પાછા!

મારી વાતો

સુમન્ત અને સુલુ. હેમંત નાં નહીં પણ મારા પણ પપ્પા મમ્મી.

મારો સંબંધ હેમંત જોડે ૧૯૬૬ માં કે.સી. કોલેજના વિજ્ઞાન ના પહેલા ક્લાસ માં શરૂ થયો. હેમંત એનું નામ લખે હેમંત સુમન્ત શાહ, સુમન્તલાલ કે એવું કોઈ વિશેષણ નહીં. બહુજ નવાઈ ભર્યું! જ્યારે પપ્પા મમ્મી ને પહેલી વખત મળ્યો ત્યારે બીજી નવાઈ જોવા મળી. મમ્મી પપ્પાને સુમન કહી ને બોલાવે. પછી તો નવાઈ ઓ ની વણઝાર લાગી. કેમ? કારણકે હું એક પુરુષપ્રધાન કુટુંબમાં થી આવું જ્યાં પુરુષો કમાવા સિવાય ઘરનું કોઈ પણ કામ ના કરે અને બહારથી આવે તો પાણી નો ગ્લાસ પણ પોતે ના ભરે. જ્યારે આ ઘરમાં બધા બધું જ કરે. વાસણ કપડાં ધોવા, ઝાડુ કાઢવું વગેરે વગેરે.

૧૯૬૨માં મારી ૧૨ વર્ષની ઉંમરે મારા પિતાજી નું અવસાન થયું, મારા મોટા ભાઈએ અને ભાભીએ મને માં-બાપ બની ને ઉછેર્યો. ઘણી છોકરમત કરતો, તો નાનો છે કરીને હસવા માં કાઢી કાઢતા.

જેમ જેમ પપ્પા-મમ્મી ની નજદીક આવ્યો તેમ તેમ સગા માં બાપ જેટલો પ્રેમ વધતો ગયો. મારા ભાઈ ભાભીઓ એ જે છોકરમત ચલાવેલી એ સમજાવીને અથવા કાન આમળીને સુધારી. મારા માટેના પ્રેમ માં મને હેમંત જેટલો જ હિસ્સો મળ્યો. બહુજ સાદા, સિધ્ધા અને સિદ્ધાંતવાદી. કંજુસાઈ નહીં પણ કરકસર એમનું નામ. હેમંત કોલેજમાં હતો ત્યારે શર્ટ નો કોલર ફાટયો હોય તો ઊલટો કરીને પહેરતો.

મારી ઓળખાણ થઈ ત્યારે પપ્પા અને મમ્મી એમની સિંધ્યાની ક્લાર્કની અને મોડર્ન સ્કૂલ ના શિક્ષિકા ની નોકરીમાં થી નિવૃત્ત થઈ ગયેલા.  ૧૯૬૮માં હેમંત IIT માં દાખલ થયો એટલે હોસ્ટેલ માં રહેતો. દર રવિવારે એ ઘરે આવવાનો હોય કે નહીં, પપ્પા મમ્મી નો પ્રેમ એટલો કે હું પહોંચી જાંઉ. પપ્પા મોટે ભાગે ઘરે ના હોય અથવા તો આંધળા વિદ્યાર્થીઓ ને વાંચી આપતા બહાર થી આવે અને હું પૂછું કે પપ્પા શીદ ગયેલા તો કહે ચકલા જોવા. મમ્મી મારા માટે ડ્રિંકિંગ ચોકલેટ બનાવે. જો હું કોઈ વખત ના પાડું તો પપ્પા કહે હા પાડી ને, તો મને પણ પીવા મળે. બસ આજ એમનો ભૌતિક શોખ. ગળ્યું ખાવા જોઈએ તે એટલે સુધી કે ૧/૨ કપ ચા માં ૪ ચમચી ખાંડ હોય. શ્રીખંડ જાતે બનાવે અને એલચી એટલી નાખે કે દહીં નો સફેદ રંગ રહયોજ ના હોય. બાકી તો ના કપડાં નો શોખ, કે બહાર ખાવા નો કે તળેલા ફરસાણ ખાવા નો કે ના કોઈ જાતની ટાપટીપ.

