પાછા!

મારી વાતો

જ્યોતિ મામી પત્ર.

૨૦-૧૦-૨૦૧૧

ભાઈ હેમંત, અંજુ, અને દીકરીઓ,

હેમંત! બહુ વખત પછી લખવા બેઠી છું, હવે તો અક્ષર માં ખૂબ ફેર ફાર થઈ ગયો છે, લખવાનો મહાવરો નથી એટલે પ્રયત્ન કરું છું જે રીતે લખાય તે રીતે, right?

સુમંતલાલ તો અરુણ ના friend, guide, અને philosopher હતા. એમણે અમને nature ને માણતા શીખવ્યું, પક્ષી જોવાની દ્રષ્ટિ આપી અને તેથી અમારી જીંદગી માં અમે આનંદ માણતા શીખ્યા. એમની સાથે અથવા કહો તો આગળ બકાબેન તો ખરા જ! એમની કામ માટે ની ચીવટ્ટાઇ, બિલકુલ આળસ નહીં, ગમે તેવા સંજોગો માં થી પણ રસ્તો શોધી કાઢે, સુમંતલાલને, અરુણ ને અને મને લાકડીથી બરાબર હાંકે, જરાપણ વાંકાચુંકા થવા ના દે પણ એમાં એમનો કોઈ સ્વાર્થ ના હોય પણ પોતાના અનુભવ પરથી તારવી ને શિખામણ આપે અને અમે કહ્યાગ્રા પણ ખરા! તે એમનું માની એ અને ના માનીએ તો જઈએ ક્યાં?

સુમન્તલાલ બહુ સાદા, બહુ જ ઓછી જરૂરિયાતો વાળા, simple માણસ, શોખ ખરા! અને એ પૂરા પણ કરે અથવા કરવા પડે પણ સામે એટલું જ બીજું કંઈ પણ કામ કરીને એનું સાટું વાળી દે. એ એક સ્ત્રી જેટલું અને જેવું કામ કરી શકતા, બકાબેન ની એક જીભે ઊભાઊભ એમનું કામ કરતાં અને તે પણ willingly બિલકુલ બબડાટ વગર, પણ તેથી તે ખૂબ નરમ હતા એમ ન કહેવાય, કારણકે કેટલીક બાબતમાં એમનો veto Power જબરો હતો કોઈનું ન માને! પણ બંનેની understanding ખૂબ સરસ હતી. બન્ને જણા  બીજાને કોઈ પણ મદદ કરવા માં પાછું વાળીને જોતાં નહીં. ખૂબ મહેનત કરી, ધક્કા ખાવાના હોય તો ખાઈ ને પોતાના પૈસાનો ખર્ચ કરીને પણ સામા ને મદદ થતી હોય તો કરતા. એ બન્ને માં સૌથી સરસ નેચર તો બન્ને ની versatility. સંગીત નો શોખ, ફોટોગ્રાફી, હિમાલય, શોર્ટ ટ્રીપ પર જવાનો, ટ્રેકિંગ, પહેલા તો તરવાનો, પાનામાં બ્રિજ રમવાનો એમ ઘણાં શોખ હતા અને તેમાં હંમેશ બકાબેનનો સાથ જ એટલું જ નહીં પણ first participant રહેતા હતા.

