ઠાકોરદાસ અને તારાગૌરી સુરત થી મુંબઈ ૧૯૦૭ -૮ ની વચ્ચે આવ્યા, એવું મહેન્દ્ર મામા એ જણાવેલું. દાદાજી એ ૧૯૨૮ સુધી સ્ટાન્ડર્ડ ઓઈલ માં નોકરી કરી, અને ત્યાર બાદ મેટ્રો થિયેટર માં નોકરી કરતાં હતા. ૧૯૪૮ માં લકવાના શિકાર થયા, અને નિવૃત્ત થયા. હું અહીં સાંધા કરું છું કે દાદાજી મેટ્રો માં પપ્પા ને ઓળખાતા હશે કારણ પપ્પા ત્યાં ૧૯૪૮ સૂડી હતા. તિજોરીવાળા કુટુંબમાં પણ ૯ છોરા. ૫ દીકરી અને ૪ દીકરા. પહેલાં ચાર દીકરીઓ – કુમુદ, મંજુ (મંજુલા), સુન્ના (સુનયના) અને બકા (ઉર્ફે સુલોચના!), પછી મધુ (મધુસુદન), ક્ર્રુષ્ણિ (કૃષ્ણમણી) મહેન્દ્ર, શશિકાંત, અને અરુણ. બધાજ મૂંબઈમાં પરણ્યા અને સ્થાયી થયા. મોટીબા ની પેઢી માં અવનવી સ્થિતિ હતી. એમના પિતા મગનલાલ ના બીજી વાર લગ્ન થયા હતા, પણ મોટીબા ના સાવકા માં મોટીબા કરતાં નાના હતા, અને મગનલાલ ના સ્વર્ગવાસ પછી જાણે મોટીબા એમના બહેનપણી હોય, એવો સંબંધ હતો. એમના વંશજ પણ ઘણા હતા. મને યાદ છે એ પ્રમાણે પાંચ દીકરી, અને દીકરા હતા કે નહીં એ નથી ખબર. પાંચેય માસિઓ ને ઓળખું ખરો. મમ્મીના બીજા કાકા મામા ની કંઇ જાણ નથી, પણ બે ત્રણ તિજોરીવાળા કુટુંબી જાણો ને ઓળખતો હતો. પપ્પાના ખાસ મિત્ર જયદેવકાકા પણ કોઈ સગપણ માં હતા, અને પ્રેમલ જે મારી હારનો છે, એ અમારો ડુંગરા મિત્ર મિત્ર થયેલો, અને એ શોખ ખૂબ પાળ્યો છે.
મમ્મી (૧૯૧૬ ની પધારણી) એ વખત ના પ્રમાણે મોડી પરણી – ૨૮ ની હતી, એટલે બધી બેનો તો પરણી ને સાસરે ગઈ, અને બધા ભાઈઓ પર નજર રાખવાનું મમ્મી ને ભાગે આવ્યું. મમ્મી એ તો સ્કૂલ મેટ્રિક પાર કરી પ્રાથમિક શાળાની શિક્ષક ની નોકરી ચાલુ કરી દીધેલી – અનુમાન કરું છું ૧૯૧૬ + ૫ +૧૧ = ૧૯૩૨-૩૩ થી! આખું કુટુંબ ત્રણ સળંગ ચાલી ની રૂમો માં રહેતા. વાડી હતી, અને એક કિનારે પોસ્ટ ઓફિસ નું મકાન, અને એની ઉપર એક પ્રાથમિક શાળા – મારી સ્કૂલ! અમારું ઘર પાસે જ, માણ ૪ મિનિટ નો રસ્તો. સુન્ના માસી અને કૃષ્ણિ માસી પરામાં રહે, સૂન્નામાસી બોરીવલી, અને કૃષ્ણિમાસી પાર્લા. પણ કુમુદમાસી, મંજુમાસી અને મમ્મી બા ના ઘર ની પાસે, એટલે દર બીજે દિવસે આ ત્રણ બહેનો બા ના ઘરે ભેગી થાય, અને અઠવાડીયા ના એક દિવસે, સુન્નામાસી અને કૃષ્ણિમાસી પણ આવે. મારુ બાળમંદિર જરા દૂર હતું, પણ પહેલી માં આવ્યો ત્યારે પોસ્ટ ઓફિસ ની ઉપર ની સ્કૂલમાં દાખલ થયો. સ્કૂલ પૂરી થાય અને મમ્મી બા ને ઘરે હોય એ દિવસે હું પણ બા ને ઘરે. બા ઘરે પૂષ્ટાવેલી સેવા. એટલે બા દરરોજ સેવા કરે, અને પ્રસાદ ધરાવે. પ્રસાદ માં મગજ ની લાડુડી હોય - અમે બાળકો એને "બાઉ" કહેતા - અને હું જવાનો હોંઉ તે દિવસે બા મારે માટે બાઉ ની ગોળી રાખે, કોઈ ને ખાવા ના દે.
