પપ્પાને ખાસ પક્ષી જોવાનો રસ ક્યાંથી લાગ્યો એ ખબર નથી. હવે વિચાર કરું છું કે મુંબઈ માં જ બર્ડ વોચિંગ નો ચસ્કો લાગ્યો, કોણ એમને એ દુનિયામાં લઈ ગયું એ ખ્યાલ નથી. એક તુક્કો છે કે પપ્પા અમને કેનેરી કેવ્સ અને તુલસી લેક ફરવા ઘણું લઈ જતાં. બોરીવલી સ્ટેશન થી સાઈકલ ભાડે થી લેતા, અને આગળ હું અને પાછળ કૅરિયર પર મમ્મી. ગાંધી સ્મૃતિ મંદિર સુધી પાકો રસ્તો, અને પછી જંગલ માં થી જતો કાચો રસ્તો. કેનેરી આશરે ૭ માઈલ, અને તુલસી ૩-૪ બીજા સાવ કાચ્ચા રસ્તે. આખો રસ્તો જંગલમાં થી જ. એટલે અનુમાન કરું છું કે બંને પપ્પા મમ્મી નું ધ્યાન પક્ષીઓ પર પડતું. પણ ખાસ ચકલા નો શોખ ક્યારે લાગ્યો એ મને ખબર નથી. હા, જ્યારે પણ ઘર ની બહાર ફરવા નિકળીએ – હેંગિંગ ગાર્ડન પણ – તો પક્ષી ઑ પર નજર હમેશાં ફરતી જ હતી.
કોઈ મિત્ર પપ્પાને BNHS – બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી – ના ચકલા જોવાની સેર કરવા લઈ ગયા, અને બર્ડ વોચિંગ શરૂ થયું. એ જમાનામાં BNHS રવિવારે અડધા દિવસ ની ટ્રીપ ગોઠવે, અને ડૉ. સલિમ અલી, હુમાયું અબ્દેઅલી, ઝાફર ફતેહઅલી, ડેનિયલ જેવા પક્ષી દુનિયા ના ખાં આ ટ્રીપ માં આવે, અને પક્ષીઓ ની ઓળખાણ કરાવે, ખાસિયતો બતાવે. પપ્પાએ દૂરબીન ખરીદ્યું – સેકન્ડ હેન્ડ પણ ઝેનિથ કંપની નું જ, અને તે પણ પક્ષી જોવા માટે ખાસ સૂચવેલું ૭x૫૦ – ૭ ગણું મોટું દેખાય, અને ૫૦ મિલિમિટર ના વ્યાસ વાળો લેન્સ! - અને અમે ત્રણે જોડતા. એક તો મમ્મી એકલી જ ગૃહિણી આ મંડળી માં આવતી, અને એની આંખો બધ્ધાં કરતાં પહેલાં પક્ષી પર નજર ઠરે - દૂરબીન વિના! BNHS ના બધા મહારથી પપ્પા મમ્મી ને ઓળખે, અને ખાસ મમ્મીને દાદ દે, કે પક્ષી મંડળી માં પહેલી ગૃહિણી છે, પક્ષી પર નજર ફટાક દઈને પડે છે! પપ્પાને પણ માન આપે કે નાના દીકરાને પણ કુદરતનો શોખ લગાડો છો.
મને યાદ છે કે ૧૯૬૦ માં કુમાઉં ગયા ત્યારથી હિમાલયમાં પણ પક્ષીઓ જોવાનું શરૂ થઈ ગયું હતું. મૂંબઈમાં તો ધીરે ધીરે બીજા ને પણ પપ્પા બર્ડ વોચિંગ નો ચેપ લગાડે. અરુણમામા – જ્યોતિમામી એમાં ખાસ. અમદાવાદ માં તો પાંચ સાત જણા ની મંડળી ઊભી કરેલી.
