આ બધી જગ્યા ઓ છે, જવા લાયક છે, અને જવાશે એમ ખબર કેવી રીતે પડે? ઇન્ટરનેટ શોધાયું એ પહેલાં!
મૂંબઈમાં બે ત્રણ અવનવી પરિસ્થિતી મળે. ૧૯૨૮ માં ભારત માં હિમાલયન ક્લબ સ્થપાએલી. ક્લબ નું બાળપણ શિમલા અને કલકત્તા માં ગુજર્યુ, પણ મૂંબઈમાં રસિક ઘણા અને સ્વરાજ મળ્યા પછી બધા અંગ્રેજો ઘરે ગયા! એ જમાનામાં અંગ્રેજ સાહસી હિમાલય જતાં. યુરોપ માં પર્વતારોહણ પ્રવૃત્તિ સારી એવી વધી હતી, અને પર્વત પ્રેમીઓ એ Alpine Club સ્થાપેલી. સભ્યો મળે, એક બીજા ની વાતો સાંભળે કે ક્યાં ચઢી આવ્યા, શું નડયું, અને શું સુવિધા મળી, કયો રસ્તો સારો, અને કયા રસ્તા પર સંકટ એવી માહિતી ની આપ-લે થાય. એવાજ લક્ષ્ય વાળી Himalayan Club ભારત માં સ્થપાઈ. ધીરે ધીરે પુસ્તકો અને નકશા પણ ભેગા થવા માંડ્યા અને નાનું એવું પુસ્તકાલય રચાયું. એ જમાનામાં કોઈ પણ વિલાયતી સાહસી ભારત પધારે તો પહેલા તો મુંબઈ જ આવવું પડે કારણકે વહાણ તો મૂંબઈમાં જ લાંગરે! એટલે સામાન થી માંડી ને માણસો, ઉત્તર માં વહીવટદાર, ટ્રેન, વગેરે ની માહિતી પણ મુંબઈ માં મળે. એટલે હિમાલય જવા મુંબઈ થઈ ને જ જવાનું એવી એક પદ્ધતિ થઈ ગઈ. અને ધીરે ધીરે ભારત માં અને ખાસ મૂંબઈમાં હિમાલય પ્રેમી અને હિમાલયમાં ભ્રમણ કરવાવાળા ની સંખ્યા વધતી ગઈ. એમાં એક સધ્ધર ભાઈ – જગદીશભાઇ નાણાવટી - એ એમની ઓફિસ માં મળવા માટે જગ્યા ની સગવડ કરી આપી. એ ઓફિસ સિંધયા કંપની ના મકાનમાં હતી, એટલે પપ્પાને ખબર પડી, રસ પડ્યો અને હિમાલયની લત લાગી: આ મારુ અનુમાન છે, અસલી હિમાલય નો પ્રેમ ક્યારે અને કેવી રીતે જાગ્યો એ ચોક્કસ ખબર નથી - આમ તો કુદરત અને પર્વતો અને હિમાલયનો પ્રેમ તો કયાર નો હતો, પણ હવે હિમાલય ના પ્રવાસે જવાની માહિતી, તક અને સુવિધા મળી. થોડા વર્ષે - અંગ્રેજો ગયા પછી - ભારતી સાહસી ઓ ની સંખ્યા વધવા માંડી, અને મુંબઈ ની પાસે આવેલી સૈહ્યાદ્રી ની હારમાળા ખૂંદવામાં ઘણો રસ જાગ્યો. એટલે Himalayan Club ની માફક સૈહ્યાદ્રી માં ભમતા સાહસી ઓ એ Climber's Club સ્થાપી – જગદીશભાઇ ના નેતૃત્વ ના પરિણામે! આમતો ઘણા સભ્યો બંને સંસ્થામાં ભરતી હતા! અને બંને સંસ્થાઓ માં પુસ્તકો અને નકશાનો સંગ્રહ વધવા માંડ્યો. એ જમાનામાં Switzerland માં પ્રકાશિત થયેલા નકશાઓ ઉત્તમ ગણાતા. ભારત ના સર્વેક્ષણ વિભાગે ઘણા એક્યુરેટ નકશા બનાવ્યા છે પણ સરહદ પાસે ના ઇલાકા ના નકશા છૂટ થી મળતાં નો’તા. પપ્પા બન્ને Club માં સભ્ય, અને લગભગ બધ્ધા ને ઓળખે. બીજા વિશ્વયુદ્ધ પછી હિમાલય ચઢવા વિલાયત થી પર્વતારોહણ ટુકડી ઓ આવવા મંડી. મુંબઈ થી જ આવજા કરવી પડે, એટલે પાછા જતાં પહેલા સભા યોજાય, અને એ પર્વતારોહણ વાળા કોઈ એક નેતા જેવા ભાઈ સરસ વિગતસર અહેવાલ આપતું પ્રવચન આપે. કેમેરા અને ફિલ્મ ની technology સુધારી પછી તો સાથે સાથે slide-show પણ થાય! પપ્પા, એટલે અમે ત્રણે આવા કોઈ પ્રસંગ ચુકીએ નહીં.
