સોન અને રણછોડને ૯ છોરા! સૌથી મોટો પૌત્ર, સૌથી નાના દીકરા કરતાં મોટો! આવી તો ઘણા કુટુંબ ની કથા. હું જરા મોટો થયો – કાકા મામા ફોઇ ને ઓળખતો થયો - ત્યાં સૂધી માં ફોઇ તો એક જ હયાત હતા – પહેલું સંતાન અને પહેલી દીકરી હિરલક્ષ્મી; કાકા ત્રણેવ – સૌથી મોટા નટવરલાલ, આઝાદી ના લડવૈયા ત્રિભોવનદાસ, અને સૌથી નાના અને ચપળ ઇન્દુકુમાર - હયાત હતા. સુમન્તમામા ના ભાણિ ભાણિયા ઘણા હતા. સગી બહેન સમાન લતુબેન, પાસે જ રહેતી મંજરી –જેનો હું લાડકો!, અને જેકીબેન જે પપ્પાની લાડકી હતી. બાકીના ફોઈના દીકરા દીકરીઓ ને ઓળખું ખરો, પણ ઉમરે એ બધા મારાથી ઘણા મોટા. એક ફોઇબા-લતૂબેન અને થોડા વખત માટે ઇંદુકાકા ના પરિવાર સિવાય લાંબે ગાળે મૂંબઈમાં કાકા ફોઇ માં થી કોઈ ખાસ રહ્યું નો’તું. અમદાવાદ માં મોટાકાકા, અને આશરે 1956 પછી ઇંદુકાકા. કુંદન ફોઇ જંબુસરમાં, લલિતા ફોઇ વડોદરા, સવિતા ફોઇ સુરત, કંચન ફોઇ પ્રભુ ઘરે. બધાના છૈયાં છોરા મુંબઈ આવે, તો અમારે ત્યાં રહે, એટલે બધા ભાઈ બહેનો ને ઓળખું. પણ એક ઇંદુકાકા ના યોગેશ રૂપા સિવાય બધા જ મારાથી ઘણા મોટા. યોગેશ રૂપા તો જાણે મારા સગ્ગા ભાઈ બહેન. ઘણી રજા ઓ અમદાવાદ માં ઇંદુકાકા ને ઘરે કાઢી, અને યોગેશ રૂપા સાથે ખૂબ રમ્યો, તોફાન કર્યા, દોડાદોડી કરી.
ફોઇબા એટલે હીરાલક્ષ્મી. સૌથી મોટા, પપ્પા માટે “મોટીબેન”, લગભગ ૨૦ વર્ષ નો ફરક, અને માં સમાન. સોનબા તો બાપજી કરતાં ૨૩ વર્ષ પહેલા ગુજરી ગયેલા એવું સાંભળેલું. વાત એવી હતી કે સોનબા ને વૈદે પરેજી પાળવા માટે મીઠું બંધ કરવા કહેલું. બા થી પળાય નહીં, એટલે બાપાજી એ પણ એજ પરેજી પાળી. એ જમાના ના યુગલ એટલે પતિ કરે તો પત્નીએ તો કરવુજ રહ્યું! પણ બા એ તો છોડી દીધી પરેજી, અને પહોંચી એ ગયા, પણ બાપજી એ પરેજી આજીવન - બાકીના 23 વર્ષ - પાળી. એટલે એ સમયે પપ્પા તો ઘણા નાના હશે એવું અનુમાન કરું છું. મોટાકાકા સંસ્કૃત ના ખાં હતા, અને સ્કૂલમાં સંસ્કૃત ના શિક્ષક હતા. અમદાવાદ માં એક પોળમાં રહેતા હતા. પોળમાં સાયકલ કે ટાંગો જૈ શકે, ગાડી ના જાય. ત્રિભુકાકા રંગીન માણસ. આઝાદી ની લડાઈ માં ઘણું કામ કર્યું, પત્રકાર હતા. એવું કહેતા કે પ્રખ્યાત ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ અને બીજા 3 ને ફાંસી અપાઈ ત્યારે એ જેલ ની બાહર હતા, બીજા પત્રકારો ની સાથે. થોડા વર્ષો એ અમારી સાથે રહ્યા, અને મને એમનો ઘણો લાડ મળ્યો. ખાસ તો કંઇ બનાવાનું હોય કે રીપેર કરવાનું હોય તો ત્રિભુ કાકા કરી આપે. ઇંદુકાકા પણ રંગીન માણસ, બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સૈન્ય માં હતા. એ પણ ભણ્યા ઓછું, પણ જાત જાતના ધંધા કરી શકતા. કેલિકો મીલ માં ઘણા વખત નોકરી કરી. ક્રિકેટના શોખીન, અને ગુજરાત ની ક્રિકેટ એસોશિએશન ના કોઈ અધિકારી પણ હતા. આ બધામાં પપ્પા સૌથી સ્થિર. કારસ્તાન કરેલા ખરા, પણ ભણ્યા એટલે નૌકરી વગેરે ની સ્થિરતા ઘણી. પપ્પા ની વાતો તો આ આખી વેબસાઇટ જ છે!