પપ્પા મમ્મી એસ.ટી. પકડીને કરનાળા જાય, પણ સવારના ૬)) વાગ્યામાં પહોંચી જાય! બપોર સુધીમાં પાછા. વર્ષના ૫૨ રવિવારમાં થી માણ ૧૫-૨૦ રવિવાર ઘરે કાઢ્યા હશે. સ્નેહીજન ના બાળકો ને પણ આવી અડધા દિવસ ની જંગલ ની ટ્રીપ માં લઈ જાય અને ચકલા બતાવે. બાળકો સાથે માં બાપ આવે, અને પપ્પા એમને કુદરત ની માયા લગાડે જ! હું ત્રણ કુટુંબ ને જાણું છું, જેની જાણે દુનિયા જ ફરી ગઈ - કુદરત ની લત લાગી ત્યાર થી!
એક વાર પપ્પા મમ્મી અરુણમામા જ્યોતિમામી ની ગાડી માં કરનાળા પહોંચ્યા, અને કિલ્લા તરફ ચાલવા માંડે એ પહેલાં ચાહ કાઢી. થોડે દૂર બીજી એક ગાડી અને થોડા માણસો દેખાતા હતા. મમ્મી દેખાઈ કે પેલી મંડળીમાં થી એક ભાઈએ સાદ દીધો, “સુલુબેન, સુલુબેન!” અને પાસે આવવા હાથ વીંજયો. પપ્પા મમ્મી ત્યાં ગયા, અને જોયું કે ડૉ. સલિમ અલી કોઈ વિદેશીભાઈ સાથે ઉભેલા. સલિમ અલી મમ્મી નો હાથ પકડી એ વિદેશી ભાઈ પાસે લઈ ગયા, અને ઓળખાણ કરાવી, “મારી જાણ ની આ એકલી ગૃહિણી છે, જે બર્ડ વોચર છે!” અને પેલા વિદેશી ભાઈ ની ઓળખાણ કરાવી કે “આ ડીલન રિપલી”, જે અમેરિકા ની પ્રસિધ્ધ સ્મિથ્સોનિયન સંસ્થાના મુખી હતા, અને વિશ્વભરમાં પક્ષીનિષ્ણાત તરીકે પ્રખ્યાત હતા. છૂટા પડ્યા, અને જુદી પાયવાટ પર ફરવા નીકળ્યા. સલીમ અલી સાથે BNHS ના બે ત્રણ અધિકારી હતા, એ પપ્પા ને કહે, “સુમન્તભાઈ, પાર્ટી આપો!”, “કેમ?”, “અમારી કોઈની ડીલન રિપલી સાથે ઓળખાણ કરાવી નથી, સલિમ અલી એ, પણ સુલુબેન ની કરાવી! એટલે!”. આવો વટ મારી માં નો!
મમ્મી ગઈ પછી પપ્પા શિયાળામાં અમદાવાદ લતૂબેન ને ત્યાં બે – ત્રણ મહિના રહેતા. એ ગાળામાં એમણે ઘણા ચકલામીત્રો ને કુદરતનો ચેપ લગાડ્યો. આ મિત્રો અમદાવાદ અને સૌરાષ્ટ્ર માં વિસ્તરેલા છે. બલ્લર યુગલ: લતૂબેન ના પડોશી. એ બંને ના શબ્દો “મામાએ અમારી જિંદગી બદલી નાખી”. લતુબેન ના મામા એટલે ગામ મામા! ડો. બલ્લર દાંત ના ડો. છે, અને રેખાબેન પેથોલોજિસ્ટ. ઘર આંગણ માં સરસ મજાનો બગીચો રચ્યો છે, અને સાંજે પપ્પા ને ચાહ પીવા બોલાવે, અને પપ્પા હિમાલય અને ચકલા ની વગેરે વાતો કરે. એક વાર પપ્પાએ કહ્યું કે તમને અમદાવાદ પાસે જ હજાર સુરખાબ (ફ્લેમિંગો) જોવા મળે! બલ્લર સાહેબ કહે “મામા ફેંકો નહીં!”, એટલે પપ્પા એ ચેલેન્જ કર્યા. આ રવિ વારે તમને લઈ જાંઉ, તમારી ગાડી! હજાર થી વધારે બતાવીશ. અને એવુજ થયું! અને બલ્લર સાહેબ અને રેખાબેન ચકલા ઘેલા થઈ ગયા. પપ્પા દરરોજ સવારના ગળામાં દૂરબીન લટકાવે, અને કોઈ ની સાઈકલ લઈ, વસ્ત્રાપૂર લેક પર પહોંચે, અને અચૂક ખૂબ પક્ષી જોવા મળે - ખાસ તો માઈગ્રેટોરી પક્ષીઓ. અને સાથે એકલ દોકલ બીજા ચકલા ઘેલા વ્યક્તિ ઑ એમનું દૂરબીન લઈ ને આવેલા હોય, અને પપ્પા સાથે દોસ્તી થાય!