આ જ મંડળીમાં થી અને પુસ્તક સંગ્રહમાં થી પપ્પાને કોઈ જગ્યામાં રસ પડે, અને એની પાછળ લાગી જાય. કોઈ એ પ્રવાસ નો અહેવાલ લખ્યો હોય, અને એ લેખકે પણ બીજાના મુખે સાંભળ્યુ હોય તેની વાત લખી હોય, એમાંથી વિગતો તારવે. કયાં થી પ્રવાસ શરૂ કરેલો, કયા વર્ષમાં, કેટલા દિવસ લાગેલા, કયા ગામો આવેલા, કયો રસ્તો સારો હતો, અને કયો રસ્તો ભાંગલો કે ધોવાઈ ગયેલો નિવડયો. પછી નકશા શોધે. કોની પાસે કયા ક્ષેત્ર નો નકશો છે? એ નકશામાં રસ્તો ચોક્કસ કરે, અને પછી એ રસ્તાને નકશા માં થી ટ્રેસ કરે. કોઈ એ બાજુ ગયા હોય તેની સાથે પૂછ પરછ કરે, અને આજકાલ ની ત્યાં શું હાલત છે કે હોઈ શકે એનું અનુમાન કરે. રસ્તો કયા કયા ગામે થી પસાર થાય છે તેનું લિસ્ટ બનાવે. એક અહેવાલ માં ગામ નું નામ ફલાણું છે, તો બીજાએ એ ગામ નું નામ લખ્યું નથી, કે બે દિવસ ના પડાવ પર ગામનું નામ બીજું જ કઈ લખ્યું છે, તો ગામના નામ, ચાલવા ના દિવસો, ગામ વચ્ચે ના અન્તરો, આવો તાળો મેળવે. અમે દિવસ ના ૧૦ માઈલ થી વધારે ચાલીયે નહીં, અને ચઢાણ ઊંચું અને લાંબુ હોય તો ૮ જ. પછી નકશામાં આ ગામ અને આ રસ્તા શોધે, મેળવે, અને tracing પેપર પર trace કરે.
ચાલવાનો રસ્તો નક્કી થાય (એમના મન માં) એટલે પાછા ઉપડે કોઈ જઈ આવ્યું હોય તેને મળવા. મુંબઈ ગામ માં પર્વતો ખૂંદનાર ની મંડળી ઘણી ઘનિષ્ઠ છે, એક ને પૂછો કે મુક્તિનાથ કોણ જઈ આવ્યું છે? તો ફટાફટ નામો મળે, ફોન કે સરનામું નીકળે, અને ઓળખાણ પણ કરી આપે. અને પપ્પા ની યોજના ગાડી આગળ ચાલે. ચાલવા નો રસ્તો આમ પાકો કરે, અને પછી કયાં થી ચાલવાનું શરૂ કરવું એ નક્કી થાય. એ જગ્યાએ કેવી રીતે પહોંચવું એ મોટી મોકાણ હોય, ખાસ નેપાળ જવાનું હોય ત્યારે. એ જમાના માં નેપાળ સાથે રેલ અને બસ ના જોડાણ જૂજ હતા, અને સરહદ પરના રહેવાસી ઓ ને સગવડ પડે ત્યાં સુધી જ સુવિધા હોય, અને લોકલ જાણ હોય. અને મુંબઈ થી ટ્રેન કઈ પકડવી, કયું જંકશન મળશે, ત્યાંથી કઈ ટ્રેન કેટલા વાગે એ માટે રેલવે નો એક સમૂહ ગ્રંથ હતો. એ Bradshaw ના નામે ઓળખાય. આમ તો રેલ્વે ના દરેક વિભાગ પોતપોતાની ટ્રેનો માટે timeTable છાપે, પણ અમારે તો બે-ત્રણ વિભાગો ઓળંગીને જવાનું હોય. એટલે Bradshaw જ કામ લાગે.