મમ્મી નો કામગરો સ્વભાવ, અને ભાઈ બેનો માં બરાબર વચ્ચે, એટલે બધા ને બકા નું કામ પડે. ખાસ મંજુમાસી અને કૃષ્ણિમાસી ની "બકા" હાલક પડી જ હોય. ભાભીઓ – પોતાના ઘરો થયા પછી - નું પણ એવુંજ. બકાબેન વિના એ ત્રણ ના પ્રસંગ આગળ ખસે નહીં. સ્વાભાવિક છે કે હૂં બધાને ઓળખું. પાસે હતા એટલે, અને બકા થી નાના હતા એટલે. મામા આમ ચાર, પણ એક કાકા ના દીકરા ભાઈ આ કુટુંબ ના ઘણા ઘનિષ્ઠ હતા. (એમના પિતા એ નાના હતા ત્યારે ગુજારી ગયેલા, અને દાદાજી એ એમના પર નજર રાખેલી, એટલે બધાજ સંબંધ અને વ્યવહારમાં પાંચમા મામા તે હર્ષદ મામા. સ્વાભાવિક છે કે બધી માસી મમ્મી કરતાં વહેલા પરણેલા એટલે એમના છોરા મારા કરતાં ઘણા મોટા. મારી ઉંમરના મધુમામા ના સ્મિતા અને ગૌરાંગ, અને હર્ષદ મામા ના રૂપા અનિલ. અમે પાંચ સાથે ને સાથે. બા ના ઘરે પ્રસંગ હોય ત્યારે બધા ભેગા થાય, નાના મોટા મળી ને આશરે ૪૦ કુટુંબી જાણો હોય, એટલે બા ને ત્યાં જમવાનું પૂરું થાય કે બધા છોકરાઓ અમારે ઘરે - જે ઘણું મોટું હતું - આવી જાય. જો શનિ રવિ હોય તો સાંજે અમારે ત્યાં બ્રિજ જામે. અરુણમામા, હર્ષદમામા, પપ્પા અને કોઈ ચોથો ના મળે તો મમ્મી! અરુણમામા નું કોલેજ નું મિત્ર મંડળ મોટું, અને અરુણ ને કશે ખેંચી જવો હોય, તો બકાબેન ને પૂછવું પડે! મોટામામા કહેતા કે ઘણીવાર ભાઈઓ ને હાથ ખર્ચી મમ્મી એના પગારમાં થી આપતી. બધા મિત્રો બકા ને બેન માને, અને આજીવન એવો જ સંબંધ રહ્યો અમારી સાથે. ચાર ડોક્ટર બન્યા, અને બે એંજિનિયર.
