Up ચકલાવાળા ડુંગરાવાળા ગઠિયા મંડળી
પહેલું પાનું The Beginning
Mummy Pappa

એક બે વાતો છોડી ને, પપ્પા ની યાદો સુરત માં થી જ શરૂ થઈ. સુરત ના પરાક્રમો ની વાતો બીજે કશે કરીશું. બાકી જુવાની ની મિત્રતા પૂના ભણતા અને હોસ્ટેલ માં રહ્યા ત્યારે થઈ.

સુરત ના મિત્રો એટલે શશિકાંત, જયદેવ, જૈંતિ, ને જૈંતિ. બંને જૈંતિ કાકા સુરત માં જ ઠરી ઠામ હતા, એટલે અમે જઇયે ત્યારે મળીએ. જૈંતિ શેઠીયાજી સાથે પપ્પા બ્રિજ અચૂક રમે. મને યાદ છે ત્યાં સુધી પપ્પા બ્રિજ રમવાનું પૂનામાં ભણતા હતા ત્યારે શિખેલા. જૈંતિ મામાવાળા સાથે પોળ ની અને ધારું છું કે સ્કૂલમાં પણ સાથે હશે. એ જમાનામાં તો જૈંતિ કાકા મામાવાળા કુટુંબ ની હવેલી માં રહેતા. પપ્પા ને શાસ્ત્રીય સંગીત નો શોખ એ હવેલી ના ઓટલે બેસી ને જ લાગ્યો. જૈંતિ કાકા ના મોટા ભાઈ કંચનલાલ સંગીત ના જાણકાર તો ખરા જ, પણ નગર શેઠ ગણાતા અને તાલેવંત હતા, તે શાસ્ત્રીય સંગીત ના કલાકારો ને આમંત્રિત કરી એમની હવેલી માં મહેફિલ જમાવતા. પપ્પા નાના ભાઇ ના મિત્ર, પણ હવેલીમાં જવાય નહીં, તેથી ઓટલે બેસી સંગીત સાંભળે. એ અરસા ના નવા કલાકાર, તે ૧૯૬૦ ની આસપાસ ના પ્રસિદ્ધ સંગીતજ્ઞ. ભાવિ ફર્યું, અને સાપ ગયા ને લીસોટા રહી ગયા.

શશિકાંત કાકા નાણાવટ માં જ રહેતા, અને એ પણ સ્કૂલમાં સાથે હશે કારણ કે પપ્પા ની ઉંમરના જ. મુંબઈ આવી ગયેલા, અને અમે એમને મહિનામાં એક વાર તો મળીએ જ. શશિકાંત કાકા સિંધ્યા શિપિંગ માં સારી પોસ્ટ પર હતા, અને પપ્પા મેટ્રો થિયેટર માં તદ્દન નાખુશ! એટલે ચાન્સ મળતાં, એમણે પપ્પા ને પણ સિંધ્યા માં ખેંચી લીધા. પપ્પા ગોદી ની ઓફિસ માં હતા, પણ દરિયા ની ખુલ્લી હવા માં “મારો જાન બચ્યો” એમ માનતા. શશિકાંત કાકા ના પતિ કોકિલા કાકી, ખૂબ રમૂજ પ્રેમી, બધાની સુંદર ઉડાવે, અને ખૂબ હસાવે. પોતાના અને પપ્પા ના લગ્ન ને કહે, અમારા લગ્ન તો રેશનિંગ ના લગન છે. જેમ રેશનિંગ ની દુકાને ઘઉં ચોખા લેવા જઈ એ તો દુકાનદાર કહે, આ છે તે છે, જોઈએ તો લો, નહીં તો કાંઇ નહીં. એમ અમારે “ઓલા ને કોઈ દેનાર નહીં, ઓલી ને કોઈ લેનાર નહીં”. પપ્પા ની મશ્કરી કરે. સુમંતભાઈ, ઉતર ચઢ કરવા હિમાલય શું કરવા જાઓ છો?, મારા ત્રણ માળ ના દાદર ચઢ ઉતાર કરો, ભાડું પણ નહીં લઉં! પપ્પા એ પડકાર કર્યો. એક વાર હું તમને હિમાલય ફેરવીશ, પછી મને કહેજો. જવાબ આવ્યો, “૧૦ ડગલાં થી વધારે ચાલીશ નહીં, અને ૧૦ ફૂટ થી વધારે ચઢીશ નહીં!”, પપ્પા એ તરત “કબૂલ!” કહ્યું, પણ ગાડી નો ખર્ચો તારો. ત્રણ અઠવાડીયા કુમાઉં અને હિમાચલ માં ફેરવ્યા, અને કોકિલા કાકી બોલ્યા, “અદભુત!”. એમના ઘરે પુસ્તકો અને National Geographic મેગેઝિન ખૂબ હોય, અને અમે જઈએ ત્યારે પપ્પા મમ્મી વાતો માં લાગે, અને હું વાંચવા જોવામાં NG મૅગેઝિન ની થપ્પી પાસે. IIT માં જજે, એ પણ માર્ગ દર્શન શશિકાંત કાકા એ આપેલું.

