ઓળખાણ લગ્ન પહેલાં ૧૯૫૬ સુધી હિમાલય મમ્મી પછી આખરે અમે બે સંબંધો
પહેલું પાનું The Beginning
Mummy Pappa

આવ્યો હિમાલય

પપ્પા ને ખાસ હિમાલયની તલપ કેવી રીતે લાગી એ વાત મને ખબર નથી. પણ કુદરત નો પ્રેમ તો અત્યંત. અનુમાન કરું છું કે ગામડા માં ઉછેર, કુમાર અવસ્થામાં ફોઇબા સાથે ગુજરાતનાં યાત્રા સ્થળો ફરવા (સામાન ઊંચકવા અને યાત્રા વખતે કોઈ પુરુષ સાથે જોઈએ એ હિસાબે – પ્રભુ પ્રેમ તો એમના થી જરા પર હતો), અને ખાસ તો પૂના હોસ્ટેલ માં હતા ત્યારે સૈહ્યાદ્રી માં રખડે એવી મિત્ર મંડળી મળી એમાં થી કુદરત નો ચસકો લાગ્યો! પણ ખાસ હિમાલય ની તમન્ના કેવી રીતે જાગી એ વાત મારા થી લુપ્ત છે.


 મૂંબઈમાં બે જણા ડુંગરા ભમવાની વાતમાં ઘણા જાણીતા હતા અને મુંબઈ ગામ માં પર્વતો ની વાતો થાય તો એમનું નામ અચૂક બોલાય. એક નું નામ અશોક મડગાંવકર, અને બીજા નવનીતભાઈ  પારેખ. બન્ને સારા એવા શ્રીમંત. પપ્પા બન્ને ને મળેલા, અને હિમાલય માં ટ્રેકિંગ કરવાની પેરવીમાં છું, એમ ઇચ્છા દર્ષાવેલી. બન્ને જણા હિમાલય ઘણું ફરેલા, એ લોકોએ પપ્પાને માહિતી તો આપી, નકશા પણ બતાવ્યા, જગ્યાઓ ના નામ, દ્રષ્ય ક્યાંથી શું દેખાય – હિમશિખરો ના દ્રષ્ય – ક્યાંથી ક્યાં જવાનું વગેરે. પણ એક સવાલ એવો પૂછ્યો કે પપ્પા હાલી ગયા. હિમાલય જવા તારી પાસે પૈસા કેટલા છે? દસેક હજાર જોઈશે! કઈ સાલમાં આ વિવાદ થયો એ ખબર નથી, પણ ધારું છું કે મારા જનમ પછી જ હશે! રૂ.૨૦૦ ની આસપાસનો પગાર, અને હિમાલય માટે ૧૦૦૦૦! તો પણ હિમાલયની તમન્ના તીવ્ર હતી. મુંબઈ ની આસપાસ રજાઓ ગાળી ને પૈસા બચાવ્યા, અને ૧૯૫૬ માં હિમ્મત કરી કે કાશ્મીર જઈએ. ખાસ તો કોઈએ પપ્પાનું ધ્યાન ખેચ્યું કે આ શ્રીમંત લોકો હિમાલય જાય તે આખો કાફલો લઈ ને જાય, એટલે એ લોકો ૧૦૦૦૦ ની વાત કરે. જરા હિમ્મત કરો, એટલો ખર્ચો નહીં થાય.

૬૮ દિવસ ફર્યાં – ઘરઆંગણે થી ઘરઆંગણે! રૂ ૧૨૨૮.૦૦ નો ખર્ચો થયો!


૧૯૫૬ થી માંડીને પપ્પાએ વિદાય લીધી ત્યાં સુધીમાં આશરે ૪૦ વાર હિમાલયનું પાણી પી આવ્યા. ૧૯૬૮ માં હું IIT ની હોસ્ટેલ માં ગયો ત્યાં સુધી એક સિવાય બધ્ધી ટ્રિપ સાથે કરી. મારા સિવાય પપ્પા મમ્મીએ ૭ કે ૮ ટ્રિપ કરી. મમ્મી ની છેલ્લી તે જાનકી ની પહેલ્લી! કાશ્મીર જ તો! મમ્મી પછી પણ હિમાલય તો ચાલુ જ રહ્યું. છેલ્લે છેલ્લે તો સિંગાપૂરથી પણ એક ટ્રિપ કરીજ! પપ્પાને એક વાત નો વસવસો રહી ગયો – જો કે ફક્ત કયાં જવું એ વાત ચાલે ત્યારે બોલે, પણ એની “હાય” કોઈ દિવસ નથી કરી. હિમાલય ના બધ્ધા ભાગ ફર્યા, પણ આસામ બાજુ કોઈ દિવસ ગયા નહીં. કારણ સમજવા જેવું છે. હિમાલય ના ઊંચા હિમાચ્છાદિત શિખરો આસામ બાજુ જૂજ છે, અને ગોરીયા ઓ ની expeditions આવતી – પર્વતારોહણ કરવા – એ બધ્ધી પશ્ચિમ હિમાલય ના શિખરો માટે જ. એટલે એ વિસ્તાર ની માહિતી, બીજી વ્યવસ્થા, ટ્રેકિંગ નો રસ, વ્યાપક થયો, અને આસામ બાજુના શિખરો, અને ટ્રેકિંગ વ્યવસ્થા (અને અંગ્રેજો માટે આવન-જાવન ની સુવિધા) પણ ઓછી જ વિકસી.