અમારી જિંદગી માં તો હેમંત! અમે લગભગ ૧૯૮૨, ૧૯૮૩ સુધી વરસ માં એકાદ બે વાર લાંબી ટ્રીપ પર અને કરનાળા, માથેરાન, લોનાવલા જેવી નાની ટ્રીપ પર તો વરસ માં કેટલીયે વાર સાથે ગયા છીએ. અમારા છોકરાઓ ને પણ એમની માયા ઘણી. એમને પણ એમણે જ initiate કર્યા. બંને ને બાળકો વ્હાલા હતા તેથી નાના બચ્ચાંઓ લઈને હું બધે જતી. ત્યાં તેઓ બન્ને ખૂબ ધીરજ રાખી શકતા. બકાબેન રસોઈમાં ખૂબ મદદ કરતાં, સુમંતલાલ છોકરાઓને રમાડવામાં મદદ કરતાં. એમના વગર મને લાગે છે કે અમારી જિંદગી માં અમે જે કુદરત માણતા શીખ્યા – બહારગામ જઈએ તો રાંધવાનો સામાન સાથે લઈ જવાનો, ત્યાં રાંધવાનું એટલું જ નહીં આણ સાથે વાસણ કપડાં પણ કરવાના એ બધું હું બહુજ શીખી છું. ઘણાને કહેતા સાંભળ્યા છે કે બહારગામ જઈએ ત્યાં વળી રસોઈ કેમ કરવાની? આપણને પણ છુટ્ટી. અને પછી હોટલોમાં જે મળે તે અને જેવું મળે તેવું ખાઈ લેવાનું. મોંઘું એટલું પડે કે થોડા જ દિવસોમાં પાછા ઘર ભેગા થઈ જવાનું અથવા કોઈ  ટૂર માં જઈને એ લોકો બતાવે તે જોઈને પાછા આવવાનું. આતો ૩ અઠવાડીયા થી મહિના દોઢા મહિના ની ટ્રીપો કરતાં અમે શીખ્યા અને બધો યશ એ બન્ને ને જાય છે.

હવે મારી ડાયરીઓ શોધી ને એમની સાથે ક્યાં ક્યાં ગયા તેનો ચિતાર આપું છું જેમાં કેટલાક માં તો તું પણ નહીં હોય, IIT કે ફોરેન કે બીજે ક્યાંક વ્યસ્ત હશે.

૧૯૬૭ માં સિંધ્યાની સરસ્વતી સ્ટીમર માં મીરા અને ૧ વર્ષની તેજલને લઈને વેરાવળ, સાસણ ગીર, સોમનાથ જૂનાગઢ અને ગિરનાર ની યાત્રા કરી. બન્ને જણાં ચાલવામાં ચઢવામાં પહેલા હોય સાથે બચ્ચાઓને લેતા જાય, રમાડતા જાય.

મીરાની માંદગીમાં સાંજે પોતાને ઘરે બોલાવી મીરા માટે ભાવતું બનાવી રમતા રમતા, કાલાવાલા કરતાં ખવડાવતા હતા. ત્યાર પછી ઑક્ટોબર. ૧૯૬૩ માં અમારા પૂના રહેવાસ દરમ્યાન અચૂક શનિ રવિ અરુણ સાથે પૂના આવ્યા છે. (કીકાભાઈ પ્રેમચંદ તને પણ યાદ હશે).૧૯૬૮-૧૯૬૯ માં અમારું A1 ઘર થયું ત્યારે પણ પહેલા મહેમાન એ લોકો જ હતા. મને બરાબર યાદ છે તારા કર્ણિક કાકા ને ઘરે દિલ્હી ગયા હતા અને અહીં આવ્યા પછી તરત જ A1 આવ્યા હતા સાથે જમ્યા હતા ઘરમાં ફર્નિચર વગર જ ગેલેરી માં નીચે બેસી ને જમ્યા હતા.  

ત્યાર પછી ૧૯૭૦ માં મારી ડોલી ની ડિલિવરી વખતે રાત ના ૨:૩૦ વાગે અરુણ બકાબહેન ને લેવા ગયો હતો. બકાબહેન તે જ રાત્રે 11 - 11:30 વાગ્યે આપણી સપ્તાહ પછી બધા શ્રીનાથજી ગયા હતા ત્યાં થી આવ્યા હતા છતાં પણ બોલાવ્યા તેવા આવી ને ઊભા રહ્યા. She was so near too us. (બીજા કોઈને નહીં).