જયદેવ કાકા સાથે એકદમ જિગરી દોસ્ત નો સંબંધ. સુરત થી મુંબઈ નોકરી શોધતાં આવ્યા, ત્યારે આશરે ૬ મહિના જયદેવ કાકા સાથે રહ્યા. પહેલી નોકરી મળી તે પણ જયદેવ કાકા ને લીધે. જયદેવકાકા મેટ્રો થિયેટર માં કામ કરતાં, અને પપ્પા ઓફિસ સમય પછી એમને મળવા ગયેલા, ફરવા જવા. જયદેવ કાકા પરવારી બહાર નીકળે એની રાહ જોતાં હતા, ત્યાં મેટ્રો નો મેનેજર બહાર આવ્યો, અને પપ્પા ને પૂછ્યું, કેમ અહીં ઊભો છે? જયદેવ ની રાહ જોઉ છું! ગુણાકાર કરતાં આવડે છે? હા!, બાર આને ૨૧ ટિકિટ ના કેટલા થાય? ૧૫ રૂપિયા, બાર આના. નોકરી જોઈએ છે, હા! કાલથી આવી જા, ટિકિટ બારી પર બેસવા! જયદેવ કાકા સાથે અમે મુંબઈ ની આસપાસ ના ડુંગરો માં ખૂબ રખડ્યા. એમની પાસે મોટર બાઇક હતી. એક બે વાર અકસ્માતમાં ટાંટિયો ભાંગ્યો પછી સાઈડ કાર નખાવી. હું એમાં ઘણું બેઠો છું. જયદેવ કાકા ની અટક તિજોરીવાળા. બે ત્રણ પેઢી એ મમ્મી ના પિયર ના પિત્રાઈ થાય. તબિયત અને સ્વાસ્થ્ય ની ઘણી તકેદારી રાખે, પણ જાત જાત ના અખતરા પણ કરે. કેટલા વર્ષો સુધી કામે જાય ત્યારે જમવામાં કાચું શાક જ ખાય, કોબી દૂધી, ગાજર, ફ્લાવર વગેરે. સોટી જેવા હતા!

કર્ણિક પણ સુરત નો દોસ્તાર પણ અનુમાન કરું છું કે વડોદરા માં સયાજીરાવ યુનિવર્સિટી ની કોલેજ માં મળ્યા હશે. વી. ર. કર્ણિક, મરાઠી કુટુંબના, મૂળ ગામ પૂના, પણ કુટુંબ સુરત માં ઠરીઠામ થયેલું, અને ઉછેર પણ સુરત માં જ. પપ્પા ના શબ્દો માં “કર્ણિક નું ગુજરાતી મારા કરતાં સારું!”. એમણે ઇલેક્ટ્રોનિક્સ માં MSc કરેલું, અને IAF માં જોડાએલા, પણ પપ્પા સાથે સંબંધ ચાલુ જ રહ્યા. સુરતના હતા એટલે એમના કુટુંબીજનો ને પણ અમે ઓળખાતા. ખાસ તો એમની બે બહેનો પપ્પાને પણ ભાઈ માને. ઇન્દુબેન મુંબઈ માં પરણેલા – ફાયર બ્રિગેડ ના એક ઓફિસર ને. અમે એ ભાઈને શિલોત્રી ના નામે ઓળખીએ, પણ એ ભાઈ પપ્પાને “મોરારજીભાઇ” કહે. સ્વરાજ્ય પછી બોમ્બે પ્રેસિડન્સિ ના ત્રણ ભાગ પાડવાના હતા: મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક. મુંબઈ કોને ભાગે જાય – મહારાષ્ટ્ર ને કે ગુજરાત ને, એને માટે ચળવળ ઉપડેલી. મોરારજી દેસાઇ બોમ્બે પ્રેસિડેંસી ના મુખ્ય મંત્રી હતા, અને મરાઠી પ્રજામાં માન્યતા કે મોરારજી મુંબઈ ગુજરાત માટે ખેંચી જશે, એટલે બધા ગુજરાતી ઓ ને “મોરારજીભાઇ” કહી મશ્કરી કરતા. ૧૯૬૨ માં રામનવમી પછી બે દિવસે અમારા ઘર ના રસોડા ની છત ભાંગી પડી, અને હું બાજુ ના બાથરૂમ માં હતો, પણ સાવ બચી ગયો. મકાન પડ્યું નો સંદેશો ફાયર બ્રિગેડ માં પહોંચ્યો, અને શિલોત્રી એ સરનામું જોયું કે "મોરારજીભાઇ નું ઘર" એટલે તરત ટુકડી લઈ ને આવ્યા. તપાસ કરી કે હવે કંઇ ભય નથી એટલે પપ્પા ને પૂછ્યું, " ભંગાર માં થી કંઇ બચાવી લાવવું છે?" મમ્મી ની વર્ષગાંઠ રામનવમી ની. એજ દિવસે અમારે ઘરે પહેલી કેરી આવે - જે ભાવ હોય તે! સિક્કા માં ૩ કેરી લટકતી હતી, એટલે પપ્પા એ કહ્યું, "સિક્કા માં હાફૂસ કેરી છે, તે કઢાવી આપો". શિલોત્રી હસતાં હસતાં થાકી ગયા, પણ કેરી કાઢવી આપી!

