મારી સૌથી પહેલ્લી ચોખ્ખી યાદ તે ૨૬ જાન્યુઆરી ની લાઇટ્સ જોવા ગયા હતા તે. ઘોડાગાડી માં બોરીબંદર સ્ટેશન સુધી અને પછી પપ્પા ના ખભા પર. હું ૨-૩ વર્ષ નો હોઈશ એવું અનુમાન કરું છું, એટલે ૧૯૫૩-૫૪ ની સાલ અને ગણતંત્ર નો નશો ખૂબ ચઢ્યો હશે એમ માનું છું. કેટલા કલ્લાક ફર્યાં હશું તે કંઇ યાદ નથી. ૨ કે ૩ વરસ નો હોઈશ. પછી તો યાદો નો ઢગલો છે.
આખી જીન્દગી મને બાબા કહી ને જ બોલાવ્યો. ઉલ્લેખ કરે તો હેમંત કહે પણ છેલ્લા શ્વાસ સુધી બાબા જ જીભે વસ્યું. મમ્મી નિ યાદો તો ક્યાં શરુ અને ક્યાં પુરી એનો તો આભાસ પણ નથી. ઘર માં બૂમ પડે, અને સુમન્ત કે ડાર્લિંગ ન હોય તો મારે સમજવું કે મારે હાજર થવાનું છે. વ્હાલથી જીભે જે નામ આવે તે મારુ નામ. સ્કૂલ થી માંડીને પરણ્યા પછી પણ ઘરે બારણું ખટખટાવી ને મમ્મી એમ બૂમ પાડતો. મમ્મી ગઈ પછી પણ એક બે વરસ સુધી કોઈક વાર બારણે પહોંચી મમ્મી નો સાદ પાડતો.
બન્ને જણ માટે તો થોથાં લખી શકાય પણ આ તો એમની યાદો ની વણઝાર છે. બન્ને મારા અને અંજુ ના દામ્પત્ય જીવન ના role model. બાળક કે છોકર-છૈંયા કેમ ઉછેરવાં ક્યાં ધ્યાન આપવું અને ક્યાં છૂટ એ પોતે કરી ને ઉદાહરણ સ્વરુપ હતા. બન્ને વાતાવરણ માં બહુજ માને. મને જાત જાતનાં વાતાવરણ માં ભીંજવ્યો નવડાવ્યો ઝબોળ્યો અને એજ રીતે મને સંસ્કાર મળ્યા શોખ મળ્યા શ્રુષ્ટી અને સંસાર ના રસ માણવાની આવડત અને ધગશ મળી.
બન્ને ના મન શિક્ષક ના મન. મમ્મી એ તો મેટ્રિક કર્યું અને ઘર થી ૪ મિનિટ દૂર Modern સ્કૂલ માં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી ચાલુ કરી. મહેન્દ્ર મામાની યાદ પ્રમાણે ૧૯૩૬ માં શરૂ કર્યું, બાળકો ને ભણાવવાનું. કલકત્તા બદલી થઈ, અને સિંધ્યા કોલોની માં રહેતા સરોજબેન ની મારફત ભવાનીપુર ગુજરાતી સ્કૂલ ના બાળમંદિરમાં શીખવવા માંડ્યુ. આદત થી કે શિક્ષિકાની શિસ્ત ને કારણે, મમ્મી હમેશાં વ્યવસ્થિત તૈયાર થાય, અને પપ્પાને “ઓલિયા” માફક ફરતા જરાયે આંચકો ન આવે. મમ્મીની કાયમ ની ફરિયાદ કે મને પણ “ઓલિયણ” બનાવી દીધી, નહી તો હું તો હમેશાં સરસ તૈયાર થઈ ને નીકળતી. વાત માં જરાયે માલ નહીં. હા, પપ્પાને શું પહેરવું એની બહુ ગતાગમ પડે નહીં, પણ કોઈ વાગા નક્કી થાય પછી top quality ની વસ્તુ જોઈએ. એક વાર કઈ કારણે સૂટ સિવડાવવાનો હતો. બેલાર્ડ પિયેર ના નામચીન tailor (દરજી નહીં!) ની દુકાન – Barreto નામ હતું, એવું યાદ છે – માં સિવડાવ્યો, અને મિસર ના cotton નું ખમ્મીસ બનાવડાવ્યું. મમ્મી કશે પણ બહાર જવાનું હોય, કે કોઈ ના ઘરે, કે હેંગિંગ ગાર્ડન ફરવા, માથામાં વેંણી વિના ખસે નહીં. ઘરે થી નીકળી, સૌથી પહેલ્લાં વેંણી લેવાય, પછી બસ પકડાય! મુરતિયો છોકરી ને જોવા નીકળ્યો. નવો નક્કોર લેંઘો પહેરેલો. મમ્મી ને ઘરે મળ્યા, અને મમ્મીએ તરત નોંધ કર્યું કે લેંઘાના કાપડ પર હજી મિલ ની છાપ દેખાતી હતી “ફક્ત વપરાશ માટે”! કલકત્તા માં સિંધ્યા કંપની માં થી પાર્ટીમાં જવાનું કોક વાર થાય. એક વાર સુમતિબેન – જે સિંધ્યા ના Managing Director હતા એ કલકત્તા આવેલા, અને ગોઠવાયેલી પાર્ટી માં પપ્પા મમ્મી ને આમંત્રણ હતું. મમ્મી પાસે વારસા માં આવેલી (મને યાદ છે કે પપ્પા ના ફોઇ બા અદિત ની) સાડી હતી. પાર્ટીમાં પહોંચ્યા અને સુમતિબેને તરત પપ્પાને આવકાર્યા, અને કોઈ સાથે હતા તેને ઓળખાણ કરાવી કે આ હિમાલય નો ગાંડો સુમંત. અને મમ્મી તરફ જોઈ બોલી ઉઠ્યા, આપણી બંનેની સરખી સાડી છે!
