Up શાહ કુટુંબ સ્વજનો મિત્રો મોસાળ 
પહેલું પાનું The Beginning
Mummy Pappa

પપ્પાના મિત્ર મંડળ ને ૪ ભાગ માં જોવા ના. સુરતના બાળપણ ના ગઠિયા, કોલેજ અને હોસ્ટેલ ના મિત્રો, ડુંગરા પ્રેમી ઓ, અને ચકલા મિત્રો. કુટુંબ સુરત પહોંચ્યું ત્યારે પપ્પા માધ્યમિક શાળા માં હશે એવું અનુમાન કરું છું. એમના ગાઢ મિત્રો તે શશિકાંત (પુરુષોત્તમ) દલાલ, જયદેવ (ચીમનલાલ) તિજોરીવાળા, જૈંતિ (જયંતી) મામાવાળા, જૈંતિ શેઠીયાજી અને વી. ર. કર્ણિક. કોણ ક્યારે મળ્યું અને દોસ્તી જામી એ ખબર નથી. શશિકાન્તકાકા અને જયદેવકાકા મુંબઈ આવી ગયેલા, બંને જૈંતિકાકા સુરત માં જ રહ્યા, અને કર્ણીકકાકા એર ફોર્સ માં જોડાયેલા એટલે દેશભર માં ફરતાં. કર્ણિક તો એમની અટક છે, અને એમનું નામકરણ નું નામ શું એ કોઈ ને મોઢે સાંભળ્યુ નથી. શશિકાન્તકાકા પોળમાં જ કે પોળ ને નાકે જ રહેતા હતા. જૈંતિ મામાવાળા નાના હતા ત્યારે તો પોળમાં હવેલી હતી ત્યાં રહેતા હતા પણ દોસ્તી કેવી રીતે થઈ તે મને ખબર નથી! જૈંતિ શેઠીયાજી ની દોસ્તી ની ખાસિયત કે આ પાંચે માથી એજ એકલા પપ્પા સાથે બ્રિજ રમતાં. મને એવી શંકા છે કે કર્ણિક કાકા સાથે દોસ્તી બરોડા સયાજીરાવ વિશ્વવિદ્યાલય માં ભણતા ત્યારે મળ્યા, પણ સુરત નાજ રહેવાસી. પપ્પા એમ કહેતા કે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા ની વિદ્વત્તા એવી કે “મારા કરતાં સારું ગુજરાતી”.

પપ્પા પૂના ભણતા હતા, અને હોસ્ટેલ માં રહેતા. હોસ્ટેલ માં થયેલી દોસ્તી બહુ જોરદાર હોય! મને એનો અનુભવ IIT માં ખૂબ સરસ થયો છે. પણ પૂના માં થયેલા મિત્રો માં થી એક જ વ્યક્તિ ને હું મળ્યો છું, બીજા ના ખાસ નામ પણ સાંભળ્યા નથી. રાજાભાઉ (વસંત શ્રીપદ) ગોખલે. હોસ્ટેલ માં સાથે હશે એવું અનુમાન કરું છું કારણ કે રાજાભાઉ વકીલ થયા, અને પપ્પા તો વિજ્ઞાન ભણતા હતા. બીજા એવા એક મિત્ર તે તાંબ્વેકર. નામકરણ વાળું નામ તો કદાચ પુરુષોત્તમ હતું, પણ પપ્પા એમને બાબુરવ બોલાવતા. પૂનામાં મળ્યા કે મ. સયાજીરાવ ની કોલેજમાં, એ જરાયે ખ્યાલ નથી. એમને મળ્યો પણ કદાચ એકજ વાર, વિલ્સન સ્ટ્રીટ ના ઘરમાં. તાંબ્વેકર  કુટુંબ એટલે ડાકોર ગામ ના માલિક, પણ સ્વરાજ પછી ફક્ત રણછોડરાઈજી ના મંદિર ના વાડા ના પારંપરિક માલિક. મારું મુંડન ડાકોર થયેલું એવું મમ્મી કહેતી હતી. કોવિડ આવ્યું એની થોડા વખત પહેલા મેં થોડું લાગણીવશ ભ્રમણ કરેલું, અને ડાકોર ગયેલો. ગામ જોયું, ગોમતી તળાવ જોયું, રણછોડરાઈજી ના દર્શન કર્યા, અને મંદિર ની પાછળ સ્થિત ઘરમાં તાંબ્વેકર કુટુંબ ના વંશજ ને મળ્યો.

