મારી વાતો
ફ્રેન્ક સીનાત્રા નું એક ઘણું પ્રસિદ્ધ ગીત છે, તે જાણે મારા દાદા માટે જ લખાયું હતું!
અંત પાસે આવ્યો,
આખરી ખેલ સામે,
બંધુ હું સાફ કહું,
નિશ્ચે ભરપૂર જીવ્યો,
અસંખ્ય પંથે ભમ્યો,
મારીજ રીતે, મારીજ રીતે!
ખરેખર, દાદા એમની રીતે જ જિંદગી જીવ્યા, અને વૈદેહી તથા મારા માં પણ એવી જ પ્રેરણા જગાડી.
મારી દાદા ની યાદો તો વૈદેહી અને મને ભરપૂર લાડ કરતા એના થી જ ભરેલી છે, અને અમે બે એ લાડ નો પૂરો ફાયદો લેતા. જમતા જોઈએ એટલી વાર લગાડીએ, રોટલી ના અમને ફાવે એવા કટકા કરી આપે, હેંગિંગ ગાર્ડન ફરવા જતાં, અમારી ઇચ્છા ના રસ્તે લઈ જાય, સાથે અમારો મન ગમતો નાસ્તો તો હોય જ! દાદા સાથે અમારી જ ચાલે! દા.ત. જોઈએ એટલી ખાંડ, જે રીતે જોઈએ તેવી રીતે મળે! હાથમાં, દૂધમાં, સિધ્ધી મોઢામાં વગેરે! બધી વાત અમને પહેલાં જ રાખે! શું રાજ કર્યું છે દાદા સાથે, અમારા બાળપણ માં!
સ્કૂલમાં જવા માંડી એટલે દાદા ઘણી વાતો શીખવે – એમની રીતે! હેંગિંગ ગાર્ડન કે બીજે કશે પણ કુદરત માં ફરવા જઈએ એટલે ફૂલ, ફળ, ઝાડ, છોડ ના નામો શીખવે અને પછી પરીક્ષા પણ કરે! અમારી બે વચ્ચે હરીફાઈ થાય કે કોને આ નામો અને ઓળખ વધારે યાદ રહ્યા! ફૂલ પાન તોડવા પણ દે, કે હાથમાં લઈ બારીકાઈ થી જોવાય, પાંખડી છૂટી પાડી ફૂલ ના અવ્યયો ની ખબર થાય, આકાર, સુગંધ, રંગ, રૂપ બધુ બરાબર યાદ રહે – આજ સુધી ભૂલી નથી! બંને ને આવી ટ્રિપ્સ માં ખૂબ આનંદ આવતો. કોસમોસ અને ડાઃલિયા જોઊં કે અનાયાસે આજે પણ એની ઓળખ દાદા એ શીખવેલી એમજ મગજ માં ત્વરિત તરે.
આ બધી રમતો માં થોડું ભણવાનું પણ આવે. દાદા એ મને પાડા શીખવવાનું માથે લીધેલું! જેમ ગાઈ ને આંક નો પાઠ કરવાનો પરંપરાગત શિખવવાય તેમજ. ગુજરાતી માં જ! દર રોજ રાત ના સૂતા પહેલાં ૧ થી ૧૨ ના પાડા બોલવાના! ભૂલ થાય તો પાછા બોલવાના. દાદા ની તમન્ના કે આ પાડા જીંદગી માં મને ઘણી મદદરૂપ થશે! પણ દાદાની બધી મહેનત એળે ગઈ. ફક્ત એ પાઠ નો લય યાદ રહી ગયો છે.
મોટી થતી ગઈ તેમ દાદા નું શીખવવાનું પણ આડકતરું થતું ગયું. સીધું શીખવવા ને બદલે પોતાના વર્તન થી ઉદાહરણ મારી સમક્ષ ઊભું કરે. દાદા નિવૃત્ત થયા પછી નૈનહીન વિદ્યાર્થીઓ ને સ્કૂલ ના પુસ્તકો વાંચી સંભળાવતા. એ વિદ્યાર્થીઓએ ઘરે આવે, રસોડામાં બેસી, દાદા વાંચે અને એ લોકો સાંભળે! અમારા કુમળા મગજ માં કેવા પરોપકાર ના સુંદર સંસ્કાર ભરાય! વર્ષો વરસ
જેવી સ્કૂલ માં રજાઓ પડે કે દાદા આખા કુટુંબને હિમાલય ભણી લઈ જાય, અને આખો મહિનો અમે ટ્રેકિંગ કરીયે. પ્રવાસ અને સાહસ નો અમને ચેપ લાગ્યા વિના રહે કંઇ? ફક્ત ઊંધું ઘાલી ને પ્રવાસ નહીં, પણ ફૂલ ઝાડ પક્ષી કુદરત જોતાં માણતા આનંદ લેતા પ્રવાસ કરવાનો! આજે અમે પણ પ્રવાસ અને કુદરત ઘેલા છીએ!
ઉમર થઈ, આંખો નબળી થઈ, પણ દાદા ની જિંદગી માં જે કુદરત નો પ્રેમ, સંગીત નો મોહ પ્રવાસ ની લત વણાઈ ગયેલી તે તો એટલી જ તીવ્ર રહી. અને જે પણ દાદા એ કર્યું કારયું તે પણ દાદા એ એમની જ રીતે કર્યું! પણ એવું જ થવું જોઈએ ને! પોતાની રીતે!