ઓળખાણ

સુલોચના ઉર્ફે બકા ઉર્ફે મમ્મી

સુમન્ત ઉર્ફે લાલે ઉર્ફે પપ્પા

સુલોચના ઉર્ફે બકા, ઠાકોરદાસ અને તારાગૌરિ ની દિકરી, ૯ માં ચોથી, ૧૯૧૬ એપ્રીલ ની ૧૧મી એ - વિક્રમ સંવત ૧૯૭૩ ના રામનવમી ને દિવસે, મુંમ્બઇ માં જન્મી. ઘરે કે કંચનગૌરિ માં તે મને ખબર નથી. દાદાજી – ઠાકોરદાસ – સુરત ના. ૧૯૦૭ કે ૧૯૦૮ ની આસપાસ મુંબઈ આવેલા. Standard Oil માં નોકરી લીધેલી, અને ૧૯૨૮ સુધી ત્યાં નોકરી કરેલી. પછી મેટ્રો થિએટર માં નિવૃત્તિ સુધી (૧૯૪૮) કામ કર્યું.

ઠાકોરદાસ ડાહ્યાભાઇ, ડાહ્યાભાઇ જઇકિશનદાસ. તારાગૌરી મગનલાલ મલ, મગનલાલ ગુલાબદાસ મલ. આવી મમ્મી ની પેઢી - મામાએ લખાવી છે. કુટુંબમાં પાંચ દીકરી, કુમુદ, મંજુલા, સુનયના, સુલોચના (ઉર્ફે બકા), અને કૃષ્ણમણી,  દીકરા ચાર, મધુસૂદન, મહેન્દ્ર, શશિકાંત અને અરુણ. મમ્મી પૂરેપૂરી મુંમ્બઈ ની છોકરી. ચન્દારામજી માં ભણી મેટ્રિક કર્યું, અને ૧૯૩૬ માં મોર્ડન સ્કૂલ માં “વેણીવાળા બેન” પ્રાથમિક શાળા ની શિક્ષિકા બની. મારા જાણવા પ્રમાણે પ્રવાસ માં તો “મામા ઘેર કેટલે – સુરતે દીવો બળે એટલે!” એવું જ હતું. કોઈના મોઢે બીજા પ્રવાસ કે ફરવા ગયા એવું સાંભળ્યું નો’તું. ૧૯૩૯ માં ૩ મહીના માટે મદ્રાસ ગયી Madame Montessori પાસે બાળકો ને શિખવવાની નવી ઢબ શિખવા. (આટલું લખ્યું પછી જરા મેડમ મોંટેસોરી ની વાતો ની શોધ ખોળ કરી. મોંટેસોરી ની ઢબ તો પ્રખ્યાત થઈ હતી ભારતમાં અને થોડા ઘણા લોકો યુરોપ જઈ એમની પાસે શીખી આવેલા, પણ ૧૯૩૯ માં તેઓ મદ્રાસ સ્થિત થીઓસોફિક સોસાયટી ના આમંત્રણે ત્યાં કોર્સ કરાવવા આવેલા. ઇતિહાસ એવું કહે છે કે મેડમ ઈટાલીયન હતા, અને બીજું વિશ્વ યુદ્ધ ફાટતાં અંગ્રેજો એ એમને ભારતમાં નજર કેદ કર્યા, અને છેક ૧૯૪૬માં એ વતન પાછા જઇ શક્યા.)


 કુટુંબમાં થી પહેલી દીકરી જે નોકરી કરવા માંડી. બધ્ધિ બેનો પરણી પરણી ને સાસરે ગઈ, અને મોટીબાએ ભાઈઓ ની દેખ રેખ અનાયાસે મમ્મીને સોંપી. મોટા મામા એ કહેલું કે ભાઈ ઓ દોસ્તારો સાથે picture જોવા જાય, ત્યારે મમ્મી પૈસા આપે – એના પગાર માં થી! ઘરમાં પણ ભાઈઓ નુ ધ્યાન રાખતી. મહેંદ્રમામા યાદ કરે કે સ્કૂલ નું લેસન કરવાનું હોય તો સામે આવી ઊભી રહે, અને મામાને કંટાળો આવતો હોય તો પણ લેસન કરાવે.

સાથે સાથે ભરવા ગૂંથવામાં પણ પાવરધી. Painting પણ સુંદર કરે. મને એક વસ્તુ ખાસ યાદ છે કે ચાહ નાસ્તો આપવાની એક ટ્રે હતી, (શરમ આવે છે કે હવે ક્યાં ગઈ તે ખબર નથી – સિંગાપૂર આવ્યા અને ઘર ની ઘણી વસ્તુ ઓ વેરવિખેર થઈ ગઈ) અને એમાં એક ગુલાબ ના જૂથ્થા નું ભરતકામ – ટ્રે ના કાચના તળિયા ની નીચે! દરેક ફૂલ ના આબેહૂબ ગુલાબ ના રંગો, light અને shade ના જુદા રંગો વગેરે. સીવણ કામમાં પણ એવુજ. લગભગ ૮મી સુધી મારા બધ્ધા કપડાં – યુનિફોર્મ સુધ્ધાં – એજ સીવતી.