અમે ૧૯૫૬ માં કાશ્મીર ફરી પાછા આવતા, દિલ્લી ઉતરેલા, અને કર્ણિક કાકા ના ઘરે અઠવાડિયું કાઢેલું, અને એમણે અમને દિલ્લી ખૂબ ફેરવેલા. અશોક મારા કરતાં ચાર એક વર્ષે મોટો. એ IIT-Delhi માં ગયો, અને એ જોઈ ને મને પણ તાન ચઢેલું કે મારે પણ IIT માં જવું છે. કર્ણિકકાકા સીગરેટ પિતા, અને પપ્પા પણ. મમ્મી નો ચેલો હું, દિલ્લી માં એક દિવસ પપ્પા નો ૫૦ સીગરેટ – સ્ટેટ એક્સ્પ્રેસ 555 (એ જમાના ની નામચીન સીગરેટ) – નો ડબ્બો મેં ઉઠાવી ને બારી ની બહાર ફેંક્યો, અને પપ્પા એ ચચડાવીને લાફો માર્યો!

પપ્પા નિવૃત્તિ ની પાસે આવ્યા અને સીગરેટ ઓછી કરેલી, પણ બંધ નહીં. કર્ણિક કાકા પણ નિવૃત્ત થયા અને પૂના જઈ સેટલ થયા. નસીબ જોગે માણ વર્ષ થયું અને એમને લંગ કેન્સર થયું, અને થોડાં દિવસો કાઢી ગુજરી ગયા. પપ્પાને બંને વાત નો આઘાત લાગ્યો. કર્ણિક ગયો એ, અને સીગરેટ ને લીધે લંગ કેન્સર થયું એ. બસ પૂના થી પાછા આવી સીગરેટ છોડી તે છોડી – પોતે ગયા ત્યાં સુધી.

પૂના ના મિત્ર તે રાજાભાઉ ગોખલે. અનુમાન કરૂણ છું કે હોસ્ટેલ માં સાથે હશે, કારણકે ભણવા માં પપ્પા વિજ્ઞાન માં અને રાજાભાઉ કાયદા નો અભ્યાસ કરે! પપ્પા એ કંઇ રાજાભાઉ ની બહુ વાતો - પરાક્રમો ની - કરી નો'તી. હું IIT ગયો એટલે પપ્પા મમ્મી જ ફરતા. નાગપુર પાસે મેલઘાટ ટાઈગર સેન્કચ્યુરી જવાનો વિચાર કર્યો. ટ્રેન માં વચ્ચે અમ્રાવતી આવે. અને પપ્પાને યાદ આવ્યું કે રાજાભાઉ અમ્રાવતી માં રહેતા, પણ નાગપુર હાઈ કોર્ટ માં એડવોકેટ હતા. એટલે એમણે રાજાભાઉ ને પોસ્ટકાર્ડ લખ્યો. સરનામું: વસંત શ્રીપદ (રાજાભાઉ નું સાચું નામ!) ગોખલે, એડ્વોકેટ, નાગપુર હાઈકોર્ટ. "તમે જીવો છો કે પહોંચી ગયા છો એ મને ખબર નથી. મારી પત્ની અને હું,  ટ્રેન માં નાગપુર જતાં અમરાવતી સ્ટેશન પર થી પસાર થશું. તમે સ્ટેશન પર આવો તો પળ ભર મળાશે!” અને ટ્રેન અને દિવસ ની વિગત આપી! રાજાભાઉ અને કુસુમતાઇ સ્ટેશને આવ્યા, પપ્પા મમ્મી ને ટ્રેન માં થી ઉતાર્યા, અને ઘરે લઈ ગયા. ત્યાર બાદ તો સંબંધ તાજા થયા, સિંગાપૂર આવ્યા ત્યાં સુધી, જ્યાં એમનો દીકરો ગોપાલ વસેલો.