મમ્મી પપ્પા કરતાં ૪ ડગલાં આગળ. કોઈ દિવસ ઘરે બહારનો નાસ્તો ના હોય અને ઘરમાં પણ તળેલા નાસ્તા ના ડબ્બા ના હોય. જે કોઈ પણ આવે તો ગરમ નાસ્તો જ બને.

મારા ખ્યાલ પ્રમાણે બધા ગુજરાતી ઘરોમાં જૂના કપડાં વાસણવાળી ને આપીને વાસણો લેવાય પણ મમ્મીએ કોઈ દિવસ એવું કર્યું નથી. જૂના કપડાં જરૂરતમંદો ને આપી દીધા છે. જો કોઈ કપડું ફાટયું હોય તો એને પાછું સાંધીને જ આપે, એમ નહીં કે આપી દીધું એટલે પત્યું. એટલે પોતાની જાત માટે કરકસર પણ કંજુસાઈ નહીં.

પપ્પાના ઓલીયાપણા માટે મને યાદ છે કે જ્યારે અંજુ પહેલી વખત શક્તિસદન આવવાની હતી ત્યારે મમ્મી એ તાકીદ કરવી પડી કે સદરો સીધો પહેરજે! (નહીં તો ઘણી વખત ખીસા બહાર લટકતા હોય – ઊંધો પહેર્યો હોય એટલે)

ભૌતિક શોખ નહોતા તો બીજા શોખ એવા કે મારા જાણમાં તો એવું પહેલું જ ગુજરાતી કુટુંબ.

ગુજરાતી અને એમાં વાણિયા માટે રૂપિયા નો રણકાર એજ સંગીત. જ્યારે આ લોકો ને શાસ્ત્રીય સંગીત નો શોખ. મને ગુજરાતી અને જૂના હિન્દી ગાયનો સાંભળવા નો શોખ પણ શાસ્ત્રીય સંગીત અને મને બાર ગાઊનું છેટું. સૌથી પહેલી વાર તેઓ મને રંગભવન માં ઉસ્તાદ ભીસ્મિલ્લાહ ખાન નું શહનાઈ વાદન સાંભળવા લઈ ગયેલા. સાથે ચા નું થરમૉસ, શેતરંજી અને બાયનોક્યુલર હોય. પાછળ બેઠા હોઈએ એટલે ઉસ્તાદ ના ચહેરા ઉપરના હાવભાવ જોવા માટે. એ પછી તો ઘણા કાર્યક્રમો માં લઈ ગયેલા ત્યારથી મને અને પછી ગીતાને અને બાળકોને શોખ લાગ્યો.

બીજો શોખ (અને એમાં ઘણા શોખ વણાયેલા) અને તે ડુંગરાઓ માં ફરવાનો કે રખડવાનો. ડુંગરો હોય એટલે જંગલ, ઝાડ, પાન, ફૂલો, ફળો, પ્રાણીઓ, પશુઓ, નદી, ઝરણાં. આ બધાની સુંદરતા માણવાની અને એને કચકડે મઢવાની (ફોટોગ્રાફી કરવાની). દર રજાઓ માં બધાજ મુંબઈ ની બહાર નીકળી જાય. ધરમશાળા જેવી જગ્યાઓમાં કે ટેન્ટ માં રહેવાનુ, સાથે ખાવા પીવાનો સામાન હોય એટલે જાતે ખાવા કરવાનું. સાથે ફક્ત ગોળપાપડી કે એવું કંઇ ગળ્યું લઈ લેવાનું (એના વગર તો ચાલે જ કેમ) બધા કામ બધાએ જાતે વહેંચીને કરવાના. (બહાર જમવાનું તો જવલ્લે જ અને ના છૂટકે જ).  