નાની હતી ત્યારે ગટકી હતી, એટલે “બકા” નામ પડ્યું. અનુમાન કરું છું કે બકાસુર માં થી બકા રહી ગયું! પણ મોટી થતાં ક્યારે સરગવા ની શીંગ જેવી થઈ તે ખ્યાલ કોઈ ને નથી. પણ શક્તી, સહનશીલતા, ઉત્સાહ, નજર ની પહોંચ, અને ઉદારતા માં કોઈ એને પહોંચે નહીં. અમે હિમાલયમાં trekking – ચાલી ચઢી ને પર્વતો નો પ્રવાસ – કરવા જઈએ ત્યારે, “હું રૂમાલ પણ નહીં ઊંચકું”, અને ખરે ખર રૂમાલ – એ જમાનામાં ladies રૂમાલ ચબરખી જેવો હતો – પણ મને કે પપ્પાને પકડાવી દે, પણ ચાલીયે ત્યારે અમારા બંને કરતાં આગળ જ હોય.

સિફત તો જાણે એનું ત્રીજું નામ! આશરે અઠવાડીયા માં ત્રણ વાર એનો બીજમંત્ર સંભળાવે – “કામ વ્હાલું છે, માણસ નહીં!” અને પોતે કામ કરે એટલે બીજાને તમ્મર આવી જાય. બા ને ઘરે – ચાલી ની ત્રણ સળંગ રૂમો હતી. મેં જોયા પ્રમાણે! બા દાદા સવારના ચાર વાગે ઊઠે, અને બા પવાલી ચઢાવી છ વાગ્યામાં દર્શન કરવા નીકળી જાય. ભાભીઓ તો પછી આવી, તે મમ્મી રસોડુ પતાવી પોતે પણ નોકરીએ નીકળી જાય.

આમ અમુક વાતોમાં કડક. હું ત્રીજો બાળક, અને 1951માં મમ્મી ૩૫ ની. આગળ ના બે થોડું જીવ્યા, પણ માંદગીમાં ગયા હતા. સંભવ હતો કે મને લાડથી બગાડે! પણ બંને પપ્પા અને મમ્મી એ શિસ્ત કડક પાળી. તોફાન પછી લાફો તો પડે જ, અને પછી માં દીકરો બંને સાથે રડીએ! શું કહું? એને ગયે ૩૮ વર્ષ થયા, પણ આટલું લખતાં ડૂમો ભરાય છે.



પપ્પા - સુમન્ત રણછોડ, રણછોડ દામોદર, દામોદર પિતામ્બર, પિતામ્બર હરિવલ્લભ, હરિવલ્લભ ધઈ. મા સોન બા. આમોદ ગામ માં જન્મ્યાં. બાપાજી આમોદ ની શાળા ના માસ્તર હતા. “તમે ક્યાં ના?” પ્રમાણે મૂળ વતન તો જમ્બુસર. જમ્બુસર થી ૫ કે ૬ માઇલ દૂર આમોદ ગામ. સૌથી મોટી દીકરી હીરાલક્ષ્મી ૧૮૮૯ માં જન્મેલી, અને ૮મું સંતાન (જીવ્યા એ બાળકો ની ગણત્રીમાં) ૧૯૧૧ ની નવેમ્બરે - વિ. સંવત ૧૯૬૮, માગશર સુદ આઠમ, બુધવારે માસિક દુર્ગાષ્ટમી ને દિવસે -પધાર્યું, તે સુમન્ત! એમના પછી એક નાનો ભાઈ, એમ કૂલ્લે ૯ ભાઈ બહેનો. કુટુંબ માં ચાર દીકરા, નટવર, ત્રિભુવન, સુમન્ત અને ઇન્દુકુમાર, પાંચ દીકરી, હીરાલક્ષ્મી, લલિતા, કુંદન, કંચન, સવિતા. અને સાથે ફોઇ રહે તે બા આદીત. બાફોઈ – હિરાલક્ષ્મી - નાની ઉંમરે વિધવા થયેલા, અને શિક્ષિકા હતા કન્યાશાળામાં. પપ્પા પર એમનો પ્રભાવ ઘણો. પપ્પા નાના હતા ત્યારે જ સોનબા ગુજરી ગયેલા, એટલે ફોઇબા ને હાથે ઉછેર સારો એવો થયો. બંને વચ્ચે સંબંધ પણ ભાઈ બહેન કરતાં મા દીકરા જેવા વધારે.  

