મમ્મી ૧૯૮૪ ના એપ્રિલ માં ગઈ. રામનવમી ના ત્રણ દિવસ પહેલાં! તિથિ પ્રમાણે ૬૮ પૂરા થતે. અમને બધાને ડર હતો કે પપ્પા મમ્મી ની ગેરહાજરી કેવી રીતે સહન કરશે? બંને વચ્ચે સાથ, મૈત્રી, લગાવ, પ્રેમ, એટલો ગાઢો હતો કે અમને વિચાર પણ ના આવે કે મમ્મી કે પપ્પા કશું પણ એક બીજા વિના કરે. પણ પપ્પા એ તો કમાલ કરી. જરા પણ હાલ્યા નહીં અને જાણે મમ્મી સાથે નક્કી થઈ ગયું હોય એમ જિંદગી આગળ ચલાવી. મમ્મી ની તબિયત ગબડવા માંડી તો હતી, અને મમ્મી બહુ વાસ્તવિક મિજાજ ની હતી, એટલે ટિકિટ આવી ગઈ છે, એ પ્રમાણે બન્ને જણા એ કેમ જવું અને કેમ રહેવું, એ વાત કરી લીધી હોય તો નવાઈ નહીં. મમ્મી ની એક તમન્ના રહી ગયેલી – ગૌમુખ જવાની, તે અમે પૂરી કરી – મમ્મી ની અસ્થિ ગૌમુખ જઈ ને ગંગાજી માં પધરાવી! આ વાત વિસ્તારે અમારી હિમાલય યાત્રા ના પાનાં પર લખીશ.
મને એવી ટેવ હતી કે કશે થી ઘરે આવું તો દરવાજો ખટખટાવ્યા વિના જાળીમાં થી જ “મમ્મી” કરીને સાદ પાડતો. ખબર હોય કે બહાર ગઈ છે તો પણ! મમ્મી ના ગયા પછી લગભગ બે વર્ષ સુધી કેટલી વાર આવું કરતો રહ્યો! મને ખોટ લાગે તે તો સ્વાભાવિક છે, પણ ધનંજય ને સખત ધચકો લાગેલો. હું હોસ્ટેલમાં હતો ત્યારે ધનીયા એ ઘણો સમય પપ્પા મમ્મી સાથે ગાળેલો, મન ખૂબ મળી ગયેલા, અને મમ્મી પપ્પા એ ધનીયા ને નવીન માં બાપ નું રૂપ અનુભવ કરાવ્યું. બીજો દીકરો ગણી ને.
આટલું લખતાં આજે પણ મને ડૂમો ભરાય છે! Powerful માં હતી મારી માવડી.
જાનકી ને ત્રણ ચાર વર્ષ મળ્યા સુલુ બા ના લાડ. પણ પપ્પા એ દાદા પણું બન્ને દીકરી ઓ સાથે વસૂલ કર્યું. મમ્મી ગઈ અને બે વર્ષમાં વૈદેહી જન્મી, જાનકી ને તો સુલુ સાથે share કરવાની હતી, પણ વૈદેહી તો whole & sole દાદા પાસે જ!
અંજુ એ મમ્મી ની ખામી કોઈ ને લાગવા દીધી નહીં. વ્યવહારમાં, શોખ પૂરા કરવામાં, હિમાલય ફરવા માં, કે પપ્પાને ઘૂંટડી ચાહ બનાવી આપવામાં! માસી મામી ઓ પણ અંજુ ને પહેલો સાદ પાડે, દેવ દિવાળી આવી, અંજુ પ્રસાદ કરાવવા આવજે, ગણપતિ આવશે, પહેલે દિવસે બધા દર્શન માટે આવશે, મને મદદ કરવા આવી રહેજે, અષ્ટમી ના પારણા નો શણગાર કરવાનો છે, વહેલી આવજે. એમ અંજુ એ મમ્મી ની ખામી આ વ્યવહારમાં કોઈ ને સાલવા દીધી નહીં. પણ માસી મામી કાકી ભાભી નો role તો અંજુ થી પૂર્ણ ના જ કરાય ને, અને ત્યારે બકામાસી, બકાબેન, સુલુમામી ની વાત ઊપડે. પપ્પાના ડુંગરા વાળા મિત્ર મંડળમાં સુલુ બેન નો વટ! કોણ ફર્યું છે આટલું હિમાલય માં? બધા કહે, સુલુબેન તમે લઈ જાઓ છો એટલે સુમંતભાઈ આટલું ફરી શકે છે. મમ્મી મનમાં, અને પપ્પા મોટે થી બોલે, “સાચ્ચી વાત છે!” પણ મમ્મી પછી અંજુએ એજ સિફત થી અને એજ કરકસર થી હિમાલય અમને ફેરવ્યા. ગૌમુખ, દારજીલિંગ, કાઝા, ચૌકોરી, પચમઢી ઘણા ટ્રેક કર્યા.