મમ્મી સ્વેટર ગૂંથે – અમે બધ્ધા હાથે ગૂંથેલા સ્વેટર જ પહેરતા. પપ્પા પ્યોર વૂલ સિવાય બીજું કઈ ચલાવે નહીં! ૧૯૬૧ માં નૈનીતાલ ગયેલા, અને ત્યાં મારે માટે કોટ પાટલૂન સિવડાવ્યા, કારણકે મૂંબઈમાં પ્યોર વૂલ નું પપ્પાને પાલવે એવું કાપડ મળ્યું નહીં! અને નૈનિતાલમાં જોયું કે તરત સિવડાવ્યું! હિમાલય લઈ જવાની બધ્ધી વસ્તુ ટોપ ક્લાસ જોઈએ! બે સ્ટવ – ફોલ્ડિંગ – Sweden થી સિંધ્યાના કોઈ ઓળખીતા વહાણ ના કપ્તાન પાસે મંગાવ્યા. શશિકાન્ત કાકા એ પૂછ્યું, હું વિલાયત જવાનું છું, કઈ જોઈએ છે? Blacks of Greenock ની ચાર Ider down ની સ્લીપિંગ બેગ! – જે Everest ચઢવાવાળા વાપરે! મમ્મી ભરતકામ માં પાવરધી, અને એની સાડીઓમાં પોતે ભરતકામ કર્યું હોય, તે ઘણીવાર બીજી સ્ત્રીઓ ના મોઢા ખુલ્લા રહી જાય એવું. એ ભરતકામ જુદી જુદી ઢબ માં કરેલું હોય. ડીઝાઇન બન્ને મળીને નક્કી કરે, પછી પપ્પા સાડી ના તાકા પર એ ડીઝાઇન ને ટ્રેસ કરે, પછી બન્ને મળીને રંગ નક્કી કરે, અને મમ્મી ના હાથ ચાલુ! ૧૦૦ રૂપિયા નો તાકો, ૨૦૦૦ ની સાડી બની જાય!
પોષી પુનમ – મારી તિથિ પ્રમાણે વર્ષગાંઠ – જાય અને મમ્મી અનાજ અને વસાણાં ભરવાની પેરવી માં હોય. એમાં પણ share કરવા બેન, ભાભી, ભાણી ને તૈયાર કરેલા હોય. જથ્થાબંધ વસ્તુ આવે તો ભાવ સારો મળે! અમારે ઘરે બે કે ત્રણ પીપ હતા. એક જમાનામાં કાચું પેટ્રોલ ભરાયું હશે, પણ પછી કોઈએ એને અનાજ ભરવા લાયક બનાવ્યું. એક માં ઘઊં, એક માં તુવર દાળ, એક માં ચોખા. આખા વર્ષના! ગૂણિયો આવે, બહેન ભાભી ભણી પડોશી આવે, અને આખું ઘર અનાજ થી ભરાઈ જાય. વીણાય, દિવેલ દેવાય કે પારા ની ટીકડી (છાણ સાથે મેળવીને સુકાવેલી હોય!) કે બોરિક પાવડર, અને પીપ ભરાય, અને પોત પોતાનો ભાગ ઘરભેગો થાય. અનાજ પછી વસાણાં, પણ એ ગુણી ભરીને ના આવે. મરચાં આખા આવે, અને ખાંડવા સાંબેલા લઈ ને બાઈઓ આવે, અને મકાન ની પાછળ ખાંડવા નું ચાલે! વસંત માણ આવી ને જવાની તૈયારી કરે, અને ઘરમાં કાચી કેરી (લાડવો નામ ની કેરી અથાણાં માટે અને રાજાપૂરી છૂંદા માટે) ગુંદા, સુકવેલા બોર, અને અથાણાં અને મુરબ્બા મોટી બાટલીઓ માં ભરાય. વચ્ચે ક્યારેક તો તેલ પાડવાનો પ્રોગ્રામ થાય. દસ બાર જાત ની વનસ્પતિઓ આવે, આમળા આવે, અને એક મોટું તેલ (કયું તેલ તે યાદ નથી) થી ભરેલું તપેલું ચઢે. અને એક પછી એક બધી વનસ્પતિઓ એ ઉકળતા તેલ માં પધરાવાય. છેક રાતે બધુ ઠંડુ પડે, અને મલમલ ના ટુકડામાં ગળાય. એ વનસ્પતિ થી ભરેલૂ કપડું લટકાવાય, બે દિવસ તેલ ટપક્યા કરે, અને ટપકવાનું બંધ થાય પછી આખું બંડલ મારે અને પપ્પાને માથે બે અઠવાડીયા સુધી ઘસાય. તેલ નાખવાની જરૂર નહીં!