હવે પહેલો પ્લાન બને. હિમાલયમાં અંગ્રેજોએ એ ડાક બંગલા, રેસ્ટહાઊસ, ઇન્સ્પેક્શન હાઊસ અસંખ્ય બાંધેલા. વિલાયતી ઢબ નું architecture હોય, પણ એવી સુંદર અને વિસ્તારેલી જગ્યાઓ માં બાંધ્યા હોય કે માન આપવું રહ્યું. ભારત માં લગભગ બધ્ધીજ જગ્યાએ - જ્યાં પર્વતારોહણ કર્યા વિના જવાય - અમને આવા બંગલા કે ધર્મશાળાઓ મળી રહેતી. સાવ જંગલમાં તાંબું તાણી ને રહેવાનુ જૂજ વખત જ કરવું પડ્યું. નેપાળમાં વાત તદ્દન ઊંધી. ગામ આવે તો કોઈ નો મોટો ઓટલો જોઈ, પરવાનગી લઈ એ ઓટલા પર સુવાનું, કે પછી મજૂરો કહે ત્યાં પાણી પાસે તાંબું તાણવાનો.
હવે દિવસ અને ટાઈમ સાથે મુંબઈ થી મુંબઈ સુધી નો સંપૂર્ણ કાર્યક્રમ ગોઠવાય. કઈ ટ્રેન, ક્યાં બદલવાની, બસ મળે કે નહીં - એને માટે કાગળ લખવાના અને જવાબ ની રાહ જોવાની - સરકારી કર્મચારીઓ જવાબ આપે કે નહીં તે તો અનિશ્ચિત ગણાય ને! મને સ્કૂલમાં રાજા કયા દિવસે પડે એ કઢાય, અને કાર્યક્રમ માં તારીખો નખાય. કયા ગામે કઈ તારીખે પહોંચશુ, કેટલું રહેવું છે એ પ્રમાણે બંગલા માટે, PWD - પબ્લિક વર્કસ ડિપાર્ટમેંટ - , જંગલાત ખાતું, કે જિલ્લા અધિકારીને પપ્પા કાગળ લખે, જવાબ આવે કે પછી મની ઓર્ડર કરવાના કે બુકિંગ ચોક્કસ થાય. તારીખો નક્કી થઈ કે તરતજ ટ્રેન ની ટિકિટ લેવાની પેરવીમાં. નસીબે ટ્રેન માં સ્લીપર કોચ માં reservation મળવા માંડ્યુ. સવારે ચાર વાગે હું અને પપ્પા લાઇન માં ઊભા રહેવા જતાં. નવું નવું હતું ત્યારે ટિકિટ અને રિજર્વેશન મળી જતું. પછી બ્લેક માર્કેટ વાળાઓ ઘુસ્યાં, અને ટિકિટ મળવાની મુશ્કેલ થઈ ગઈ. એટલે અમારે પણ કોઈ એજન્ટ ને પકડી ટિકિટ મેળવવાની. એ જમાનામાં ટિકિટ તો પુઠ્ઠા ની ચબરખી, નહીં તો હાથે લખેલી રેલવે ના કાગળ પર. (કારકુન ના લખાણ વાંચવાના એ સ્પેશીયલ આવડત જોઈએ). ટ્રેન બદલવાની હોય તો ટિકિટ આપે, પણ reservation માટે ટેલિગ્રામ મોકલવા પડે, અને નસીબ હોય તો જવાબ માટે ટેલિગ્રામ ના પૈસા ભર્યા હોય તો જવાબ આવે, પણ એ સ્ટેશન પર પહોંચીએ ત્યારે જ ખબર પડે કે રિજર્વેશન મળ્યું કે નહીં! પપ્પા બહુ ચિંતા કરે, આવા આગલા રિજર્વેશન ની. ખાસ તો પાછા આવવાની ટિકિટ માટે.