૧૯૭૩ માં સુમંતલાલે પહેલી વાર અમને હિમાલયનો પરિચય કરાવ્યો અને અમે સિમલા, બાસ્પા, કલ્પા સાથે ગયા હતા. ટ્રેનમાં ગયા ત્યાં ડોલીને ટ્રેનમાં જ ૧ કલાકમાં ૬ થી ૭ ઉલ્ટી થઈ ગઈ. પાણી પણ ના ટકે તો સ્ટેશન આવ્યું ત્યાં ઉતારીને કોઈ લારી વાળા પાસે બે ત્રણ લીંબુ અને બીજા લારી વાળા પાસે કાલાવાલા કરીને બરફ લઈ આવ્યા જેનું લીંબુ શરબત બનાવ્યું જે બે બે ચમચી પાયું તે ટક્યું, એવા resourceful હતા. બધા સિમલા જઈ ને પાછા આવે અને સુમંતલાલ ને લીધે અમે એટલા interior માં જઈ આવ્યા હિમાલય સાથે દોસ્તી કરી આવ્યા.

ત્યાર પછી તો ૧૯૭૪ મે માં આખું જુલૂસ તિથલ ગયા. એમાં હર્ષદકાકા નું આખું family એમને એમની ગાડી લીધી હતી. રૂપા, અનિલ, રેણું મંજરીકાકી અને હર્ષદભાઈ એમ પાંચ + (સુમંતલાલ) બકાબહેન, સુરભિભાભી મહેન્દ્રભાઇ, સોનલ, પરાગ, અને અમે પાંચ. બે દિવસ ની ટ્રીપ માં ખૂબ મઝા કરી હતી વલસાડના આંબા પર તો મોટી મોટી કેટલીયે કેરી લટકતી હતી કેટલીક તો હાથથી તોડાય એટલી નીચે પણ હતી. ત્યાં સુમંતલાલે છોકરાંઓ ને હેમક બાંધી આપ્યો હતો એના પર છોકરાંઓ ખૂબ ખૂબ રમ્યા. અને સાંજે હર્ષદભાઈ ની ગાડી ભૂલી પડી ગઈ, કાળી ડિબાંગ રાતે કોઈ વાવડ નહીં, મારા બધા છોકરાંઓ એ ગાડીમાં હતા અને બધા હસબન્ડ wife જુદા હતા. ખૂબ ખૂબ ચિંતા થઈ હતી. કોઈ ચલિયું પણ ના મળે કે એને પૂછીએ. પોલીસ માં જવાની નોબત આવી હતી પણ પછી વળી એટલા માં આઘે થી લાઇટ દેખાઈ અને જીવમાં જીવ આવ્યો. એમાં ફક્ત સુમંતલાલ બકાબહેન જ સાથે એ ગાડીમાં હતા બાકી બધા જુદા થઈ ગયા હતા. બીજે દિવસે રસ પોળી નું જમણ અને ઢોકળાનો નાસ્તો કર્યો હતો. બધી ટ્રીપ માં એ લોકોને લીધે સાચું guidance મળી રહેતું અને અમારા મોનીટર બકાબહેન નું સૌ માનતા કોઈ ની ચું ચા ચાલે નહીં.

1974 માં જાન્યુઆરી. કરનાળા ગયા હતા અને બધા કિલ્લા પર ચઢ્યા ઇન્ક્લુડિંગ 4 વર્ષ ની ડોલી પણ. એ પણ તેઓ ને લીધે જ!

1974 માં માથેરાન ચઢીને શશિકાકા તુષાર કિશોરી અનુ બકાબહેન સુમંતલાલ અમે લોકો ગયા હતા, માણેકલાલ ટેરેસ માં રહ્યા હતા. છોકરાંઓ ને માથેરાન ચાલી ને જતાં શીખવ્યું.