આ રીતે લગભગ આખું ભારત જોયું હશે અને હિમાલય એમનો મનપસંદ પડાવ. ફરવામાં કરકસર પણ ફોટા પાડવા માટે રોલ વાપરવા માં કોઈ કરકસર નહીં. જ્યાં જોવા લાયક જગ્યા ની ખબર પડે અને ત્યાં પહોંચવા માટે જો બસ કે ટ્રેઇન ના હોય તો પોતીકી ગાડી કરીને જવામાં કોઈ કરકસર નહીં. આવા ગુજરાતીઓ તો જવલ્લે જ જોવા મળે. કેમકે એમને તો રોમ માં રસ, અને પેરિસ માં પાત્રા જોઈએ. મને ખબર છે કે હું અને ગીતા યુરોપ ફરવા ગયેલા ત્યારે ઘણા લોકોએ કહેલું કે જુંગ ફ્રાઉ (Jung Frau) માં ઉપર સમોસા કે બટાટાવડા સરસ મળે છે!!!

એ લોકો પાછા આવે પછી મારી ઉઘરાણી શરૂ થાય કે ફોટા (સ્લાઈડ્સ) ક્યારે થશે અને એ જોવા માટે પાછો મેળો જામ્યો હોય અને એમાં હું પહેલો હોઊ. એક જ વાત નો અફસોસ છે અને હજુ પણ સવાલ થાય કે હું કેમ કોઈ પણ દિવસ એમની જોડે ફરવા નહીં ગયો?? એમની વાતો અને ફોટાઓ ઉપર અમે પણ એમાં ખાસ તો પંખીઓ અને ફૂલોને જોવામાં રસ લેવા માંડ્યા. જરા પણ સમજ નથી પડતી એટલે વર્ણન કરીએ એટલે પપ્પા, હેમંત કે અંજુ કહે કે કયું પક્ષી હોય શકે.

 મારા જીવન ઘડતરમાં મારા ભાઈ-ભાભીઓનો ફાળો તો અમુલ્ય છે પણ મારા સાંસારિક જીવનમાં પપ્પા મમ્મીનો સહારો અને માર્ગદર્શન ઓછો નથી. 1974 માં મારા લગન થયા અને ગીતા ને પણ એમને દીકરી ની જેમ જ સાચવી. ગીતાને પણ એમના માર્ગદર્શન અને પ્રેમ ને લીધે એક વિશ્વાસ બેઠો કે મારા માટે પણ એને કોઈ ફરિયાદ હોય તો કોઈને નહીં અને એમની જોડે વાત કરે. એમને એમ લાગે કે ગીતાને કઈ કહેવા જેવું છે, તો તેને કહે પણ મોટે ભાગે તો “હું પુરુષ” ની મારી મનોવૃત્તિ ને લીધે મારો જ વાંક હોય એટલે મને સમજાવે. હંમેશા કહે કે પારકી દીકરીને આપણે ત્યાં લાવ્યા છીએ તો આપણી ફરજ જ છે કે એની લાગણી ન દુભાય. હેમંત નાં લગન તો મારે ત્યાં ચેતન ના જન્મ પછી થયા. એ પછી એમને જાનકી પછી મારે ત્યાં ચાંદની અને છેલ્લે એમને ત્યાં વૈદેહી. ચારે ય બાળકોમાં કોઈ ભેદભાવ નહીં.

મારા લગ્ન વખતે એમણે મને એમના હાથે બનાવેલી એપલિક ની ચાદર ભેટમાં આપેલી અને ચેતનના જન્મ પછી જ્યારે હું જુદા ઘરમાં રહેવા ગયો ત્યારે પાછી એવિજ ચાદર બનાવીને આપી.

બાળકો ઉપરના પ્રેમની વાત કરીએ ત્યારે મારા બાળકો પહેલા પણ મારી ભત્રીજી બીના અને ભત્રીજા મનીષ ને કેટલીય વખત હેંગિંગ ગાર્ડન, રાણીબાગ, વગેરે જગ્યાએ લઈ જતાં અને ફૂલ, ઝાડ, પક્ષીઓની ઓળખાણ આપતા.