કાશ્મીર થી શરૂઆત કરી. અમારી ત્રણે ની પહેલી યાત્રા! ૨૭ વર્ષ પછી જાનકી ની પણ પહેલી હિમાલય ટ્રિપ કાશ્મીર ની જ. કુમાઉં માં સુંદરતા ઘણી, પણ ગઢવાલ નો વિસ્તાર વધારે, અને પાંચ ધામ ને લીધે, જાણકારી પણ ભરપૂર. કુમાઉં માં ચાર ટ્રિપ થઈ - વૈદેહી ની પહેલી હિમાલય ટ્રિપ – તે ઉપરાંત જાનકી અને વૈદેહી પોતાના સાહસે કુમાઉં એક એક વાર એકલા જઈ આવ્યા ખરા. મમ્મી નો છેલ્લો ટ્રેક – મિલામ ગ્લેસિયર – પણ કુમાઉં ના પૂર્વી  ભાગ માં, નેપાળ ની સરહદ પાસે થયો. ગઢવાલ ઘણી વાર ગયા, બદ્રીનાથ તો મે ચાર વાર દર્શન કર્યા. પપ્પા મમ્મીએ મારા વિના ત્રણ બીજા ટ્રેક ત્યાં કર્યા.

નેપાળ સાથે પણ લાંબો સંબંધ રહ્યો, '૬૫ અને '૭૫ ની વચ્ચે. ભારત કરતાં વેગળું, કારણકે અંગ્રેજોએ ત્યાં પહોચીને સત્તા જમાવી નો’તી, અને એ કારણે સાધન વ્યવસ્થા બનાવી નો’તી. પણ ત્યાંની પ્રજા, આપણી માણસાઈ ને તુચ્છ ઓળખાવે એવી સુઘડ, સંસ્કારી, દિલદાર પ્રજા. ગરીબાઈ ઘણી પણ સ્વમાન હિમાલય જેવી ઊંચાઈ પર. (પણ છેલ્લા 20 વર્ષની નેપાલમાં થયેલી ઊથલ પાથલ પછી લોકોનું માણસ કેવું રહ્યું છે એ જાણતો નથી. પણ મારી આસ્થા હિમાલય ના ભૂમિ પ્રતાપ માં છે, પહાડ ના અને ખાસ હિમાલયવાસી મનુષ્ય ના મનસ હિમાલય જેવા પ્રચંડ વિશાળ અને ખુલ્લા જ હોય.) મુક્તિનાથ થી શરૂ થયું, અને ફોકસુમડો સરોવર છેલો ટ્રેક કર્યો – પપ્પા-મમ્મી એ.

વારો આવ્યો હિમાચલ પ્રદેશનો, અને ત્યાં અમે ખૂબ મ્હાલ્યા. આજ સુધી હિમાલય શબ્દ વિચારું અને ત્વરિત ખજિયાર આંખે તરી આવે, અને સાથે શેત્રુંડી ની ઠંડી લાગે, અને મમ્મી લાહુલ માં બેલી પુલ પાર કરતો ફોટો ડૂમો ભરાવે. આ લાહુલ વાળો ટ્રેક મમ્મી-પપ્પા નો સૌથી સુંદર ટ્રેક હતો એવું માનું છું. હું નો’તો. મનાલી થી કિસ્તવાર. પંદર વીસ દિવસ લાગ્યા, પણ હવે તો મનાલી થી કિસ્તવાર – લાહુલ વાટે છ સાત કલ્લાક માં ગાડી ઑ પતાવે છે. અમારા ફરવાની પૂર્વી હદ્દ તે દારજીલિંગ અને સિક્કિમ.

બીજે આમ તેમ ફર્યા તો છીએ, પણ અહીં તો હિમાલય ની વાતો કરવી છે ને! પચમઢી એ પણ યાદગાર ટ્રિપ રહી. મમ્મી પપ્પા અમ્રાવતી પાસે ના ટાઈગર રિઝર્વ જઈ આવેલા, અને રણથંભોર માં રાજાશાહી – વૈભવ માટે નહીં, જંગલમાં જૂની રાજા ની મઢૂલી માં રહેવા માટે! – યાત્રા કરેલી. સંજોગ વસાત અમે દક્ષિણ ભારત માં ફર્યા નહીં, પણ એનો કોઈ વસવસો નો’તો. પણ પરણ્યા પછી પપ્પા-મમ્મી ઉટી અને કોડીકેનાલ ફરી આવેલા.