૧૯૭૫ માં અમે અમેરિકા ની ટ્રીપ કરી ત્યારે બંને જણ અમારે ઘરે રહ્યા, ઘર અને છોકરાં ઓ ને સંભાળ્યા. એટલા ઉદાર દિલ ના હતા.

અરે એક વખત તો ૧૯૭૩ માં કરનાળા ગયા હતા તે પણ મોટું જુલૂસ હતું. ત્યાં રાત રહેવાનુ કરીને ગયા હતા, સાથે રાંધવાનો સામાન લીધો હતો. મંજરીભાભી હતા, બીજા કોણ કોણ હતા એ યાદ નથી પણ ત્યાં ના rest house ના મળ્યા! હવે શું? પછી શોધતાં શોધતાં આગળ ચાલ્યા ત્યાં કોઈના private બંગલાના વરંડા માં સુતા. એ Mr. Putali સારા હતા કે રહેવા દીધા. આવા તો કેટલાયે પરાક્રમો કર્યા હતા.

૧૯૭૨માં અરુણ ને Tataનું પંચગીની નું કામ કરવા મળેલું. તે પહેલા એના બંગલા માં (umrah hall) અમે બકાબહેન સાથે રહ્યા, ડોલી તો બહુ નાની, ખાસ સગવડ મળે નહીં તોપણ મઝા કરી. બધે તેઓ adjust થઈ જાય અને એમનું જોઈને અમે પણ શીખીએ. ૧૯૮૨ માં અમે માથેરાન માં Scott બંગલામાં રહ્યા હતા. તેમાં તો અંજુ અને તારી નાની નુની પણ હતા. જાનકી બે વર્ષ ની હશે. પરાગ, મહેન્દ્રભાઇ, ભાભી અમે પાંચ અનુજા તુષાર મંજરીકાકી વગેરે નું મોટું group હતું. જાનકી પ્લેન જુએ ને કહે પપ્પા ક્યારે આવશે? (તું અમેરિકા હતો). બકાબેન અને સુમંતલાલ અંજુ ને change મળે અને સ્હેજ છૂટી થાય એમ કરીને લાવ્યા હતા. એની નણંદ અને દિયરો સાથે એને પણ ખૂબ મઝા આવી હતી. જો એને યાદ હોય તો રાત્રે બીજા રૂમમાં બધા છોકરાઓ સૂતા હતા ત્યાં મોટો ઘૂસ આવ્યો હતો અને કોઈના શરીર પરથી દોડી ગયો હતો. સુમંતલાલ & party બ્રિજ રમે બધે અવાજ અવાજ થાય પછી જ્યાં ને ત્યાં જ સૂઈ જાય, પણ એટલા માં  ઉઠવાનું alarm વાગ્યું! એવી તો કેટલીયે યાદ આવે છે.

હેમંત! ત્યાર પછી નું બહુ યાદ નથી પણ મારા ધરવા પ્રમાણે બકાબહેનની માંદગી, મારા છોકરાઓ તેમાં ખાસ તો મીરા મોટી થઈ એટલે એની સ્કૂલ અને લેસન ના problem વિગેરે થી થોડું ઓછું થઈ ગયું. છતાં પણ એ લોકોની ખૂબ ખૂબ કંપની મળી, ખૂબ હૂંફ મળી. મારા સ્મરણો યાદ રહ્યા તેમ લખ્યા છે એમાં થી જે ઠીક લાગે તે મઠારીને લખજે.

બીજું, unfortunately એક પણ slides કે ફોટોગ્રાફ મળ્યા નથી જેમાં મે ઉપર લખેલા વર્ણન પ્રમાણે નું પ્રમાણ મળે કારણકે ઘર renovate કરાવ્યું ત્યારે બધી slides, projector બધુ કાઢી નાખ્યું, કોઈ ને આપી દીધું. Renovation માટે ફક્ત ૩ કબાટ સિવાય બધુ ખાલી કરીને આપવાનું હતું, તે થી મારો એ દલ્લો + કેટલી બધી books કાઢી નાખવી પડી. Sorry!