પછી ઘરમાં તૈયારીઓ. સૌ પ્રથમ તો થેલા માળીએ થી નીકળે, અને જો રીપેર કરવાના હોય તો પાયધુની પર આવેલા એક બે કેનવાસ ના કામ કરતાં કારીગરો પાસે થેલાને સમો કરાવવાનો. થેલા ૪ નક્કી. એકમાં ગરમ કપડાં, એકમાં કોટન ચાલુ પહેરવાના, એકમાં સ્લીપિંગ બેગ (સ્લીપિંગ બેગ આવી પછી! પહેલાના થોડા ટ્રેક્સ તો ગોદડા વાળા બિસ્તરા લઈને કર્યા) અને છેલ્લો થેલો (લંબાઈમાં ખૂલે એવો) રસોડાના સમાન માટે. થેલા લઈ જવાના બે કારણ. એક તો એ જમાનામાં ટ્રેનમાં સામાનના વજન ની સીમા હતી. અને બીજું કારણ તે મજૂરોને ઊચકવાની સહેલાઈ પડે. પછી બધ્ધા ગરમ કપડાં નીકળે અને અગાસીમાં તડકે મુકાય. મમ્મી રસોડાની થેલીઓ કાઢે. બધ્ધા કરિયાણા, મસાલા, અનાજ, લોટ બે થેલીમાં હોય. અંદરની પોલી બેગ, અને બહાર કપડાની - નાડા વાળી. કપડાની બેગ પર અંદર શું છે તે લખાય. શિયાળામાં અમદાવાદ રહેતી બેન પાસે શાક અને ભાજી ની સુકવણી કરાવે. સુકવેળા ટીંડોરા, સુકવેલી ઝીણી મેથી અને કોથમીર, સુકવેલા આદુ-મરચા. લિસ્ટ બહુ લાંબુ હોય. જે રસોઈ ઘરમાં થાય, એજ રસોઈ ટ્રેક પર થાય. મમ્મીની બેનો, ભાભીઓ અને મિત્ર-નારીઓ આ બધું તૈયાર કરવા મદદ કરવા આવે. અઠવાડિયું બાકી હોય ત્યારે વેઢમી અને મગજ તૈયાર થાય. માસી અને મામી નાસ્તાની પૂરી, ચેવડો, ચકરી અને થેપલા લઈ આવે. નાસ્તાનો થેલો જુદો. પપ્પા કેમેરો તૈયાર કરે, અને ફિલ્મ ના રોલ લઈ આવે. કલર transperancy ના રોલ હંમેશા મળે તો મળે, એટલે જ્યારે મળે ત્યારે બે પાંચ લઈ રાખ્યા હોય - expiry ની તારીખ જોઈ ને! મારી જવાબદારી દવાની પેટી. મારી સ્કૂલની aluminium ની પેટી હતી - સ્કૂલ માટે તો નાની પડી ગયેલી. અને આટલી બધી દવા લઈ શું કામ લઈ જવાની? કારણકે પહાડો માં અમે શહેર થી દૂર જગ્યાઓ માં જઈએ, અને અમારે અનુભવે નજીવી દવા પણ ગામ વાળાઓ ને આપીએ તો જેને દવા મળતી જ ના હોય તેવા માણસોને કઈક તો રાહત થાય. અમારા મજૂરોને, અને ભારત ના હિમાલયમાં ગુર્જર લોકો ઘણા મળે, જે લોકો પોતાની ભેંસ નો કાફલો લઈ ઉનાળામાં પર્વતોમાં આવે, અને શિયાળામાં પંજાબ ના મેદાનો માં પાછા. અને ચાલતા હોઈએ ત્યારે ગુર્જર ના ડેરા તો અચૂક મળે જ. દવા એટલે તાવ અને દુખાવા માટે anacin, codopyrin, burnol, tincture iodine, પાટા પિંડી, હોમીઓપથી ની પેટ માટે, શરદી માટે, એવા નાના સ્તરની દવાઓ જે અમે પોતે પણ લઈએ તેવી. અમે કઈ ડૉક્ટર તો છીએજ નહીં, પણ પહાડોના લોકલ માણસો માને કે શહેરી લોકો પાસે દવાઓ હોય. મને એક પણ ટ્રેક યાદ નથી કે જ્યાં આ દવાઓ કામ ના લાગી હોય - ગામવાસી માટે. ઘણી વાર પાછા આવતાં છેલ્લા ગામ માં ડોક્ટર કે એવું કોઈ મળે તો બધ્ધી દવાઓ ત્યાં ખાલી કરીને જ આવીએ.