કુદરત નો પ્રેમ એવો છે કે એના વાતાવરણ માં દોસ્તી જામે એ અતૂટ જ રહે, અને ખોટું લાગ્યું, મોહ મચકોવાયું એ બધુ બને જ નહીં. જગદીશભાઇ સાથે કુદરત ના અને ડુંગરા ના તાંતણા થી ગાઢી મિત્રતા વણાઈ. જગદીશભાઇ સાથે ક્લાઇમ્બર્સ ક્લબ માં અને મુંબઈ ની આસપાસ માં ઘણી વાર ફર્યા, અને સાથે હિમાલયન ક્લબ માં પણ મળ્યા અને સંબંધો બંધાયા. જગદીશભાઇ ના પત્ની મંદાકિની અને મમ્મી ના પણ મન અને વ્યવહાર એવા મળેલા કે બંને ને ઘણું ફાવે એક બીજા સાથે. જગદીશભાઇ ને ઘરે અશ્વિનભાઈ સાથે પાછા તાંતણા જોડાયા. સુરતમાં પપ્પા અશ્વિન ને  – બાળ સ્વરૂપ માં – ઓળખાતા હતા. અશ્વિનભાઈ સાથે કુદરત અને ડુંગરા, અને  ફોટોગ્રાફી અને  શાસ્ત્રીય સંગીત નો શોખ પણ જામ્યો – ખાસ અશ્વિનભાઈ તિલુબેન ને પરણ્યા પછી!

ડુંગરા કુદરત ફોટોગ્રાફી શાસ્ત્રીય સંગીત ના વાતાવરણ માં શશિકાંત દમણિયા, મકરંદ મજૂમદાર, અશોક કુંટે, ટાઈની મઝુમદાર, ગંગોત્રીબેન ગર્બિયાલ, માલતિબેન ઝવેરી, હરીશ કાપડિયા, ડૉ.મણિયાર જેવા રસિકો સાથે આજીવન મિત્રતા થઈ. આધુરા માં પૂરું એ ચકલા જોવા ના શોખ ને લીધે, પપ્પા BNHS (બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી) ના પ્રોગ્રામો માં ઘણો ભાગ લેતા અને પક્ષી નિષ્ણાતો સાથે ગાઢી દોસ્તી તો કદાચ કહેતા અચકાઊં, પણ સુંદર સંબંધ જરૂર બંધાયા. ડૉ. સલિમ અલી, ઝફર ફતેહઅલી, જે.સી.ડેનિયલ અને જસદણ ના લવકુમાર ખાચર સાથે મૈત્રીના સંબંધ નક્કી હતા. અને એજ ચકલા ને લીધે અમદાવાદ માં ડૉ. બલ્લર, પ્રભુભાઈ, લાલસિંહભાઈ સાથે ની દોસ્તી, અને રાજકોટ સૌરાષ્ટ્ર માં મોરબી, માળીયા હાટીના, વગેરે શહેરોમાં અશગરભાઈ, કિશોરેભાઈ, નલિનકાંતભાઈ, કેતકીબેન વગેરે ની મૈત્રી! એક રસિક મૈત્રી થયેલી તે મુંબઈના મઝુમદાર કુટુંબ સાથે. માથેરાન માં મ્યુનિસિપાલિટી નું એક મકાન હતું, જેમાં સહેલાણી ઓ ને રહેવા જગ્યા મળતી. બેજ કુટુંબ સમાય. એક અમે, અને બીજું આ મઝુમદાર કુટુંબ!

 છે ને મિત્રો સંબંધો સ્નેહીઓ નો ઢગલો!