ઓળખાણ લગ્ન પહેલાં ૧૯૫૬ સુધી હિમાલય મમ્મી પછી આખરે અમે બે સંબંધો
પહેલું પાનું The Beginning
Mummy Pappa

અસંખ્ય છે મનુષ્ય માત્ર ના સંબંધો. જ્યાં પણ લાગણી વિચાર મેળ – કોઈ પણ સમાન જીવન ના તાંતણા વણાય ત્યાં સંબંધ ઉત્પન્ન થાય. મારે ફક્ત બેજ વ્યાખ્યા માન્ય રાખવી છે. એક તો કૌટુંબિક સંબંધ: જન્મ ને કારણે કે લગ્નગ્રંથી ને કારણે, જેમાં મનુષ્ય માત્ર ને કોઈ પસંદગી હોતી નથી. અને બીજી વ્યાખ્યા તે પસંદગી નું કુટુંબ. બંને કુટુંબમાં એજ લાગણીઓ, એજ ક્ષોભ, એજ આતુરતા, એજ વ્હાલ, એજ ઉદ્વેગ, એજ મનોભાવ. પણ એક માં જન્મનો પ્રભાવ, બીજા માં પસંદગી નો પ્રભાવ. એક માં વ્યવહાર નું બંધન, બીજા માં સ્વેચ્છા નું બંધન. પણ કુટુંબ એટલે ઋણ વિનાનાં સંબંધો.

મમ્મી પપ્પા બંને ઓળખીતા ને મિત્ર, અને મિત્ર ને સ્નેહી અનાયાસે બનાવી દે. ક્ષણો નો સંપર્ક જોત જોતા માં આજીવન મિત્ર કે પ્રવૃત્તિ ના ગાઢ  સહભાગી બની જાય.

એ વ્યક્તિત્વનું રહસ્ય બન્ને નું નિખાલસપણું અને મદદ કરવાની વૃત્તિ. પપ્પા ને વ્યવહાર ની બહુ ગતાગમ ના પડે, પણ બાળપણ ના થોડા ગઠિયા જિગરી દોસ્ત બનેલા, અને પુખ્ત વયે પણ બે ત્રણ ગાઢ મિત્રતા બંધાયેલી. પરણ્યા પહેલાં મોટિબેન કે બાપાજી કહે તેમ કરે, અને પરણ્યા બાદ તો ઘરમાં વ્યવહાર ની રાણી પધારી, એના “કહ્યાગ્રા કંથ” પપ્પાના શબ્દોમાં! (હું પણ બાપાનો દીકરો જ છું – આની સાથે ઘણા વિષયમાં!). પપ્પા ને કંઇ કહેવું હોય તો વિનીત પણ સાફ ભાષામાં સીધી વાત કહે ખરા. મમ્મી પણ એવિજ રીતે સીધી વાત કરે, પણ એના માં વાત અને ભાષા વાપરવાની કળા તો આબેહૂબ! એટલે સાંભળનાર ને દ્વેષ ના થાય! વાંકી આંગળીએ ઘી કાઢે.

મમ્મી અને પપ્પા બંને ના મોટા પરિવાર, અને બંને પરણ્યા ને આ પરિવાર બમણા થયા. મમ્મી નું પિયર એ તિજોરીવાળા કુટુંબ. પપ્પા જેવા જમાઈ જોયા કે જાણ્યા નો’તા. સાસુ થી માંડીને બધ્ધા સાળા ઑ ને, અને એક બે સાળી ઑ ને કુદરત નો ચેપ લગાડ્યો. ખેંચી જાય ખંડાલા કે સૈહ્યાદ્રી માં આસપાસ અને ધોધ કે વહેળામાં ઝબોળે. મોટીબા બીજા જમાઈ ને સાચવે, પણ પપ્પાને માણે.  

મમ્મી એટલે ભાભી બહેનો ભત્રીજી ઓ ભાણિયા ઓ બધ્ધા માટે જંકશન. પરણી એ પહેલાં ચારે ભાઈ પર નજર રાખે, અને ચારે સાથે મોટિબેન અને મિત્ર એવું બંધન. એમાં સૌથી નાના ભાઈ અરુણ મામા સાથે ખાસ. તોફાની ખરા ને!