એવા જ એક અલકમલક ના મિત્ર સાથે અમારો અવનવો અનુભવ થયેલો. અમે બે અને ધનંજય-ગીતા, ૨૦૧૭ ની શરૂઆતમાં કચ્છ ફરવા ગયા. અમારું ફરવા નું એટલે ચકલા તો હોય જ, અને શહેર કે ગામ તો જૂજ! કચ્છ ના નાના રણ માં ઘૂડખર (wild Ass) જોવા ઝૈનાબાદ પહોંચ્યા, અને desert coursers નામ ના eco-resort માં રહ્યા. એ રિસોર્ટ ચલાવનાર ભાઈ તે ઝૈનાબાદ ના ભુતપૂર્વ નવાબ ના પૌત્ર – ધનરાજ મલ્લીક. સિંગાપૂર થી નીકળતા પહેલાં પપ્પાના કાગળિયા ફંફોળતા આ ધનરાજભાઈ નું અમદાવાદ નું સરનામું, અને નાની નોંધ મળી હતી, કે પપ્પા વસ્ત્રાપૂર ના લેક પર ચકલા જોવા જતાં, ત્યાં આ ધનરાજભાઈ ની ઓળખાણ થયેલી. એટલે રિસોર્ટ પહોંચ્યા, અને ધનરાજ ભાઈ સાથે પપ્પા ની ઓળખાણ કાઢેલી! ઘૂડખર જોવાની સફારી માટે આ રિસોર્ટ થી માણસ જીપ માં લઈ જાય. મારુ માનવું છે કે પપ્પા ની ઓળખાણે અમને ખાસ ધનરાજભાઈ પોતે લઈ ગયા, અને ખૂબ જ જૂજ એવા nightjar પક્ષી બતાવેલા.
બીજા અમદાવાદ ના ખાસ મિત્ર તે લાલસિંહ રાવળ. પક્ષી નિષ્ણાત, ગુજરાત ના જાણીતા નેચરાલિસ્ટ, બહુ જ નમ્ર અને સંસ્કારી. ગુજરાતી માં ઘણા પુસ્તક લખ્યા છે - ગુજરાત ના પંખી ની ઓળખ અને યાદી - લૌકિક નામો સાથે! લવકુમાર ખાચર અને લાલસિંહભાઈ ગુજરાત ના પક્ષી ના મહાનિષ્ણાત ગણાય. લવકુમાર જસદણ ના રજવાડા, પણ રજવાડાપણું છોડીને રાજકોટ ની પ્રસિધ્ધ રાજકુમાર કોલેજ માં શિક્ષક હતા. પપ્પા સાથે મૈત્રી હતી, અને ધારું છું કે BNHS માં મળ્યા હશે. પ્રભુભાઈ ઠક્કર સાથે પણ દોસ્તી ચકલા પ્રેમ પર જ, પણ ક્યાં, અને કેવી રીતે એ યાદ નથી, પણ પપ્પા સાથે પત્ર વ્યવહાર ઘણો. બીજા ઘણા મિત્રો થયા, પણ હું મળ્યો નથી, અને ફક્ત પપ્પા પર પત્રો આવે એ જ મારી ઓળખાણ. આ મંડળી કેવી રીતે જામી એનું અનુમાન કરું છું, કે પપ્પા અમદાવાદ જાય ત્યારે અમારી હિમાલય પ્રવાસ ની સારી એવી સ્લાઈડ્સ સાથે લઈ જાય, અને કોઈ ને કોઈ મિત્ર ના આગ્રહ થી સ્લાઈડ્સ શો રાખે. અને એ શો જોવા મિત્ર ના મિત્રો ભેગા થાય, અને પપ્પા ના સંપર્ક માં આવે.