મમ્મી જ્યારે ગુજરી ગયા ત્યારે હું લગભગ 15 દિવસ સુધી શક્તિસદનમાં રોકાયેલો. ત્યારે મને હેમંતને બહુજ મોટો સુ:ખદ આંચકો લાગેલો. ઘણા લોકો મળવા આવે જેને અમે ઓળખાતા ના હોઈએ (બધા સગા વ્હાલા અને દોસ્તારોને ઓળખાતા) અને રડે અને પછી મમ્મી ની પૈસે ટકે અને બીજી મદદ ની વાત કરે કે અમે તો છક જ થઈ ગયેલા. એક તરફ પોતાને માટે કરકસર અને બીજી બાજી તરફ દાન અને દયા નો ધોધ.

૧૫ દિવસે જ્યારે હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે પુષ્કળ રડ્યો ત્યારે અંજુ કહે કે રડ નહીં તો પપ્પાએ કહ્યું કે એની પણ માં ગઈ એટલે એને રડવા દે. ઘરે ગયો ત્યારે મારા મોટાબેન મારી પાસે ખરખરો કરવા આવેલા કારણકે એને ખબર હતી કે એ મારી માં હતી.

મમ્મી ગુજરી ગયા પછી હું, ગીતા, ચેતન ચાંદની એ લોકોની જોડે પપ્પા, હેમંત, અંજુ જાનકી જોડે દારજીલિંગ / સિક્કિમ ફરવા ગયેલા ૧ મહિના માટે ત્યારે ખબર પડી કે કેમ કરાય. અમે બધ્ધાં બહુ શીખ્યા અને અમને ઘણી જ જાણકારી મળી. અને જ્યારે સિદ્ધાંતો ની વાત કરીએ ત્યારે પપ્પાના સિદ્ધાંતો તોડવાની વાત કર્યા વગર એમની વાત અધુરી રહે.

એક વખત વૈદેહી બહુ નાની હતી ત્યારે હું પપ્પા અને વૈદેહી ચર્ચગેટ બસસ્ટોપ ઉપર મળી ગયા. માળવાળી બસ આવી એટલે ઉપર ચઢીને સૌથી આગળની સીટ પર બેઠાં. વૈદેહી એ કહ્યું સુસુ કરવી છે, તો કોઈના બાપ ની સાડી બારી રાખ્યા વગર એમને એને ત્યાં જ સુસુ કરાવી.

એક પ્રસંગ થયો પછી હું હેમંત ગીતા અને અંજુ પપ્પાને પાકિસ્તાની અમ્પાયર કહેતા થયેલા. દારજીલિંગ ની ટ્રિપ માં એમને હંમેશા બારી પાસે ની સીટ આપતા, પણ જેવી ટ્રેઇન કે બસ ચાલુ થાય એટલે જાનકી જે ચેતન અને ચાંદની જોડે બેઠી હોય તેને બારી પાસે બેસાડી દેતા. એવિજ રીતે પોતાના માટે દહીં મંગાવે અને પછી જાનકી ને આપી દે એટલે જાનકી ને બે વાડકી દહીં મળે. આ જોઈને અમે ચારેવ જણા બહુ હસતાં પણ એમની પૌત્રી ઓ આગળ, અને માટે, તેઓ કાંઇ પણ કરવા તૈયાર પછી સિદ્ધાંત કી ઐસી કી તૈસી.

છેલ્લે પપ્પા મમ્મીનો એક બીજા પ્રત્યેનો પ્રેમ અને ભાવના જોઈને સુરેશ દલાલ ની કવિતાની પંક્તિઓ યાદ આવે કે

“કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે.”


ધનંજય / ગીતા / ચેતન / નેહા / કહાન / ચાંદની / પ્રતિક /  રિવાન ના શટ: શટ: પ્રણામ