પપ્પા ના ભાઈ બહેનો એક સિવાય બધા એમના થી મોટા. ફક્ત બાફોઈ સાથે માં સમાન જોડણી. પણ બાકી ભાઈ બહેનો અમદાવાદ, બરોડા, સુરત, જંબુસર એમ ફેલાયેલા. પણ આ બધ્ધા ના છૈયાં છોરા સુલુકાકી / મામી ને લંગર નાખે.

અંજુ આવી, અને બન્ને જણાએ “વહુ” શબ્દ ઉચ્ચાર્યો જ નહીં. “દીકરી” જ જીભે બેઠું. જાનકી આવી અને મમ્મીએ એને “ગુલબાસ” એવું સંબોધન બક્ષ્યુ. પપ્પા બહુ આવા ઉપનામ માં પડે નહીં – જો કે એમના પોતાના ઉપનામ મિત્રોએ આપેલા એવા ઘણા. વૈદેહી આવી એ પહેલાં મમ્મીએ વિદાય લીધેલી, એટલે એ બા-દીકરી નો સંબંધ લટકી ગયો – સુલુબા સાથે, શાંતાબા સાથે પાકો . પપ્પા તો દીકરીઓ પર સંપૂર્ણ આધીન. એક દિવસ જાય નહીં કે દીકરીઓ ને હેંગિંગ ગાર્ડન ફરવા લઈ ના ગયા હોય – મૂંબઈમાં હોય ત્યારે.

લતુબેન ના નામે મામા મામી, પણ સંબંધે બામાસી પછી માં બાપ જેવા ખરા. બામાસી અને મામા મામી વિના લતુબેન નો પાટલો ખસે નહીં. પણ બેન બહુ બોલે નહીં, એટલે એ સંબંધ વિષે તો જે જોયું એટલુંજ જાણું છું.

મારો ભાઈ સમાન જિગરી તે ધનિયો. નામકરણ માં ધનંજય, પણ મમ્મી પપ્પા ને મોઢે “ધનિયો” જ વળગે. હું પહોંચ્યો IIT ની હોસ્ટેલ માં, અને ધનિયો શનિ રવિ ઘરે આવે. ધનિયા અને મમ્મી પપ્પા વચ્ચે માં-બાપ દીકરા નો સંબંધ. અમે બન્ને કુટુંબ એક બીજાને “ચૂંટેલા” કુટુંબ માનીએ છીએ. બાકી કુટુંબ તો જન્મે બંધાય ને!

 ખરી મજા તો મમ્મી પપ્પાના મનપસંદ કુટુંબો માં. પપ્પાના ગઠિયા મિત્રો થી માંડીને કુદરત અને પક્ષીઓ નો ચેપ લગાડ્યો એ કુટુંબ ની વાતો લખીશ. પણ એ સંબંધો માં પપ્પા એકલા તો હરગિજ નહીં! મમ્મી બરાબર ની ભાગીદાર! મમ્મી ની ખાસ સખી તો એકજ: સરલાબેન. એ પણ શિક્ષિકા હતા. એનાથી વધુ હું જાણતો નથી, કારણકે એ બે બહુ મળતાં નો’તા, અને ઘરે આવતા ત્યારે હું નાનો હતો. ઓળખું, પણ જાણું નહીં.

 પપ્પા ગયા પછી તરત મેં વિચાર કરેલો કે મમ્મી પપ્પાના જીવન વિષે એક પુસ્તક તૈયાર કરવું. જેટલા ના સરનામા કે ફોન નંબર હતા એ બધાને વિનંતી કરેલી કે મમ્મી પપ્પા વિષે તમારી યાદો અને અનુભવો લખી મોકલો. આ હા! શું ખજાનો હાથ લાગ્યો પણ સંજોગ વસાત પુસ્તક આગળ ચાલ્યું નહીં. પણ એ પુસ્તક નો નવો અવતાર તે આ બ્લોગ. એટલે આ બ્લોગ માં એ બધી યાદો ની ઝલક મૂકીશ ચોક્કસ.