વિ.સં. ૨૦૮૦ શરૂ થવાના ડંકા સંભળાવા માંડ્યા છે, અને આ લખવા બેઠો છું. મમ્મી ગયે તો ૩૯ વર્ષ થઈ ગયા, - વિ.સં. ૨૦૪૦ ચૈત્ર વદ છઠ - પણ દિવસ માં દસ વાર હું કે અંજુ એનો કંઈક વાત માં ઉલ્લેખ કરીએ છીએ. પપ્પા નો ઉલ્લેખ ૧ કે ૨ વાર થાય. કેમ? પપ્પા ગયે તો ૧૨ વર્ષ જ થયા છે! વિ.સં. ૨૦૬૮ ના શ્રાવણ સુદ નોમ. વાત સીધી છે, મમ્મી નો પ્રભાવ રોજીંદી જિંદગીમાં ખૂબ રહ્યો છે, જ્યારે પપ્પા ની જિંદગી ના દાખલા લાંબા અરસા ના. રાંધવામાં, કપડા ને સાચવવામાં, ગૂંથવામાં, અન્ન ની સાચવણી અને માન રાખવામાં, ઘરકામની ભાગીદારીમાં, સેવા પૂજામાં, દીકરીની સુવાવડમાં, રવિ ની વૃદ્ધિ માં, દીકરીઓ ને શિખામણ આપવામાં, વ્યવહારમાં, કપડા અને ઘરગત્તુ વસ્તુઓ ને recycle કરવામાં, ઘરકામ કરે એ માણસો સાથે ના વર્તનમાં, બંને માં ઓ ના પ્રભાવ ની વાતો નો અંત જ ના આવે. એક એનો નિર્દેશ અઠવાડિયામાં ૩ વાર તો રટણ થતું જ હોય: માણસ વ્હાલું નથી, કામ વ્હાલું છે. જિંદગી જીવી ગઈ આ સિધ્ધાંત પર. પપ્પા નો  પ્રભાવ વાત કર્યા વિના અમારી જિંદગી માં દેખાય, ઘરે થી નિકળીએ કે ફળિયામાં આવેલા શિરીષ ના ઝાડમાં થી રોબિન નો સાદ પડે અને અમારી નજર ઘટામાં શોધવા માંડે, કે ક્યાં છે? ગાડી ચલાવતાં પણ રસ્તામાં કોઈ ઝાડ કપાઈ ગયું હોય તો તરત ખબર પડે કે અહીં નો આંબો ગયો, અને અશોક માં ફૂલ ખીલ્યા હોય કે તરત એક બીજા નું ધ્યાન ખેંચીએ કે બેડોક ના જંકશન પર અશોક ખીલ્યું છે તે જોયું? ફિલમ ના કોઈ ગાનાર નો પ્રોગ્રામ હોય – શહેરમાં – તો ખબર પણ ના હોય, પણ શાસ્ત્રીય સંગીતકાર આવે તો ટિકિટ લેવાય તો ખરી. ઘરમાં અમે સાડા પાંચ – રવિ પધાર્યો છે, પણ હમણાં જ ૧ વર્ષનો થયો એટલે અડધી ટિકિટ કહેવાય ને – પણ કેમેરા ભેગા કર્યા છે ૧૨! ફોન ન ગણાય! પપ્પાના મિત્ર મંડળમાં એમના સિવાય બે કે ત્રણ જણા જ એવા હતા કે ૧૨૦ size ની film નો કેમેરો વાપરે, tele-lens સાથે,  અને સ્લાઈડ્સ પાડે એવા તો પપ્પા અને બીજા એક; બસ. પપ્પા નો દલ્લો અમને મળ્યો તે ૧૯૩૫-૪૦ થી માંડીને આજ સુધી અમે બધ્ધા એ લીધેલા ફોટા અને એની નેગેટિવ્સ નો! ફરવા નિકળીએ તો સૌ પ્રથમ કુદરત નું વાતાવરણ શોધીએ. હું એક જ દિવસ ન્યુ યોર્ક માં હતો, ત્યારે સેંટ્રલ પાર્ક સિવાય કશે ગયો નહીં. દક્ષિણ આફ્રિકા ગયા તો કેપ ટાઊન શહેરમાં ગયા પણ નહીં, આજુબાજુ પર્વત, જંગલ અને દરિયા પાસે જ ફર્યા! સિંગાપૂર આવ્યા, અને પૈસા ની તંગી ઓછી થઈ – ખાસ તો મુંબઈ જય ત્યારે. મને હજુ યાદ છે કે રિધમ હાઊસ ગયો તો ને જિંદગીમાં પહેલી વાર કેસેટ લેવા બાસ્કેટ ઉપાડયું હતું. કેસેટો લીધી પણ એમાં શાસ્ત્રીય સંગીત ની દસ તો હિન્દી ફિલ્મી ગાયન ની ચાર! સૌથી મનમાં કોતરાઈ ગયેલી યાદ હોય તો રંગ ભવન માં ૩ રૂપિયા ની છેલ્લી હાર ની સીટ – મલિકાર્જુન મન્સૂર ને સાંભળવા. સ્પીકર્સ હોય એટલે સંભળાય તો સરસ પણ હાથમાં દૂરબીન – કલાકાર ને બરાબર જોવા માટે!. આ મારા બાપાનો વારસો!


મન, મનસ, લાગણી, અને મનુષ્ય માત્ર નું મનોવિજ્ઞાન કેવું છે કે જેવા માં કે બાપ જાય કે એવું લાગે કે - હવે શું કરીશ? મારું કોણ જોશે? કોને પૂછીશ? કોની પાસે સાંભળીશ કે ‘મુંજાય છે શું કામ, હું બેઠી/બેઠો છું ને!’ – પછી ભલે આખર માં શારીરિક હાલત ઢીલી હોય, પણ માં બાપ ની હયાતી જ હિમ્મત આપે. હવે આપણે એકલા એવું અમને લાગવા માંડ્યુ, અને કયા વડીલ  હજુ હયાત છે, એ શોધવા માંડ્યુ. આપણાં સંસ્કાર જ એવા છે, કે જિંદગી ભર કોઈક તો વડીલ જોઈએ કે ડાહપણ અને અનુભવ ભરી સલાહ આપે, અને આપણને હિમ્મત આવે. હવે તો એ વડીલો પણ એક આંગળીના વેઢે ગણાય એટલા રહ્યા. ખરો ડર તો એ લાગે, કે હવે આપણે “વડીલ” ગણાશું! છે આપણામાં જરૂરી ડાહપણ કે અનુભવ? આપણાં માં બાપ અને બીજા વડીલો પણ આવું વિચારતા હશે? કે પરંપરા માં વિશ્વાસ રાખી જેમ પ્રભુ જીવાડે એમ જીવવું એવો ભરોસો જ માન્ય હતો?

દીકરીઓ મોટી થઈ, એક સુવાવડી થઈ, પૌત્ર પધાર્યો, બા દાદા પૌત્ર સાથે ઘેલા કાઢવા માંડ્યા, અને ધીરે ધીરે અમે પણ વડીલ માં ગણાઈએ છીએ એવું લાગવા માંડ્યુ. હવે ખબર પડી કે મારા ફોઇબા “નાથ, તારું જ થાજો” એ રટણ કેમ કરતાં હતા.


  


ઓળખાણ લગ્ન પહેલાં ૧૯૫૬ સુધી હિમાલય મમ્મી પછી આખરે અમે બે સંબંધો
પહેલું પાનું The Beginning
Mummy Pappa