાલિયર નું 1950 નું ગાયન! આજુબાજુ બધાના મોઢા ખુલ્લા, અને મારુ હસવા નું બંધ ના થાય!

ઓપરેશન પૂરું થયું અને ડો. શિવદાસન બહાર આવ્યા, “every thing went well, when I opened him up, I saw the organs of a 55 year old! He is in very good condition!”

ઓપરેશન પછી એમના શરીરમાં થી ૮ નળીઓ નીકળતી હતી. એક જાડી પાડી નળી મોઢા માં થી પણ. બીજે જ દિવસે હજુ ICU માં હતા ત્યારે ૮ માં થી  ૪ નળીઓ કાઢી નાખી, મોહમાં હતી તે પણ. રાત ના ૯ વાગે ડો. બલદેવ અને ડો. સીવા (સિંગાપૂરમાં લાંબા નામ બોલતાં લોકોને તકલીફ પડે, એટલે બધાના નામ ટૂંકા કરે) એમને તપાસવા આવ્યા. ધાર્યું હતું કે નળીઓ કાઢી છે પણ મોહ હજુ સુકાયેલું હશે, એટલે બોલવામાં તકલીફ થશે. હું આઇસીયુ માં હતો પણ નર્સ  ના સ્ટેશન પાસે. એટલી વારમાં પપ્પાનો બુલંદ અવાજ આખા ICU ને સંભળાયો. “you know dr., in the world of adhyaatma, the river does not flow into the sea, the sea goes to the river!” બિચારા ડો. બલદેવ ડોકું ધૂંણાવતા બહાર આવ્યા એ હસતાં હસતાં મને કહે, “I have never seen a man like your father in my life!” આધ્યાત્મ ની દુનિયામાં એવું જ થાય ને! અમને કહેલું કે બાયપાસ માટે નસનો ટુકડો પગમાથી કાઢેલો છે, એટલે, કદાચ સોજા આવશે. અને એવી બીજી ૪-૫ તકેદારી રાખવાની કહી. કંઈ થયું નહીં, ન સોજા કે ન શ્વાસ ના ધમણ કે ન પસીનો છૂટે.

(ગરમી નો પસીનો સખત છૂટે!)

એક વાર સાંજના અમે (અંજુ અને હું) પણ દરિયા કિનારે ચાલવા ગયા. પપ્પા અમારા થી વહેલા ગયેલા. અમે ઘર બદલેલું, અને આ ઘર થી પાર્ક પહોંચવા એક નાની ગલી – જેમાં ગાડીઓ બહુ જૂજ આવે – ક્રોસ કરવાની હતી, તે અમને મૂકવા લેવા આવવા ના દે, હું સંભાળીશ! એટલે અમે એમને જવા દેતા. એ પાયવાટ પાર્ક પર ચાલવા ના પથ પર જોડાય ત્યાં એક સિમેન્ટ ના બાંકડા પર પપ્પા ચાલવાનું પૂરું થાય પછી બેસે. લેંઘો અને પહેરણ તો હંમેશ ના વાગા! અને ચાલ્યા પછી પસીનાથી રેબ ઝેબ પહેરણ કાઢી નાખે અને ઠંડા પડવા ઉઘાડા થઈ ને બેસે. શરદી એમને કંઈ લાગતી હશે? પણ એ બાંકડો એમનો! બીજા બેઠા હોય તો એ લોકો ને ખસવા મજબૂર કરે. આ દિવસે અમે દૂર થી જોયું કે એક યુગલ ત્યાં બેઠું હતું. થોડી જગ્યા બાકી હતી. પપ્પા એ યુગલને કંઈ કહ્યું, અને એમની બાજુની ખાલી જગ્યામાં ઉઘાડા થઈ ને બેઠા! અમે ત્યાં પહોંચ્યા ત્યારે પેલું યુગલ બિચારું શરમ ને મારે ઉઠી ને ચાલી ગયું. અમે પપ્પાને વઢયા, કેમ પેલા યુગલ ને ભગાડ્યા? બીજે બેસવું હતું ને! જવાબ મળ્યો, “મેં કઈ ખસેડયા નથી, એ લોકો ની પરવાનગી લઈ ને બેઠો!” હવે પપ્પા ઉઘાડા થાય, અને પેલા યુગલ ને શરમ આવે, તો કંઈ પપ્પાનો વાંક કહેવાય?