ત્રીજા ખાસ મિત્ર રાજકોટના કિશોરભાઇ ગોહિલ. એમને તો હિમાલય ઘેલા પપ્પાએ કરેલા! કિશોરભાઇ ના ઉત્તેજન થી પપ્પાએ એમના બે ત્રણ હિમાલય પ્રવાસ ના વૃતાંત લખેલા, અને કિશોરભાઇ એ એને સુંદર અક્ષરે “fair” કરી આપેલા. કિશોરભાઇ સાથે છેલ્લે સુધી સંપર્ક ચાલુ રહેલો. અમદાવાદ ખાતે બીજા મિત્રો પણ સાજયા. સૌરાષ્ટ્ર માં વિસ્તારીત મંડળી: મોરબી, માલિયા હાટીના, રાજકોટ વગેરે. આ બધા સંબંધો શાશ્વત મૈત્રી ના. કદાચ ચકલા મિત્ર ના કહેવાય, પણ કુદરત મંડળી ચોક્કસ કહેવાય. પપ્પા ની આંખ ઓઝળ થઈ પછી પપ્પા મોટા અક્ષરે કોમ્પ્યુટર પેપર પર પત્ર લખે, અને સૌરાષ્ટ્ર મંડળી કેસેટ પર વાતચીત રેકોર્ડ કરીને મોકલે.
એક વાર અમે હિમાલય માં હતા, અને એક નાનકડા ગામ માં રાત રહેવાનુ થયું. પાસે જ ગાંડોતૂર હિમાલય નો વહેળો હતો – હિમાલય ના વહેળા ને વેગ સિવાય કઈ ખબર જ ના હોય! ત્યાં પપ્પાએ white capped red start નામ નું પક્ષી જોયું, અને અમે ત્યાં દૂરબીન લઈ ને દોડ્યા. ગામ ના થોડા છોકરાં નું ટોળું ભેગું થયેલું, અમને જોવા, અને આમ અમારો ઉશ્કેરાટ જોઈને એ લોકો પણ પાછળ આવ્યા. પછી દૂરબીન ની બહુજ કુતૂહલ થઈ અને પપ્પાએ એમને એક પછી એક દૂરબીન માં થી પક્ષી અને ગામ થી દેખાતા શિખરો બતાવ્યા. એ લોકો ની આનંદ ની કીકયારી તો હજુ મારા કાનમાં ગુંજે! અને પક્ષી જોઈ ને હાથ લાંબો કરી પકડવાનો પ્રયત્ન કરે એ છબી પણ મનમાં ઘર કરી ગઈ છે.
કુદરત નો પ્રેમ જો ધર્મ કહેવાય, તો પપ્પા એ ધર્મ ના જુંબેષી પૂજારી. એવા ઉત્સાહ થી પાન ફૂલ પંખી ડુંગરા નદી નાળા ટ્રેક હાઈક ફોટોગ્રફી ની વાતો કરે અને સાંભળનારને અનુભવ કરાવવાની offer કરે કે અનાયાસે એ પણ મારા બાપુએ રચેલા કુદરતના વમળ માં ઘુસેજ. અને કુદરતના પ્રેમમાં થી કોઇએ હજૂ સુધી તો છૂટાછેડા લિધા હોય એવું સાંભળ્યું નથી. અને આજ કુદરત પ્રેમીઓની જમાત ના, પપ્પા જ્યાં જ્યાં જાય ત્યાં બીજ વાવતા જાય. સિંગપૂર આવ્યા ત્યારે પપ્પા ની આંખો ઝાંખી થવા માંડેલી - મેકયુલા ની અધોગતિ થવા માંડેલી એટલે. પણ અંજુ અને મારી ગળથૂથીમાં ચકલા વણાઈ ગયેલા, એટલે આવ્યા કે તરત અહીં ની નેચર સોસાયટી માં જોડાઈ ગયેલા. પપ્પા અમારી સાથે આવે, અને પક્ષી ની કલબલ નો આનંદ લે. પક્ષી નો બોલ સંભળાય કે એ તરફ મોઢું તરત જ ફરે.