બધા ભાણીયા ભત્રીજા કે ભત્રીજી ની ગાડી મમ્મી ને સ્ટેશને જરૂર આવી થોભે. મામી, આવું થયું કંઈ કરી આપો, કાકી આ પ્રોબ્લેમ છે, શું કરું, વગેરે. અમારું વિલ્સન સ્ટ્રીટ નું ઘર મોટું, અને મમ્મી નું દિલ એના કરતાં પણ મોટું. એ ઘરમાં થી ૧૭ જાન નીકળી એવું પપ્પાએ મને એક વાર કહેલું. ગ્રાન્ટ રોડ નું ઘર નાનું, પણ મમ્મી નું દિલ તો એટલું જ મોટું! બોમ્બે સેંટરલ અમારા ઘરની પાસે, એટલે ટ્રેનમાં થી ઉતરી સિધ્ધા ઘરે આવે, અને જમી ને કામે નીકળે, રાતના પાછા આવે, જમે, સૂઈ જાય, બીજે દિવસે ટ્રેન પર પાછા! મમ્મી ગયા પછી અંજુ એ આ પ્રથા સુંદર નિભાવી. પણ સુલુમામી ગયા પછી સંપર્ક ધીરો જરૂર પડી ગયો!
અમારું મૂળ ગામ તે જંબુસર. જ્ઞાતે અમે દશાપોરવાડ, પણ જંબુસર ની જ્ઞાતના! મુંબઈ-સુરત ની જ્ઞાત જુદી! આ જ્ઞાત ની કથા આવીજ હોય! જિંદગી માં પહેલી વાર પરણ્યા પછી જંબુસર ગયો! કુટુંબ માં લગન હતા એટલે મમ્મી કહે સારી તક છે, જઇ આવો. સૌથી અવનવો અનુભવ તે જ્ઞાતની વાડી માં જમણવાર! બધા ઘરના માણસો જ પીરસે, અમે પણ દાળ શાક લઈ ને પંગતે ફર્યા. મજા આવી; સમૂહ કામ કરવાની અનોરી મજા આવી.
મારી એકદમ ખાસ બહેન તે લતા બહેન. મારા થી ૧૦ બાર વર્ષે મોટી છે, પણ ફોઇબા એ ઉછેરી, અને વનિતા વિશ્રામ માં થી નિવૃત્ત થયા એટલે બંને ઘરે આવ્યા. મારો ઉછેર ફોઇબા અને લતૂબેન ના સથવારામાં જ થયો.
તીલુબેન (અશ્વિનભાઈ ના સહધર્મિણી) સાથે આવંધ પટ્ટા ના કિલ્લા ની હાઇક પર ગયેલા. હું કોલેજમાં હતો એવો આભાસ છે, અને ચાલતા ચાલતા વાતે ચઢ્યા, અને કેવી છોકરી ને પરણીશ એ વિષય ઉપડયો. તીલુબેન ની બાહોશી કે મારા આ વિષયના બધા જ વિચારો પ્રગટ કરાવ્યા - (અંગત વિચારો સિવાય! એ વયે અંગત વિચારો તો માયાજાળ જ હતા ને!). હું IIT પૂરું કરી ઘરે આવ્યો, અને સહજમાં નોકરીએ લાગ્યો. મમ્મી તરત કૂદાકૂદ કરે, છોકરી શોધો. મને પૂછે એ પહેલાં પપ્પાએ શરત કરી. બન્ને એ લગન પછી છૂટા રહેવાનું! મમ્મી તો સાવ રડવા જેવી થઈ ગઈ. કેમ? કારણકે વહુ આવે તો તું પદચ્યુત! ઘરની રાણી ના પદ થી. Deposed! મમ્મી કહે વહુ આવે તો એને જ રાણી બનાવીશ, પણ સાથેજ રહીશું. પપ્પાને એજ સાંભળવું હતું. પણ સાચું કહું તો પપ્પા મમ્મીને ચાવી જ મારતા હતા. મમ્મી ને દીકરી ની અછત બહુ જ સાલતી. વહુ નહીં આવે, દીકરી જ આવશે. પપ્પાને આ વિચાર ખબર તો હતા, પણ એ વાત ને જાહેર કરવા મમ્મી ને પિન મારી!