હું સુન્ના માસી ને ત્યાં ઘણી વાર જતો. મોટી આંબાવાડી માં જૂની ઢબ નો બંગલો હતો કોઈનો, એટલે બધા આંબા ઘરધણી ના. બંગલા પાછળ કૂવો, અને બાજુમાં એક જમાનામાં નોકરો ને રહેવાની જગ્યા. માસી રહેતા, ત્યારે એક ઓરડામાં રસોડું, એક માં અનાજ, વાસણ વગેરે, એક માં કોલસાની ગુણીઓ! કૂવામાં થી પાણી ખેંચવાનું, મોટા બંગલે લઈ જવાનું, અને બંબો ભરવાનો, ત્યારે ન્હાવાને ગરમ પાણી મળે. કોઈ નળ કે શાવર નહીં. એ જમાના માં બોરીવલી તો ગામ જ ગણાતું, બધા જૂના ઘર અને બંગલા અને ખુલ્લી ગટરો! મુંબઈ તો અંધેરી પછી પૂરું થઈ ગયું ગણાય. વાડી માં લીચી ચીકુ સફેદ જામ્બુ નારિયેળ આમલી ના ઝાડ પણ હતા, પણ સાથે માળી નો ચોકી પહેરો પણ ખરો. માસીને ઘરે વસ્તી પણ ઘણી. ચાર બેનો ત્રણ ભાઈ, અને સૌથી મોટા ભાઈ નું કુટુંબ. એમનો દીકરો રાજૂ, મારી હાર નો. અમે બે સાથે ને સાથે જ! રાતે સુવા બંગલા ના ઉપરના માળે જવાનું. મોટો હૉલ હતો, અને લાઇન બંધ પથારી પાથરવાની! ઉનાળામાં ઉપર ના મળે પણ વરંડો હતો એમાં પથારી થાય! આખો દિવસ વાડી માં રમવાનું, ઉનાળો હોય તો કુવે જ નહાવાનું, અને રવિવારે સાંજે પપ્પા કે મમ્મી લેવા આવે! એ જમાનામાં બોરીવલી માં શિયાળો લાગે, ઠંડી પડે! આસપાસ ઝાડી જંગલ ખરું ને! ચોમાસામાં વાડી માં પાણી ભરાય અને કોઈક વાર સાપ પણ નીકળે!
બા ગયા પછી બે તહેવાર ખાસ આખું કુટુંબ ભેગું થઈ ને મનાવે. એક જન્માષ્ટમી, અને એક દેવ દિવાળી. બા ની સેવા, મંજુમાસી ની સેવા, અમારી સેવા, બધા ભગવાન સાથે ભેગા કરાય, શણગાર થાય, છ્પન્ન ભોગ તૈયાર થાય, અને સેવા થાય. એમાં મંજુમાસી નેતા.
હું બા ના ઘરે અને વાડીમાં બહુ જતો. અમારા ઘર પાસે રમવા માટે ફૂટપાથ અને દૂધ સેન્ટર નો બૂથ. શનિ રવિ માં અમે બાજુ ની વિલ્સન સ્કૂલ માં ઘૂસી જતાં – મોટું સરસ કમ્પાઉન્ડ હતું. ગૌરાંગ સ્મિતા ને હું, બધે જ અમારી ત્રિપુટી દેખાય. સાઇકલ ચલાવવા નું બા ની વાડી માં શીખ્યા, તરવા પણ સાથે, મધુમામા ગાડીમાં લઈ જાય – અમે ત્રીજે માળે, એટલે નીચે ગાડીમાં આવી હૉર્ન મારે, કે ભાગ્યો જ હોંઉ, અને દસ મિનિટ માં મફતલાલ સ્વિમિંગ પૂલ માં! પપ્પા આવે, કારણકે એમને તરવાનું સારું આવડે, અને અમને શીખવે. જરા મોટી થઈ કે સ્મિતા લેડિઝ પૂલ માં જવા માંડી, અને હું ને ગૌરાંગ મોટા પૂલ માં ધમાલ કરીયે. અમસ્તા ફરવા જવાનું હોય ત્યારે પણ મધુમામા ની ગાડી નું હૉર્ન ઘર ની નીચે વાગે, અને હું દોડું. મહિનામાં એકાદ રવિવારે બધા હર્ષદમામા ને ત્યાં ભેગા થઈ એ. દાદર પર, દરિયા ની પાસે જ એમનું ઘર. રસ્તો દરિયા કિનારે પૂરો થાય, એટલે ગાડી ની આવ જા ઓછી. અને અમે ત્રણ ને બદલે પાંચ થઈ રમીયે. ઘર ના આંગણ માં ખુલ્લી જગ્યા પણ સારી, એટલે ક્રિકેટ ત્યાં જ જામે.