About ૧૯૬૮ માં ખંડાલા Mr. પાવરી ને બંગલે ગયા હતા. ત્યાંના વરસાદ માં  એ લોકો બંગલાને ચારે બાજુથી પતરા થી ઢાંકી દે. અમે પણ લગભગ Sept. end કે Oct. માં ત્યાં ગયા હતા. અરુણ ને અને બકાબહેન ને તો માથે છાપરું મળે ત્યાં ગમે ત્યાં રહેવાય, કારણકે ખાવા પીવા નો સામાન તો સાથે હોય, કોઈ વાર તો ઓઢવા પાથરવાનું પણ હોય, પાવરી કહે કે કાંઇ સગવડ ખાસ નથી તમે કેમ રહેશો? પણ અમે તો ચાવી લઈ આવ્યા જ! સાથે સુર્યકાંતભાઈ હંસા હતા બીજા કોણ હતા યાદ નથી. સવારે ત્યાના ધોધ માં બધા નહાવા ઉતાર્યા, બકાબહેન તો so resourceful તે એમણે તો સ્ટવ, તેલ, તળવાનું સાધન, સવારે વહેલા ઊઠીને બટાકાનો માવો બનાવ્યો અને સાથે લીધો. હું નહીં નાહવા પડી, બધા છોકરાં ઑ ને અરુણે અને સુમંતલાલે ખૂબ નવડાવ્યા અને પછી  બહાર નીકળી ને જે ભૂખ લાગી તે ગરમ ગરમ બટાકાવડા ત્યાં ને ત્યાં, પત્થરની આડમાં સ્ટવ સગળાવી ને તેલ ગરમ કરી થાય ત્યાં સુધી કોઈ ની ધીરજ રહે એવું  ન હતું. અને બધાને સાથે ખાવું હતું. એટલે વડા એક પછી એક તેલમાં મૂકતા જઈએ તો શું થાય? તેલ ઠંડુ પડી જાય અને વડા છૂટી જાય. તેલ ભરાઈ જાય પણ તે વખતે nobody was conscious about તેલ અને ઘી. એવા ગરમ ગરમ વડા સફાચટ થઈ ગયા પણ ખૂબ મઝા પડી. ત્યાં આવી જગ્યામાં સ્ટવ વિગેરે લઈ જઈને વડા તો બકાબહેન જ ઉતારી શકે અને ખવડાવી શકે.

  1985 માં અમે સુમંતલાલ, હેમંત અંજુ જાનકી સાથે ગૌમુખ, ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ ગયા હતા. બકાબહેન ની ઇચ્છા ત્યાં જવાની હતી પણ એમના થી ન થયો તો સુમંતલાલ હેમંતને ત્યાં જય એમનું તર્પણ કરવું હતું, અમને પણ force કરીને ઊભા કર્યા. હેમંત કહે મામી હું તમને લઈ જાઉં છું તમે શું કામ બીઓ છો? મીરા અને સુજાતા પણ સાથે આવ્યા હતાં. ત્યાં ભોજબાસમાં એક રાત રહી બીજે દિવસે ગૌમુખ જઈને પાછા ભોજબાસ આવી ગયા. મને ખૂબ ઠંડી લાગે, height પણ લાગે પણ આ લોકો હતાં તો જ થયું, હિમાલયને અડકીને આવ્યા. સુમંતલાલ ત્યાં ખૂબ ઇમોશનલ થઈ ગયા હતાં. હેમંતે અને અરુણે સારી વાર સુધી સંભાળવા પડ્યા હતાં. આ વખતની અંજુ તો બરાબર બકાબહેન જ જોઈ લો, એટલી સરસ ટ્રેઇન થઈ ગઈ હતી & એના ઉદાર દિલથી બધાને પોતાના કરી લેતી હતી. ત્યાંથી પછી કેદારનાથ અને બદ્રીનાથ ગયા હતાં. સુમંતલાલ તો મીરા ને અને સુજ્જુ સાથે પણ ખૂબ સારી રીતે મળી જતાં હતાં અને જાનકી સાથે તો નાચે કૂદે ગાય રમાડે અને આનંદ કરે.