આમોદ થી બાપાજી ની – સરકારી નોકરી! – બદલી થઈ ગજેરા. ગજેરા કયાં સુધી રહ્યા એ ખબર નથી, પણ ગજેરા થી સુરત બદલી થઈ કે - બાપજી - નિવૃત્ત થઈ ને ઠરી ઠામ થવા આવ્યા કે કેમ – પણ પપ્પા નું માધ્યમિક ભણતર સુરત માં પૂર્ણ થયું. ૧૯૨૯ માં SLC (સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ) પાસ કરી સાર્વજનિક હાઇ સ્કૂલ માં થી, અને વડોદરા માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલય માં ભણવા પહોંચ્યા. ઇન્ટર કરી પૂના ગયા – એસ. પી. કોલેજ માં BSc પૂરું કરવા, અને ત્યાંથી કોલ્હાપુર કે સોલાપુર માં રહી બી.ટી. (બેચેલર ઓફ ટીચિંગ) કર્યું. પૂનામાં રહીને એમનું પુખ્ત વય નું વ્યક્તિત્વ ઘણું ખીલ્યું. સૈહ્યાદ્રી અને શિવાજી ના કિલ્લા ખૂંદવાનો પ્રેમ જાગ્યો, મિત્રો મળ્યા, સીગરેટ મળી, ટેનિસ નો ચસ્કો લાગ્યો, અને પૂના ની એસ. પી. કોલેજ (જેનું સરનામું હતું: "झारापकर टेलरिंग च्या समोर"!) માં ભણતર ચાલુ રાખ્યું. એક ખાસ મિત્ર પૂનાની હોસ્ટેલ માં થી, તે અમરાવતી ના વકીલ રાજાભાઉ ગોખલે.

સુરતમાં ફોઇબા – હિરલક્ષ્મી – કન્યાશાળામાં શિક્ષિકા હતા. પપ્પાનું મૂળ વ્યક્તિત્વ – કુમાર અવસ્થા દરમ્યાન – સુરતમાં ઘડાયું. જીંદગી ભરની મૈત્રી સુરતમાં જ બંધાઈ. જયદેવ, શશિકાંત, કર્ણિક, જૈંતિ મામાવાળા, જૈંતિ શેઠીયાજી.

કુમાર વયે, મોટિબેન ગુજરાતમાં જાત્રા એ જાય, ત્યારે પપ્પા ને સામાન ઊંચકવા સાથે લઈ જાય. જમાનો સ્વાવલંબી જીવન નો હતો. હાથે રાંધિ ખાઓ, બહારનું ખાવાનું એક તો મળે નહીં, અને આમેય બહારનું ખાવાનું વર્જિત હતું. ફકત મંદિર નો પ્રસાદ લેવાય! એ જમાનામાં પપ્પા પોતાની ઓળખાણ માં “નાસ્તિક” એમ દર્શાવતા. બાપજી ની પૂષ્ટાવેલી સેવા, અને ફોઇબા - સંપૂર્ણ નહીં - પણ મરજાદી શિસ્ત થોડી ઘણી પાળે ખરા. ૧૯૨૫-૩૦ ની આસપાસ ઘણો પ્રવાસ ગાડામાં જ થાય, સ્ટેશન સુધી, અને પેલે પાર સ્ટેશન થી આગળ! પપ્પા જાય ચોક્કસ, પણ એમને તો આસપાસ ડાફાં મારવા માં રસ વધારે. પણ આ પ્રવાસો ને લીધે, એમનામાં પ્રવાસ અને કુદરત નો પ્રેમ ઘણો જાગ્યો. ખાસ તો આબુ, પાવા ગઢ, ને એવી પર્વતમાળા ની જગ્યા એ જઈ ને. આ કુદરત નો પ્રેમ પર્વતો, પક્ષીઓ, જંગલો, હિમાલય ખૂંદવાનો, ફોટોગ્રાફી ના પ્રેમ માં કેવી રીતે બદલાયો એની મને ખબર નથી! પણ હું પ્રગટ થયો ત્યાર થી પપ્પાને આ કુદરત પ્રેમી ના રૂપમાં જ જાણ્યા છે.

પપ્પા, મામા, કાકા, ફુવાજી,માસજી, સર, સુમન, અંકલ સેમ, સુમન્ત ઘેલો, લાલે, સુમંતલાલ અને ડાર્લીંગ ! હાઈક પર  જવું છે?, હિમાલયમાં ટ્રેકિંગ કરવું છે, શિવાજીના કિલ્લાઓ પર જવું છે, બ્રિજ રમવું છે? શ્રીખંડ બનાવવો છે? વેઢમીનો માવો બનાવવો છે, નૈનહીન  છોરા ને ટેક્સ્ટ-બુક વાંચી આપવાની છે? મમ્મી ની સાડી પર tracing કરી આપવાનું છે, મને ટેબલ-ટેનિસ શીખવાડવાનું છે? એ હાકલ પડી જ છે, સુમન્ત ના નામની!