બા દાદા ગયા પછી બધા ભાઈઓ પણ છૂટા પડ્યા, અને અમે પણ મોટું ઘર છોડી નાનકડા “ફ્લેટ” માં આવ્યા. મળવાનું ઓછું થયું, પણ ઘણા પ્રસંગો સાથે ઉજવતા. પણ ખાસ તો અરુણમામા અને જ્યોતિમામી સાથે સંપર્ક વધ્યો. એમની પહેલી દીકરી મીરા મમ્મી ની ખુબજ હેવાયલી હતી. કોઈ વાર તો બરાબર ખાય નહીં, એટલે મામા બકાફોઈ પાસે લઇ આવે, અને બહેન પૂરું જમે. બકા ફોઇ મીરકી ને ફોસલાવવા માં એવા તો નિષ્ણાત કે વાત ના પૂછો. થાળી ચોખ્ખી! મામા ની મિત્ર મંડળી બ્રિજ રમવા પણ અમારે ત્યાં ભેગી થાય, શનિવારે સાંજે શરૂ કરે તે સિદ્ધિ રવિવારે જમવા ટાણે જ પૂરી થાય. અરુણમામા સૌથી નાના એટલે સ્વાભાવિક પણે મમ્મી થી ખાસ હેવાયેલા. અમારી સાથે શાસ્ત્રીય સંગીત માં આવવા માંડ્યુ, અને એ શોખ લાગ્યો, પણ જે કુદરત ની લત પપ્પાએ મામા મામી ને લગાડી તે આજીવન રહી છે. શિયાળામાં રવિવારે સવારે, ગ્રાન્ટ રોડ સ્ટેશને મળી, બોરીવલી થી પહેલી બસ પકડી, કેન્હેરી કેવ્સ ના દોઢ માઈલ આગળ રસ્તામાં ઉતરી, જંગલાત ખાતા ની પાયવાટ પર ચકલા જોવા તો અચૂક જતાં, અને ભાભી નણંદ સાથે પક્ષી જોઈ સળવળ અવાજે કિકિયારી પાડે, “આ રહ્યું, આ રહ્યું”.
મહેન્દ્ર મામા સામે ની સોસાયટી માં રહેવા આવ્યા, અને એમને ત્યાં કે અમારે ત્યાં પ્રસંગે સુરભિ મામી, અને મમ્મી સાથે હોય જ.
એક ખાસ મેળો અમારે ત્યાં ભરાય તે અનાજ ભરવાની સિઝન આવે ત્યારે, અને આખા વર્ષના અથાણાં કરવાના હોય ત્યારે. માથામાં નાખવાનું તેલ પાડવાનું હોય ત્યારે પણ. એક બે બેનો અને એક બે ભાભીઓ ભાગે થાય અમારે ત્યાં, ઘઊં વીણાય, કેરી નું ખાટ્ટું પાણી બને, અને હું અગાશી માં સુકાતી કેરી, અને ગુંદા ની રખેવાળી કરું – કાગડા કબૂતર થી! સાંજે ખાટ્ટા પાણીમાં ગરમર બોળાય!
બધી બેનો શશિમામા ને ચીડવતી, કે કન્હૈયો છે. દેખાવે હેન્ડસમ હતા, અને છોકરીઓ ની નજર એમના પર ઠરતી! કિશોરી મામી ને પરણ્યા પછી બધું ઊડી ગયું. મામા ગાતા પણ સુંદર. અમે હિમાલય – કાશ્મીર - પહેલી વાર ગયા, ત્યારે શશિમામા અને નવોઢા કી-મામી થોડા દિવસ અમારી સાથે ફરેલા.
બંને બાજુ આટલા બધા કાકા ફોઇ મામા માસી, ને હું એકલો – કેટલી બધી બહેનો! નાનો હતો ત્યારે રાખડી થી મારા બંને હાથ ભરાઈ જતાં! મમ્મી કાકા ફોઇ ની દીકરીઓ ને સવારે તો મામા માસી ની દીકરીઓ ને બપોરે બોલાવે!
પરણ્યા પછી પપ્પા મમ્મી મુંબઈ ની આસપાસ શનિ રવિ કે બેન્ક હોલિડે ના દિવસે ઘણું ફરતાં, અને મામા માસી ભાણિયા ભણી જે હાથ લાગે એને સાથે લઈ લઈ જાત અને કુદરત માણતા કરે. મને એક ફોટો મળ્યો, જેમાં મોટીબા ને પણ કશે જંગલમાં ફરવા લઈ ગયેલા: કોઈ લેકના ડેમ ની પાળી પર, પાણી ને કંટ્રોલ કરવાનો પ્લેટફોર્મ હોય ત્યાં બધાને ભેગા કરી ફોટો લીધેલો છે!
હું તો આમ ને આમ ચાલ્યા જ કરું, પણ હવે બસ પણ કરવું પડે!