અરુણ ઘણી વાર કહે કે મારી બકાબહેન તો એવી કે સવારના ૬ વાગ્યામાં તો રોટલીનો થપ્પો વણીને ટ્યુશન પર નિકળીએ જાય. બા ૪ વાગ્યે ઊઠીને ડબ્બો ચડાવીને જાય અને બકાબહેન રોટલી વાણી ને જાય. આપણે ઘેરે તો માસિઓ (અરુણની) પણ ઘણી વાર રહે તો મુક્તામાસી ને બકાબહેન ની જોડી તે વહેલા બંને જણા રસોઈનું કામ પતાવી નાખે. બકાબહેન તો એમના વખતમાં મદ્રાસ જઇ ને મોન્ટેસરી નો diploma પણ લઈ આવ્યા હતાં, મોર્ડન સ્કૂલ માં ટીચર પણ હતાં. એ વખતમાં ખૂબ forward વિચાર ના હતાં.  બીજી બહેનો ના લગ્ન ઘણાં જલદી થઈ ગયા હતા અને બધા ભાઈઓ નું, & બા અને ભાઈ(દાદાજી) નું બધું બકાબહેન સંભાળતા હતા. At that time she was the ruling lady of the house. ભાઈ (દાદાજી)  પણ એમનો અભિપ્રાય પૂછતા. બધા ભાઈઓ તો ભણતા હતા. બા ને કોઈ કહી શકતા તો એ બકાબહેન જ હતા, બાકી બા નો હાથ બહુ છૂટટો, પોતે પોતાની જાત પર કસર કરે પણ બીજાને ખવડાવવા પીવડાવવા માં ખૂબ ઉદાર તેથી કોઈક વાર ટોકવા પડતાં, તે કામ બકાબહેન સારી રીતે કરતાં, અને બા માને પણ ખરા!

હેમંત, ખૂબ ટાંચા સંજોગ માં એ બન્નેએ (સુલુ સુમંત) પોતાની જિંદગી આનંદથી અને પોતાની રીતે right royally ગુજારી છે. કોઈ અસંતોષ વગર. બન્ને માં કોને પહેલી rank આપવી તે નક્કી ન કરી શકાય એવું એ લોકોનું સાયુજ્ય હતું અને તેનો દાખલો તો તમારું જૂનું ઘર. અશ્વિન ભાઈને એક પણ પઈસો લીધા વગર આપી દીધું એ એ બન્ને ના જીવનની કેટલી ઉદારતા કહેવાય? એ વખતે તમારે પણ નવું ઘર લેવાનું હતું, loan પણ લેવાની હતી પણ એક જ જવાબ કે મને આ મળ્યું ત્યારે મેં કાંઇ આપ્યું નથી તો હું આપું છું તો મારે કાંઇ જોઈતું નથી. અને એમાં બન્ને ની સહમતી હતી નહીંતર બે માં થી એક અને તેમાં પણ સ્ત્રી તો ખેંચ પકડ કરેજ! નવું ઘર વસાવા નો કોને શોખ ન હોય? પણ બકાબહેન ની ખૂબ ખૂબ ઉદારતા કે આનંદથી કચવાયા વિના આપી દિધું બાકી તે વખતે ધાર્યું હાથે તો થોડા પૈસા જરૂર મળતે.

હેમંત આ લખતા લખતા જેમ જેમ યાદ આવ્યું તેમ તેમ લખ્યું છે એટલે sequence બરાબર નથી આવી એને ઠીક થાક કરી જે રાખવું હોય તે રાખ જે બાકીનું જવા દે જે.