પપ્પાની ત્રણ એકદમ જુદી મિત્રમંડળી. એક તો સુરતના બાળમિત્રો, બીજી મંડળી તે પર્વતોમાં રખડે ચઢે ફરે, પક્ષીઓ અને ફોટોગ્રાફી ના રસિયા એવા મિત્રો ની મંડળી, અને ત્રીજી તે આજ વિષયો નો ચેપ પપ્પાએ લગાડેલો તે મિત્રો. ખાસ શિયાળામાં અમદાવાદ મારી ફોઇ ની દીકરી બહેન ના ઘરે જાય (નિવૃત થયા પછી) અને આજુ બાજુ ના તળાવ અને સરોવરો પાસે સાઈકલ પર રખડે, ગાળામાં દૂરબીન લટકાવી ને, અને કોઈ ને નવાઈ લાગે કે આ કાકા શું કરી રહ્યા ચ્હે, અને પૂછવાની હિમ્મત કરે, એને આ પક્ષીઓ નો પ્રેમ વળગાડે જરૂર.

હિમાલય જવાનું હોય એની તૈયાર પપ્પા બે ત્રણ વર્ષ થી ચાલુ કરે. ઠેર ઠેર થી ચોપડી અને નકશા નો અભ્યાસ કરે, નકશામાં થી રસ્તો ટ્રેસ કરે, અને હિમાલયમાં સરકારી અફસરો ને પત્ર લખે – માહિતી માટે કે પરવાનગી માટે, કે રેસ્થાઊસ માટે ચિઠ્ઠી માંગે! મારી વેકેશન શરૂ થવાની હોય એની આગલી રાતની ટ્રેન ની ટિકિટ લેવા રેલવે ના નિયમ પ્રમાણે 3 મહિના પહેલા સવારે 4 વાગે ટિકિટ લેવા સ્ટેશને લાઈનમાં લાગી અમારી ત્રણ ની ટિકિટ આવે. એમને આરક્ષણ વિના ટ્રેન માં સફર કરવી જરાયે ગમતી નહીં, અને આરક્ષણ ન મળ્યું હોય તો તરત જ ફર્સ્ટ ક્લાસ ની વાત કરે, અને મમ્મી ની છટકે! પણ મમ્મી ને વાંકી આગળીએ ઘી કાઢતા સરસ આવડતું, અને આ ફર્સ્ટ ક્લાસ ને સૂવાડી દે!

TV અમારે ત્યાં અકસ્માતે જ આવ્યું. અને પપ્પાને ટેનિસ મેચ જોવાનો શોખ, પણ છેલ્લા પોઈન્ટ પહેલા બાજુના રમ માં ચાલી જાય – ટેન્શન સહન ના થાય! જુવાની માં કશેક ક્યારેક મલેરિયા થયો હતો, અને એની અસર કોઈક વાર ફૂટે, ખૂબ ઠંડી લાગે. ત્યારે મૂંબઈમાં જ સ્વેટર અને ગોદડા નીકળે.

સંસ્કૃત નો પ્રેમ ઘણો. એમના સૌથી મોટાભાઇ તો સંસ્કૃતમાં BA થયેલા. પપ્પાને સંસ્કૃતમાં જાત જાત ની કડી યાદ હોય. કોઈ વાર મેઘદૂતમાં થી કોઈ કડી બોલે, તો કોઈ વાર બીજી કોઈ કવિતા ની પંક્તિ. અંગ્રેજી પણ પાકું. એમની કલકત્તા ટ્રાન્સફર થયેલી, અને અમે પાછા મુંબઈ આવ્યા ત્યારે મને ગુજરાતી સ્કૂલમાં કોઈ દાખલ ના કરે. એમના સાહેબે પ્રસ્તાવ મૂક્યો કે અંગ્રેજી મીડિયમ માં એડમિશન જોઈએ તો હમણાં કરી આપું! મને થોડું બોલતા આવડતું હતું, એટલે અમે હા પાડી. અને પપ્પાએ મારી સાથે દોઢ મહિનો (ઉનાળાની વેકેશન હતી) મહેનત એવી કરી, કે નવી સ્કૂલમાં ગયો અને અંગ્રેજી ભાષા નવી જ શીખ્યો  છું એવું કોઈ શિક્ષકને લાગ્યું નહીં!


ઓળખાણ લગ્ન પહેલાં ૧૯૫૬ સુધી હિમાલય મમ્મી પછી આખરે અમે બે સંબંધો
પહેલું પાનું The Beginning
Mummy Pappa