નૌકરીએ લાગતાં મમ્મીએ તો ઢંઢેરો પિટાવા નો જ બાકી રાખ્યો હશે! કે મારો દીકરો તૈયાર છે! અશ્વિનભાઈ-તીલુબેને "તારા જેવી જ કુદરત ઘેલી છોકરી છે, તમારામાં સરસ ભળી જશે" વદી પપ્પાને અને પ્રફુલ્લભાઈને વાત કરેલી. પ્રફુલ્લભાઈ પપ્પા અને મને ઓળખે, કારણકે અમે એમની પાસે ફોટા ધોવડાવવા અને મોટા કરાવવા ઘણા વર્ષો થી જતાં. મળવાની ગોઠવણી થઈ. ટાટા માં (Telco) ઇન્ટરવ્યુ આપી પ્રફુલ્લભાઈ ના સ્ટુડિયો પર પહોંચ્યો – ૪૦ મિનિટ મોડો. બેઠો પણ નહીં, અને પ્રફુલ્લભાઈ બોલ્યા, "આ અંજુ", તમારે જ્યાં જવું હોય ત્યાં જઇ વાતો કરો. મુંબઈ માં કોલાબા ને છેડે નૌસેના નો વિસ્તાર છે. ટ્રાફિક નહીં, અને સુંદર આજુબાજુ ઝાડ પાન ના છાંયડા વાળા રસ્તા. ચાલતા ગયા, અને વાતો કરતા ગયા. પૂરું અઠવાડિયું પણ નો'તું ગયું, અને મન મળી ગયેલા. ટાટા ની નૌકરી શરૂ થાય કે અંજુ નું ભણવાનું પૂરું થાય એ પહેલાં અમે બંધાયા. અંજુ અને મેં એક બીજા ને હા પાડી એ પહેલાં મમ્મી એ અંજુ ને મન માં બેસાડી દીધેલી. કંઇ બોલી નહીં, પણ અમે પાકું કર્યું ત્યારે જીવ હેટે બેઠો. હનીમૂન થી પાછા આવ્યા અને પહેલે દિવસે જ મમ્મીએ અંજુ ને કબાટ ની ચાવી પકડાવી, પણ જાણે દાઝી હોય એમ અંજુ એ ચાવીઓ મમ્મી ને પાછી આપી કે તમે જ રાખો. ચાવી માં કઈ દમ નો’તો, કારણ કે ચાવીઓ તો સીવવાના મશીન ના ખાના માં જ પડી રહેતી હતી! બસ માં ને દીકરી મળી, અને મને એક ને બદલે બે બોસ મળ્યા. અંજુ મમ્મી ની પૂરેપુરી ચેલી! અને શાહ પરિવાર નો બીજો ખંડ શરૂ.