અમારા ચાર નો રોજક્રમ તો નક્કી થઈ જ ગયેલો, નોકરી, સ્કૂલ, દીકરીઓ ની activity, અને ઘર ચલાવવાની ક્રિયાઓ. પપ્પાનું પણ એવુંજ રહ્યું. નિવૃત્ત થયા પછી “મામી” એ એમને અંધ વિદ્યાર્થીઓ ને વાંચવા ના કામ સાથે પરિચય કરાવેલો. અને પપ્પાએ એ કાર્યમાં પૂરેપૂરું ઝમ્પલવ્યું હતું. છોકરાઓ ઘરે આવે, અને પપ્પા અને કોઈ વાર મમ્મી તો કોઈ વાર અંજુ પણ એમને textbook માં થી વાંચી સંભળાવે. સ્કૂલ, બીએ, અને એમે વાળા પણ આવે. ખાસ એમે વાળા બોમ્બે યુનિવર્સિટી ની હોસ્ટેલ માં રહેતા. પપ્પા ફરી ને આવે, પાછી ચાહ બનાવે, થોડી પીએ, બાકીની થરમોસ માં ભારે, અને ટ્રેન પકડી ચર્ચગેટ હોસ્ટેલ પર પહોંચે. વાંચતાં મોઢું સુકાય એટલે ચાહ ની ઘૂંટડી પીએ. ૧૧ વાગે પાછા આવે. બપોરે કોઈ વિદ્યાર્થી ઑ આવે તો પાછું વાંચે. શરૂઆતમાં, textbook વાંચી ને કેસેટ માં રેકોર્ડ કરી આપતા.
મમ્મી સવારે ડબ્બો ચઢાવી દર્શન કરવા નીકળે, અને ૯ ની આસપાસ પાછી આવે. અંજુ આવી એ પહેલ્લાં આવી ને રાંધવાનું પૂરું કરે. અંજુ આવી પછી થોડું બદલાયું, પણ પપ્પાનો નિત્યક્રમ તો ચાલુ જ. જાનકી આવી, અને પપ્પા દરરોજ સાંજે બેબી સરંજામ લઈ, જાનકી ને લઈ, ૧૦૨ નંબરની બસ પકડી હેંગિંગ ગાર્ડન! જમી કરી બન્ને પોઢી જાય.
મમ્મી ગઈ ને થોડા દિવસમાં જ પપ્પા તો એમના routine માં લાગી ગયા. ફલાણા ની પરીક્ષા છે, અને પેલી જરા પાછળ પડી છે વગેરે. સાંજે તો હેંગિંગ ગાર્ડન્સ જ. એક મોટો બદલાવ એવો કે શિયાળો આવે અને પપ્પા અમદાવાદ લતૂબેન ને ઘરે પહોંચે. ચાહ પાણી કરી કોઈ ની સાઇકલ લઈ ને વસ્ત્રાપૂર તળાવ (મોટું તળાવ હતું, એ જમાનામાં – હમણાંનું ખાબોચિયું નહીં! મને યાદ છે એ પ્રમાણે એ તળાવ ના કિનારે અક્ષરધામ નો કોઈ મોટો ઉત્સવ યોજાયો, એ પછી એ તળાવ માટી થી ભર્યું, અને હવે તો બધા ઘર બંધાઈ ગયા છે. તળાવ નો આભાસ પણ રહ્યો નથી.) પર ચકલા જોવા પહોંચી જાય, અને કોઈ ને કોઈ એમના જેવો રસિક મળે ખરો. પપ્પાએ આ અમદાવાદ ની શિયાળા બેઠકમાં ઘણી વ્યક્તિઓ ને પક્ષીઓ નો અને કુદરતના ચેપ લગાડ્યો, અને એની વાતો હું “સંબંધો” ના પાનાઓમાં લખીશ.
મમ્મી ગઈ ને બે વર્ષ પછી વૈદેહી પધારી. અને પપ્પા full time દાદા, બંને દીકરીઓ ની સેવામાં. બંને ને હેંગિંગ ગાર્ડન્સ તો લઈ જ જવાના. ત્યાં ફૂલ ઝાડ ના નામો શીખવે. ખાસ વાત એવી, કે અમારા ઘર થી ૧૦૨ નું બસ સ્ટોપ જરા દૂર હતું. ઘર આંગણે થી ૧૩૨ મળે, અને પપ્પા અને જાનકી – બાબાગાડીમાં – કેમ્પ્સ કોર્નર ઉતરે, અને પપ્પા ચાલીને હેંગિંગ ગાર્ડન પહોચે. પણ રસ્તા પર ચાલવાનું નહીં! એ રસ્તા ની એક બાજુ દીવાલ છે, પારસી ઓ ના દખ્મા (ટાવર ઓફ સાઈલન્સ) ની વાડી છે. આમ તો પારસી સિવાય કોઈ ને ત્યાં જવાની પરવાનગી નથી, પણ પપ્પા જાનકી ને બાબાગાડી માં બેસાડી ને એ રસ્તા પર જાય – ટ્રાફિક ન આવે એટલે – અને ત્યાના દેખરેખ વાળા પારસી કુટુંબો એમને આવવા દે, અને ખાસ દખ્મો (દખ્મો એટલે પારસીઓ ના મ્ર્ત્યુ સંસ્કાર નો કૂવો) આવે એની આગળના દરવાજામાં થી બહારના રસ્તા પર! પપ્પાને “દખ્મો છે, કેમ જવાય”, એવી બધી મર્યાદા ની પરવા નો’તી. દીકરી માટે બધ્ધુ ચાલે! વૈદેહી ખાવા માં ખૂબ નાટક કરે. મમ્મી હોતે તો ચલાવતે નહીં! પણ પપ્પા એક નાની – સેવામાં પ્રભુને ખાંડ ધારાવાય તે - વાડકી લઈ, રોટલીના ગોળ પઇતા કાપે, એના પર શાક મૂકે, અને પછી દીકરી ખાય!
ફોઇ ગયા પછી મમ્મી સેવા કરતી, અને મમ્મી ગઈ પછી પપ્પાએ કરવા માંડી. બસ મમ્મી પછી અમારું ગાડું બરાબર ગબડ્યું.