 આવીજ રીતે એક વાર એક તદ્દન ત્રાહિત ભાઈ મળ્યા. પપ્પા સાથે હતા, એટલે એમણે તારવ્યું કે અમે છોરા હોઈશું, આ વૃદ્ધના . અમને કહે, કે બે દિવસ પહેલા મે આમને પેલા ઝાડ ની સામે ઊભા જોયેલા, હાથ જોડીને અને કંઇ બોલતા હતા. તમે ઝાડને પૂજો છો? અમે પપ્પાને પૂછ્યું કે શું કરતાં હતા. તો કહે કે હું એ ઝાડ ને વંદન કરતો હતો અને એની પ્રશંશા કરતો હતો. Rosa Tabubia નું ઝાડ છે, full bloom માં હતું, (આ ઝાડ ના બધ્ધા ફૂલ એક સાથે ઊગે, અને કિરમજી રંગનો દરિયો ઉભરાય, એક પાન દેખાય નહીં, જાણે કિરમજી રંગનો દડો! અને બે કે ત્રણ દિવસ માં ફૂલ ખરે, ત્યારે નીચે એ ખરેલા ફૂલની જાજમ પથરાયેલી હોય એવું લાગે.) આ પાર્ક પર આ જાતનાં ઘણા ઝાડ રોપેલા છે. પપ્પાને આ દેખાયું, અને ઝાડ સાથે વાર્તાલાપ કર્યો, કે તું કેવું સુંદર છે, અને અમને કેટલા રાજી કરે છે, વગેરે.

એક શનિવારે પપ્પાનો પાછા આવવાનો ટાઈમ પસાર થયો અને અમને ચિંતા થઈ કે શું થયું? હું જોવા નીકળતોજ હતો અને એક મિત્રનો ફોન આવ્યો કે દાદા મારી સાથે છે, અને હું એમને ચા પીવા ઘરે લઈ આવ્યો છું. મૂકી જઈશ. આ મિત્ર જુવાન, પણ એને પપ્પા સાથે વાતો કરવાનું બહુ ગમે, અને પપ્પા ની વાતો પણ ખૂટે નહીં. ખાસ તો બધી હિમાલય ના ટ્રેક કરેલા એની વાતો કરે. ગુજરાતી વસ્તી ના ઘણા વ્યક્તિઓ પાર્ક પર ચાલવા આવે, અને દાદા સાથે બેસી થોડો સમય ગાળે ખરા. સાચું કહું તો ગુજરાતી સમાજમાં મને ઓળખે એના કરતાં બમણા લોકો દાદાને ઓળખે અને હજુ યાદ કરે – અંજુ ની વાત જુદી!

પ્રભુએ સંકેત કર્યો કે હવે તમારું સ્ટેશન પાસે આવ્યું છે. સૌ પ્રથમ ઘૂંટણ માં દર્દ વધ્યું અને સ્ટેરોઈડ ઈંજેક્ટશન થી પણ રાહત ન મળી, એટલે એકલા પાર્ક માં જવાનું બંધ થયું, Alzheimer દેખાયો, અને પછી dementia જણાયું. વચ્ચે stroke આવ્યો અને પપ્પા પથારીવશ થયા. એમની દેખરેખ માટે મદદ તો પૂરતી મળી રહી, અને અધુરામાં પૂરી બંને દીકરીઓ એ પણ દાદા ની બધ્ધી સેવા કરી. અંજુ અને મારાથી સાથે તો બાહરગામ જવાના વાના જ નો’તા, પણ દીકરીઓ અમને અમારી લગ્નતિથી માણવા અમને કહે, તમે જાઓ અમે દાદાને એક દિવસ-રાત સંભાળી લઈશું. આશરે ૨૦૦૬ થી એમના ૨૦૧૧ ઑગસ્ટ માં વૈકુંઠ પ્રસ્થાન સુધી આજ સ્થિતિ રહી.


સિંગાપૂર માં