બસ, જવાનો દિવસ આવે, અને ટ્રેન ના સમય થી ૩-૪ કલાક વહેલાં ઘરે થી નિકળીએ. સામાન નું વજન કરાવી એની ચબરખી લેવાની, જેથી ટ્રેનમાં ટિકિટ કલેક્ટર હેરાન ના કરે. અને જેવી ટ્રેન આવે કે ડબ્બામાં જલ્દી ઘૂસી, અમારી સીટ ની નીચે સામાન ગોઠવી દેવાનો. મામી કે માસી ફણસી ઢોકળી અને આથેલા આદુ-અળધર લઈને સ્ટેશન પર આવે - એ રાતનું જમવાનું! અમારી પાસે એક એલ્યુમિનિયમનો ડબ્બો હતો. ઘરે એમાં ખાંડ રાખતા, પણ ટ્રીપ પર પહેલા આ ફણસી ઢોકળી અને પછી દૂધ દહી એમાં જ. મારા જન્મ પહેલા નો ડબ્બો!
કાશ્મીર ગયા ત્યારે તો કોડાક કંપની નો બ્રાઊની મોડલ નો સાદા માં સાદો કેમેરો હતો. પછી રોલિકોર્ડ નામનો કેમેરો ખરીદ્યો. એમાં ફોટા સરસ આવે એવી સગવડો ઘણી હતી. પપ્પાએ નક્કી કરેલું કે ૧૨૦ કદ ની ફિલ્મ જ વાપરવાની. ૩૫ ની મળવા માંડેલી, પણ એ કેમેરા મળતા નો’તા, અને પપ્પાને એ “નાના” પડતાં! ઘણા વર્ષે આ રોલિકોર્ડ કાઢ્યો કારણકે એમાં લેન્સ બદલાય એવું ન હતું. જાપાન નો મામિયા કંપની નો કેમેરો મળતો હતો જેમાં ટેલિ-લેન્સ બદલી શકાતો હતો, એ કેમેરો લીધો, અને હું પરણ્યો, અને મેં ૩૫ mm નું રટણ ચાલુ કર્યું, ત્યારે ગયો, અને જાપાન ની પેંટાક્ષ કંપની નો કેમેરો લીધો, સાથે ચાર પાંચ જુદા જુદા લેન્સ પણ લીધા. પપ્પાએ ફોટા લેવાનું મને સોંપી દીધું, અને અંજુ સાથે ના બધ્ધા ટ્રેક માં આ પેંટાક્ષ ના જ ફોટા છે. આ કહાની લખાવાની કે ટ્રેક પરથી પાછા આવીએ એટલે ટ્રેક ની સમાપ્તિ ના ગણાય! ફિલ્મ ડેવેલપ થાય, ટ્રાન્સ્પેરન્સી આવે, અને અમારા ઘરે, મિત્રમંડળ ભેગું થાય – પ્રવાસ ની સ્લાઈડ્સ જોવા. એ જોવા પપ્પાએ એક પ્રોજેક્ટર લીધેલું, જેમાં ૧૨૦ અને ૩૫ કદ બંને ની ટ્રાન્સ્પેરન્સી મૂકી ને પ્રોજેકટ કરી શકાય. ત્યારે ટ્રેક પૂરો થયો કહેવાય!