હવે આવે અમે જન્મ આપ્યો એ કુટુંબ! અમારી કુમારિકા ઓ – જાનકી અને વૈદેહી! અંજુ પ્રસૂતિ પછી હજુ હોસ્પિટલ માં જ હતી, જાનકી રાતે સવાબારે પધારી. બીજે દિવસે મમ્મી અંજુ માટે પ્રસૂતિ ના વસાણાં લઈ ને આવી, હું ઘરે થી પહોંચ્યો. મકર રાશી માં 'ખ' અને 'જ' આવેલા. 'ખ' માં થી કંઈ નામ સુજતું નો’તું, એટલે 'જ' પરથી “જાનકી” નામ મનમાં બેઠેલું. રુમ પર પહોંચ્યો અને બોલ્યો, “મારા મન માં એક નામ બેઠું છે”. મમ્મી તરત બોલી “મારા મનમાં પણ એક નામ બેઠું છે” અને અંજુએ પણ એજ કહ્યું. તું પહેલા તું પહેલા કરતાં હું બોલ્યો “જાનકી”, મમ્મી પણ “જાનકી”, અંજુ પણ “જાનકી”. એટલે અમારી મોટી નું નામ જાનકી પડ્યું. પછી વાત નીકળી કે જાનકી ફાવ્યું ના હોતે તો? બેક અપ માં “વૈદેહી” હતું. પાંચ વર્ષ રહીને એજ હોસ્પીટલમાં એજ રુમ માં અંજુ અને “બેબી ગર્લ” સૂતા હતા. બસ મમ્મી નો’તી, બે વર્ષ પહેલાં અમને છોડી ગયેલી. આ વખતે રાશી - મીન - વિચિત્ર અક્ષર લાવેલી. 'દ' 'ચ' 'ઝ' 'થ'. કોઈ નામ બેસતું નો’તું. એટલે અમે બન્ને બેક અપ નામ પર ગયા, અને અમારી બીજી “વૈદેહી” થઈ! અમને આ બે નામ સહજ રીતે ગમે એમ હતું. એક તો મમ્મી ની વર્ષગાંઠ રામનવમી એ, અને અમે ચારેવ ને નીનુભાઈ મજૂમદાર નું ગીત સીતાયન એટલું ગમેલું, કે લગભગ મોઢે થઈ ગયેલું. એટલે અમારે ઘરે સીતા જ પધારે ને! ભાવિ નું કરવું કેવું? વૈદેહી લપસી તો રામ ના ખોળામાં! રામકુમાર, અમારો જમાઈ! અને પૌત્ર રવિ! જાનકી વૈજ્ઞાનિક બની અને વૈદેહી ભાષા ની કારીગરી ની દુનિયા માં પડી. નાનપણ માં જાનકી ની પ્રિય રમત તે ઘરના મોટાં ને જમીન પર બેસાડી, પોતે શિક્ષક બને, અને "શીખવે". PhD કરી, શિક્ષક જ બની – genetics માં. વૈદેહી પર્યાવરણ ની રક્ષા માં એની ભાષા ના હથિયાર ચલાવતી થઈ.
Chosen family એટલે અમે અને ધનિયા મંડળી. માધ્યમિક ભણતર પૂરું કર્યું અને હોંશે હોંશે કોલેજ માં ગયા. કોલેજ ના રોલ નંબર અટક પ્રમાણે હોય, અને ધનીયો પણ “શાહ”, એટલે બન્ને એક જ ડિવિઝન માં. ક્લાસમાં આશરે ૨૦-૩૦ છોકરીઓ, અને લાઇન મારવા વાળા દોઢસોમાં ના બાકી! હવે છોકરીઓ સામે હોંશિયારી ના બતાવીએ તો કોલેજ શાને માટે આવ્યા? છોકરીઓ માટે આગળની બેન્ચ નું આરક્ષણ! એટલે એમની તરત ની પાછાળ ની બેન્ચ પકડવાની. લગભગ પહેલે જ દિવસ થી અમે છ જણા બરાબર વચ્ચે ની રો માં ત્રીજી બેન્ચ પર ગોઠવાયા, અને પછી જે પહેલું પહોંચે એ બાકી ના પાંચ માટે જગ્યા પકડી રાખે. અમે ચાર સેંટ ઝેવિયર સ્કૂલ ના અને બાકી બે તે ધાનિયો – ફેલોશિપ ગુજરાતી મીડિયમ વાળો અને એવો જ છઠ્ઠો તે ભૂરીયો (અસલી નામ તો બનતાં સુધી “નરેન્દ્ર” હતું, પણ કોઈ એને ભૂરિયો સિવાય બોલાવતું નહીં). એ ધનિયા ને કોઈ પહેલાની સ્કૂલમાં થી ઓળખતો હતો. મસ્તી કરવામાં અમે છ સાથે. પણ બીજા વર્ષ સુધીમાં ધનિયો ને હું ગાઢ મિત્ર બની ગયા, અને એ જ અમારા બન્ને ના chosen કુટુંબ! અમે ચાર, અમારા ચાર. એક પછી એક વધતાં ગયા. ધનિયા ગીતા નો ચેતન, અમારી જાનકી, ધનિયા ગીતા ની ચાંદની અને છેલ્લે અમારી વૈદેહી!